Tue May 26 2026

Logo

અમદાવાદમાં ચોથી જૂનથી વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપઃ 60 દેશના 529 ઍથ્લીટમાંથી 114 ભારતનાં

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ અમદાવાદમાં 2030માં કૉમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટે પણ અમદાવાદ (Ahmedabad)નું નામ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)ને નામ આપવામાં આવ્યું છે, પરંતુ એ પહેલાં અમદાવાદના આંગણે એક અનોખી વિશ્વ સ્પર્ધાનું આયોજન થવાનું છે અને એ દિવસ હવે બહુ દૂર નથી. આગામી ચોથી જૂને (આવતા ગુરુવારે) અમદાવાદમાં વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપ (Championship) શરૂ થશે જે આઠમી જૂન સુધી ચાલશે.

જજ શેના પરથી પૉઇન્ટ્સ નક્કી કરશે?

ભારતની વિશ્વ વિખ્યાત યોગ વિદ્યા પર આધારિત પહેલી જ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપનું આયોજન થવાનું છે જે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં યોજાશે. યોગ એટલે સ્વાસ્થ્ય માટેની પ્રાચીન ભારતીય વિદ્યા અને એના આસનોમાં શારીરિક અવયવોની મૂવમેન્ટ તથા શારીરિક સ્થિતિ પરથી (ખાસ કરીને સંતુલન, મુખની દિશા, સ્નાયુઓની લવચીકતા તથા સ્થિરતા વગેરે બાબતોમાં જજ દ્વારા પૉઇન્ટ્સ આપી શકાય છે અને એટલે એની આ પાંચ દિવસીય વર્લ્ડ ચૅમ્પિયનશિપ રાખવામાં આવશે. આ ચૅમ્પિયનશિપનું લાઇવ ટેલિકાસ્ટ નહીં કરાય, પરંતુ એના પર આધારિત ડૉક્યૂમેન્ટરી બહાર પાડવામાં આવશે.

પાકિસ્તાન સહિત ત્રણ દેશના સ્પર્ધકોની બાદબાકી

આ અનોખી ચૅમ્પિયનશિપમાં કુલ 60 દેશના 529 ઍથ્લીટ ભાગ લેશે અને એમાંના 114 ભારતનાં છે. નેપાળ, શ્રીલંકા, નેધરલૅન્ડ્સ, ઓમાન, જાપાન, કેન્યા, મૉરિશ્યસ વગેરે દેશોના ઍથ્લીટો ભારત આવી રહ્યા છે. વય-આધારિત છ કૅટેગરીમાં કુલ મળીને 12 પ્રકારની ઇવેન્ટ યોજાશે. મેન્સ અને વિમેન્સ વર્ગમાં 10 વર્ષથી માંડીને પંચાવન વર્ષની ઉંમરના સ્પર્ધકો ભાગ લેશે. આર્ટિસ્ટિક તથા રિધમિક યોગાસનની સ્પર્ધામાં પૉઇન્ટ સિસ્ટમને આધારે નવ જજ દ્વારા વિજેતાઓ નક્કી કરાશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાનના ઍથ્લીટો આ સ્પર્ધામાં નહીં જોવા મળે. ભારતીય સ્પર્ધકો માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું હતું. હાલમાં તેઓ કૉમ્પ્લેક્સમાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે.

સ્પોર્ટ્સ મિનિસ્ટરનું ઑલિમ્પિક્સને લગતું મહત્ત્વનું નિવેદન

સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ અહીં વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપના લૉન્ચિંગને લગતા પ્રસંગે કહ્યું, `2030ની અમદાવાદની કૉમનવેલ્થ ગેમ્સમાં યોગાસન પરંપરાગત રમત તરીકે સામેલ કરાશે. આપણે 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટે પણ દાવો કર્યો છે અને એમાં પણ આપણી આ મહાન વિદ્યા પર આધારિત રમતનો સમાવેશ કરાશે. 2036 સુધીમાં યોગાસનને ઑલિમ્પિક સ્પોર્ટ તરીકેની માન્યતા મળે એ માટે કેન્દ્ર સરકાર તેમ જ રાષ્ટ્રીય મહામંડળ (યોગાસન ભારત) પ્રયત્નશીલ છે.

યોગાસનને મેડલ ઇવેન્ટ બનાવવાની નેમ

ઉદિત શેઠ વર્લ્ડ યોગાસનના ઉપ-પ્રમુખ છે અને તેમણે કહ્યું, `આપણું વિઝન યોગાસનને 2032ની ઑલિમ્પિક્સમાં ડેમોસ્ટ્રેશન સ્પોર્ટ તરીકે અને 2036ની ઑલિમ્પિક્સમાં મેડલ ઇવેન્ટ તરીકે સામેલ કરાવવાનું છે. 2036નો આ રમતોત્સવ અમદાવાદમાં યોજાય કે બીજા કોઈ દેશના શહેરમાં, યોગાસનને આપણે મેડલ ઇવેન્ટ બનાવવામાં સફળ થઈશું એવી આશા છે.'