મુંબઈ: મુંબઈની ગિરગામ કોર્ટે સાયબર ફ્રોડના કેસમાં ઝારખંડના 23 વર્ષના યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. ગિરગામ કોર્ટના જુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) એસ.જી. ચિંમાકરે ગયા અઠવાડિયે આપેલા ચુકાદામાં મનોજ કિસ્કુ (23)ને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યો હતો, કારણ કે ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો.
મુખ્ય આરોપી સાથે કોઇ ગુનાહિત કાવતરું ઘડ્યાના પુરાવા વિના આરોપીના બૅંક ખાતામાં કોઇ પણ રકમ જમા કરાવવાથી ગુનો બનતો નથી, એમ કોર્ટે નોંધ્યું હતું.
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર મહિલા પોલીસ અધિકારી પ્રિયંકા હનુમંત પવારને 26 ફેબ્રુઆરી, 2022ના રોજ મેસેજ પ્રાપ્ત થયો હતો, જેમાં તેને એચડીએફસી બૅંક ખાતાને ઍક્ટિવ કરવા માટે તેનું પેનકાર્ડ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું હતું.
મેસેજમાં આપેલી લિંક પર પવારે ક્લિક કરીને ફૅક વેબસાઇટ પર પોતાની વિગતો પૂરી પાડ્યા બાદ તેના ખાતામાંથી 99,986 રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. ત્યાર બાદ તેને એક વ્યક્તિનો કૉલ આવ્યો હતો, જેણે ઓટીપી માગ્યો હતો. પવારે ઓટીપી શૅર કર્યા બાદ તેના ખાતામાંથી 2.99 લાખ રૂપિયા ડેબિટ થઇ ગયા હતા.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મેસેજ મોકલવા અને કૉલ કરવા માટે જે મોબાઇલ નંબરનો ઉપયોગ થયો હતો તે ઝારખંડના જામતાડાના રૌફ અન્સારીના નામે રજિસ્ટર્ડ હતો.
પોલીસને જાણવા મળ્યું હતું કે પવારના ખાતામાંથી ટ્રાન્સફર થયેલા 99.986 રૂપિયા કિસ્કુના બૅંક ખાતામાં જમા થયા હતા. પોલીસે 17 માર્ચ, 2023ના રોજ કિસ્કુની ધરપકડ કરી હતી અને તેને ઑક્ટોબર, 2023ના રોજ જામીન મળ્યા હતા.
આરોપી વતી હાજર એડવોકેટ અમોલ થોમરેએ દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષ મુખ્ય આરોપી રૌફ અન્સારીની ધરપકડ કરવામાં નિષ્ફળ ગયો હતો, જેણે ફરિયાદીનો સીધો સંપર્ક સાધ્યો હતો અને તેની સાથે છેતરપિંડી આચરી હતી.
(પીટીઆઇ)