Thu Apr 23 2026

Logo

સાવધાન! સવારે જમીન પર પહેલું ડગલું મૂકતાં જ એડીમાં થાય છે દુખાવો? આ પાંચ ગંભીર બીમારીઓના હોઈ શકે છે સંકેત...

23 hours ago
Author: Darshna Visaria
Article Image

આપણામાંથી અનેક લોકોને સવારે ઉઠતાંની સાથે જ પગ જમીન પર મૂકતી વખતે એડીમાં અસહ્ય દુઃખાવો થતો હોવાનો અનુભવ થાય છે. ક્યારેક થતો આ દુઃખાવો જો રોજબરોજની જિંદગીનો એક ભાગ બની જાય તો તે એક ગંભીર સમસ્યા છે. જો તમને પણ આવો અનુભવ થાય છે તો આ સ્ટોરી તમારા માટે જ છે. સવાર-સવારમાં બોડીમાં દેખાતું આ લક્ષણ ખૂબ જ ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. ચાલો જોઈએ શું છે આ પાછળનું કારણ... 

સવારના ઉઠતાંની સાથે જ બેડમાંથી ઉતરતાં જ શરૂઆતના થોડા ડગલાં ભરતી વખતે થતી એ તીવ્ર દુઃખાવો કે જકડન સામાન્ય થાક નથી, પરંતુ શરીર દ્વારા આપવામાં આવતો એક ગંભીર સંકેત હોઈ શકે છે. આપણામાંથી ઘણા લોકો આ દુખાવાને અવગણે છે, પણ નિષ્ણાતોના મતે તે લાંબા ગાળે ચાલવાની ક્ષમતા પર અસર કરી શકે છે.

એડીમાં થતો દુઃખાવો એ ગંભીર સમસ્યાનો સંકેત આપે એ છે એ તો જાણી લીધું પણ હવે આ પાછળના કારણો વિશે પણ પણ વાત કરી લઈએ. 

પ્લાન્ટર ફેસિટિસ: 

સવારે પગની એડીમાં થતાં આ દુખાવાનું આ સૌથી સામાન્ય કારણ છે. પગના તળિયે આવેલા જાડા લિગામેન્ટમાં આવેલો સોજો. રાતના સમયે આરામ કરતી વખતે એડીમાં ત્યાં લોહીનું પરિભ્રમણ ઓછું હોય છે, તેથી સવારે ઉઠતાં જ એડીનો ભાગ જકડાયેલો લાગે છે.

એકિલિસ ટેન્ડિનાઇટિસ: 

એડી અને પગની પિંડીના સ્નાયુઓને જોડતી નસમાં સોજો આવવાને કારણે દુખાવો થાય છે. વધુ દોડતા કે શારીરિક શ્રમ કરતા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

રુમેટોઇડ આર્થરાઇટિસ: 

આ એક ઓટોઇમ્યુન બીમારી છે જેમાં સાંધાઓમાં સોજો આવે છે. તેના કારણે સવારના સમયે એડી અને પગના પંજામાં વધુ જકડન અનુભવાય છે.

સ્ટ્રેસ ફ્રેક્ચર: 

એડીમાં દુઃખાવો થવાનું એક બીજું કારણ સ્ટ્રેસ ફ્રેક્ચર પણ છે. જો હાડકાંમાં નાની તિરાડ પડી હોય (જેને સ્ટ્રેસ ફ્રેક્ચર કહેવાય છે), તો પણ એડીમાં સતત દુખાવો રહી શકે છે.

થાઈરોઈડની સમસ્યા: 

હાઈપોથાઈરોડિઝમમાં હોર્મોન્સનું સંતુલન બગડવાથી પગમાં સોજા આવે છે, જે સવારે ઉઠતી વખતે દુખાવો પેદા કરે છે.

રાહત મેળવવા માટે આટલું ચોક્કસ કરો :

સ્ટ્રેચિંગ: સવારે પથારીમાંથી ઉતરતા પહેલા પગના પંજાને ધીમે-ધીમે ગોળ ફેરવો અને સ્ટ્રેચિંગ કરો.
બરફનો શેક: દુખાવાવાળા ભાગ પર આઈસ પેકથી શેક કરવાથી સોજો ઉતરશે.
પરફેક્ટ શૂઝ: ઘરમાં પણ નરમ અને આરામદાયક ચંપલ પહેરવાનો આગ્રહ રાખો.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરવાની સાથે સાથે જ આ સમસ્યામાંથી છુટકારો અપાવવામાં મદદ કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...