Mon Apr 27 2026

Logo

બિઝનેસ લોનને બહાને લોકો સાથે 20 લાખની છેતરપિંડી: ઇ-સેવા કેન્દ્રના ઑપરેટર સામે ગુનો

3 hours ago
Author: યોગેશ ડી. પટેલ
Article Image

થાણે: બૅંકમાંથી બિઝનેસ લોન અપાવવાને બહાને લોકો સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈમાં ઇ-સેવા કેન્દ્રના ઑપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.પનવેલ વિસ્તારમાં કરંજદે ખાતે ઇ-સેવા કેન્દ્ર ચલાવતા આરોપીએ ‘સ્ટેન્ડ-અપ ઇન્ડિયા’ યોજના હેઠળ લોકોને લોન અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
આરોપીએ 32 વર્ષના ડિલિવરી બૉયને જણાવ્યું હતું કે તેના ક્રેડિટ સ્કોરની ચકાસણી કર્યા બાદ તે તેને 42 લાખ રૂપિયાની લોન અપાવી શકે છે.

પનવેલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ લોન માટેની પ્રકિયાના ખર્ચ પેટે તેની પાસે 3.5 લાખ રૂપિયાની માગણી કરી હતી અને તેણે છેલ્લાં બે વર્ષમાં તેને રૂપિયા હપ્તાથી ચૂકવ્યા હતા.આરોપીએ બાદમાં ઇ-સેવા કેન્દ્ર બંધ કરી દીધું હતું અને તેનો મોબાઇલ પણ સ્વીચઓફ્ફ કરી દીધો હતો. ડિલિવરી બૉયે આ અંગે તપાસ કરતાં તેને જાણવા મળ્યું હતું કે આરોપીએ અન્ય લોકોને લોન મેળવી આપવાને બહાને તેમની પાસેથી 28,000 રૂપિયાથી 2.9 લાખ રૂપિયા લીધા હતા. તેણે 18 લોકો પાસેથી 20.81 લાખ રૂપિયા પડાવ્યા હતા.

દરમિયાન ડિલિવરી બૉયની ફરિયાદને આધારે પનવેલ પોલીસે આરોપી વિરુદ્ધ શનિવારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તેની શોધ ચલાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)