Tue May 26 2026

Logo

ભારતીય મહિલા ક્રિકેટરોએ ઇંગ્લૅન્ડના પ્રવાસમાં પહેલી જ મૅચ જીતી લીધી

Chelmsford   1 hour ago
Author: Ajay Motiwala
Article Image

કેમ્સફર્ડઃ ભારતીય મહિલા ક્રિકેટરો ટી-20 સિરીઝ અને પછી ટી-20 વર્લ્ડ કપ રમવા ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ છે અને આ ટૂરમાં સોમવારે સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ભારતીય ટીમે પહેલી જ મૅચમાં વિજય મેળવ્યો હતો. આ વૉર્મ-અપ મૅચ હતી જે ભારતે બાવીસ બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. પેસ બોલર અરુંધતી રેડ્ડી તેમ જ બૅટર શેફાલી વર્મા, ભારતી ફુલમાલી અને યસ્તિકા ભાટિયા આ મૅચની ચાર સ્ટાર ખેલાડી હતી.

મુખ્ય કૅપ્ટન હરમનપ્રીત કૌર આ મૅચમાં નહોતી રમી. તેની ગેરહાજરીમાં સ્મૃતિએ ટીમની કૅપ્ટન્સી સંભાળી હતી. ભારતીય ખેલાડીઓ ઇંગ્લૅન્ડના લાંબા પ્રવાસે ગઈ છે. ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની ટી-20 સિરીઝ રમાશે. ત્યાર પછી 12મી જૂને ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં 12 દેશની ટીમ વચ્ચે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે.

ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ની ઇસીબી ડેવલપમેન્ટ વિમેન્સ ઇલેવન સામેની સોમવારની મૅચમાં ફ્લૉરેન્સ મિલરના 48 રન છતાં ઇસીબીની ટીમ છ વિકેટે માત્ર 154 રન બનાવી શકી હતી. પેસ બોલર અરુંધતીએ 29 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

બ્રિટિશ ટીમમાં બે ગુજરાતી ખેલાડી! ક્લૅરા ઠાકરે સ્મૃતિની વિકેટ લીધી!

ઇસીબી ડેવલપમેન્ટ વિમેન્સ ઇલેવનમાં ભારતીય મૂળની બે ગુજરાતી ખેલાડીનો સમાવેશ હતો. એમાંથી 17 વર્ષની ક્લૅરા અમિતા ઠાકર નામની પેસ બોલરે વન-ડેની વર્લ્ડ ચૅમ્પિયન ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાના (21 રન, 10 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ને કૅચઆઉટ કરાવી હતી. સ્મૃતિ બહુ સારા ફૉર્મમાં હતી અને તેની ઇનિંગ્સથી ટીમનો પાયો મજબૂત થઈ રહ્યો હતો, પણ તે કૅચ આપી બેઠી હતી. બ્રિટિશ ટીમની બીજી ગુજરાતી ખેલાડી સ્પિનર પ્રિશા વિશાલ થાનાવાલાને વિકેટ નહોતી મળી.

155ના લક્ષ્યાંક છતાં ભારત 200 રન સુધી રમ્યું!

ભારતીય ટીમ (INDIA WOMEN'S TEAM)ને 155 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. આ પ્રૅક્ટિસ-મૅચ હતી એટલે એમાં ખાસ કોઈ આંતરરાષ્ટ્રીય નિયમ લાગુ નહોતા. ભારતે 14મી ઓવર પછી જ 155 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો, પણ આ પ્રવાસી ટીમે અમ્પાયરની પરવાનગીથી પ્રૅક્ટિસ કરવા માટે બૅટિંગ ચાલુ રાખી હતી અને 20 ઓવરને અંતે ભારતનો સ્કોર છ વિકેટે 200 રન હતો ત્યારે મૅચ પૂર્ણ જાહેર કરાઈ હતી. શેફાલી વર્મા (50 રિટાયર્ડ આઉટ, પચીસ બૉલ, એક સિક્સર, નવ ફોર), ભારતી ફુલમાલી (48 રન, 29 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) તેમ જ યસ્તિકા ભાટિયા (47 રન, 35 બૉલ, છ ફોર)ના યોગદાનોએ ભારતને આસાન વિજય અપાવ્યો હતો. કાર્યવાહક કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ 21 રન અને અરુંધતી રેડ્ડીએ 20 રનનું યોગદાન આપ્યું હતું. પેસ બોલર એલી ઍન્ડરસને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.