Thu Apr 23 2026

Logo

રાજકોટમાં નણંદ નયનાબાને ભાભી રીવાબાએ પાઠવી શુભેચ્છા, નયનાબાએ આપ્યો જડબાતોડ જવાબ

3 days ago
Author: MayurKumar Patel
Article Image

રાજકોટઃ રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પક્ષો પ્રચાર કરીને મતદારોને રિઝવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 બેઠક અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાના નણંદ નયનાબા જાડેજા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તાજેતરમાં રિવાબાએ નયનાબાને જીત માટે શુભેચ્છા પાઠવતા નયનાબાએ વળતો જવાબ આપ્યો હતો.

રીવાબા જાડેજાએ શું કહ્યું હતું

રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી. જોકે તેમણ કહ્યું કે, જીત ભાજપની જ થશે તેનો મને પૂરો ભરોસો છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂરો વિશ્વાસ છે. ભાજપની પેનલ પ્રચંડ બહુમતીથી જીતશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે,  નારી શક્તિનું સન્માન કરવાનો અવસર હતો પરંતું કોંગ્રેસે વિરોધ કરતાં આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો હતો. દેશની કરોડો મહિલાઓનું આ ઘોર અપમાન છે.

શું બોલ્યા નયનાબા

ભાભી રીવાબાના નિવેદન પર જવાબ આપતાં નણંદ નયનાબા જાડેજાએ કહ્યું, મને શુભકામના પાઠવનારા તમામ લોકોનો આભાર માનું છું. જીત કોની થશે તે આગામી સમય જ બતાવશે. ભાજપના પૂર્વ નગરસેવકોએ કોઈ કામ નથી કર્યા માત્ર ભ્રષ્ટાચાર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે રીવાબા અને નયનાબા એટલે કે ભાભી નણંદ વચ્ચે અગાઉ બોલાચાલી થયેલી છે. વર્ષ 2021માં જાડેજાની બહેન નયનાબાનો તેમના ભાભી રિવાબા સાથે વિવાદ થયો હતો.  નયનાબા કોંગ્રેસમાં સક્રિય હતા, જ્યારે રીવાબા ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત રિવાબા તે સમયે સૌરાષ્ટ્રની કરણી ક્ષત્રિય સેનાના પ્રમુખ પદે હતા. રાજકીય કાર્યક્રમના કારણે ભાભી અને નણંદ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.  
 

આ સિવાય ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા.  ચૂંટણી દરમિયાન રવિન્દ્ર જાડેજાના પરિવારજનોએ રીવાબાના હરીફ કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હતો.