Thu Apr 23 2026

Logo

વૉરને માથે અલ નીનોની આફત રોકાણકારો માટે નવી ચિંતા?

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

પશ્ર્ચિમ એશિયાની વૉરનો અંત મૃગજળની માફક છળી રહ્યો છે. એવા સંજોગોમાં એક તરફ અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ખાતરની અછત વધી રહી છે ત્યાં બીજી તરફ અલ-નીનોને કારણે ચોમાસાં પર જોખમ તોળાઇ રહ્યું છે, આ સંજોગોમાં નબળાં ચોમાસાં અને ખાતરના વધતા ખર્ચ ગ્રામીણ વિકાસ ગતિ અને બળતણ, ખાદ્ય ફુગાવાને પાટા પરથી ઉતારી શકે છે!

કવર સ્ટોરી - નિલેશ વાઘેલા

અખાતી યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસની ઉપલબ્ધતા અને ફુગાવા ઉપરાંત અન્ય અનેક ક્ષેત્ર પર નકારાત્મક અસર પડી રહી છે. અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે જ્યારે ક્રૂડ તેલ સાથેે ખાતરના ભાવમાં ઝડપી ઉછાળો આવવાને પરિણામે કંપનીઓના ઇનપુટ ખર્ચમાં પણ વધારો થયો છે. આ ઓછુ હોય તેમ નવી મુસીબત આભ ફાડીને ત્રાટકવાની તૈયારીમાં છે.

2026ની મોસમમાં સામાન્ય કરતા ઓછા ચોમાસાની આગાહીએ ખેડૂતોની સાથે સાથે રોકાણકારોની ચિંતા પણ વધારી દીધી છે. ભારતમાં 2026માં પાછલા અનેક વર્ષોમાં સૌથી શુષ્ક ચોમાસું જોવા મળે અવી શક્યતા દર્શાવાઇ રહી છે. આપણું અર્થતંત્ર ખેતી પર કેટલું નિર્ભર છે અને ખેતી મોનસુન પર કેટલી નિર્ભર છે તે આપણે જાણીએ છીએ. 

સરકારે ભલે સિંચાઇ વ્યવસ્થા, તળાવોના સ્તર અને ધાન્યના સંગ્રહ કે ખેડૂતોની અગાઉની સરખામણીએ સારી સ્થિતિની વાતો કરી હોય, પરંતુ સત્ય તો સમયે જ પુરવાર થશે. સ્કાયમેટે લાંબા ગાળાના સરેરાશના 94 ટકા વરસાદની આગાહી કરી છે, જે સામાન્ય રીતે જોવા મળતી 96 ટકાથી 104 ટકાની રેન્જથી નીચે છે. 

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ પણ અલ નીનો અસરને ટાંકીને 5ચાસ વર્ષની સરેરાશના 92 ટકા જેટલા વરસાદનો અંદાજ લગાવ્યો છે. આ દરમિયાન, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે કાચા માલના પુરવઠામાં વિક્ષેપને કારણે ખાતરના ભાવ વધુ વધી શકે છે, જે નબળી પડી રહેલી ગ્રામીણ પરિસ્થિતિને વધુ વણસાવશે એવી ભીતિ ક્ષેત્રના નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે. આ ઓછું હોય એમ ક્રિસિલના અહેવાલમાં એવી આગાહી કરવામાં આવી છે કે, પશ્ર્ચિમ એશિયાનું યુદ્ધ ખાતરના ઉત્પાદનમાં 10થી 15 ટકાનો ઘટાડો અને સરકારના સબસિડી બોજમાં રૂ. 25,000 કરોડ સુધીનો વધારો કરી શકે છે.

ચોમાસામાં વરસાદની ઊણપ અને ખાતરના વધતો ખર્ચ ગ્રામીણ વિકાસની ગતિને ફટકો મારવા સાથે  ખાદ્ય ફુગાવાને ભડકાવી શકે છે, જે ભારતના અનુકૂળ વિકાસ-ફુગાવાના અંદાજને નુકસાન પહોંચાડે છે. સાદી ભાષામાં અર્થતંત્ર તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ફેંકાઇ શકે છે. નૈર્ઋત્ય ચોમાસું ભારતના આર્થિક વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે દેશનું કૃષિ ક્ષેત્ર આ મોસમી વરસાદ પર ભારે આધાર રાખે છે.

એક રિસર્ચ અહેવાલ અનુસાર ભારતનું ગ્રામીણ અર્થતંત્ર 2026માં ચોમાસાની ઊણપ અને ઝડપથી વધતા ઇનપુટ ખર્ચના બેવડા જોખમનો સામનો કરી રહ્યું છે, જે કૃષિ ઉત્પાદન, ખેડૂતોની આવક, ગ્રામીણ માગ અને ખાદ્ય ફુગાવાને જોખમમાં મૂકે છે.

હવે રોકાણકારો શા માટે ચિંતામાં મુકાયા છે અને તેમને આ બાબત કઇ રીતે અસર કરે છે, એ જોઇએ. ખરીફ પાક ગ્રામીણ આવકમાં વધારો કરે છે, જેના પરિણામે એફએમસીજી,  ટ્રેકટર, ઓટોમોબાઇલ્સ, ટૂ -વ્હિલર અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સની માગ વધે છે. 

બીજી બાજુ, નબળા અથવા અનિયમિત ચોમાસાને કારણે ખરીફ વાવેતરમાં ઘટાડો થાય છે. જળાશયોનું સ્તર નીચું જવાને કારણે રવિ પાકની સંભાવના નબળી પડે છે અને તેને પરિણામે ખાદ્ય ફુગાવામાં વધારો થઈ શકે છે. આ રીતે અગાઉ જણાવેલા ઉદ્યોગોના માર્જિન પર અસર થતાં તેના શૅરમાં પણ નકારાત્મક અસર જોવા મળે એ સંભવ છે. 

એક તરફ યુએસ-ઈરાન લશ્કરી અથડામણનો અંત આવતો નથી અને બીજી તરફ અલ નિનોને કારણે જો 2026માં સામાન્ય કરતા ઓછો વરસાદ થાય તો, કૃષિ ક્ષેત્ર માટે વરસાદ અને ખાતરની અછત કે ખેંચને પરિણામે વધેલા ઇનપુટ ખર્ચનું સંયોજન કૃષિ ઉત્પાદન, ગ્રામીણ વપરાશ અને ફુગાવાના વ્યવસ્થાપન માટે પડકારજનક સંભાવનાઓ ઊભી કરી શકે છે.

સરકાર પહેલાથી જ ફર્ટિલાઇઝર અને ફૂડ માટેની ઊંચી સબસિડીના કારણે વધારાની નાણાકીય તાણનો સામનો કરી રહી છે, ત્યારે નબળા ચોમાસાથી પાક ઉત્પાદનમાં ઘટાડો, ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો અને ખાદ્ય સબસિડીની માગમાં વધારો થશે, એવું આ ક્ષેત્રના નિરીક્ષકો માને છે. 

તાજેતરમાં જ આઠમી એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે આગામી ખરીફ સિઝન માટે ફોસ્ફેટિક અને પોટાશિક (પીએન્ડકે) ખાતરો માટે લગભગ રૂ. 41,533.81 કરોડના પોષક તત્ત્વો આધારિત સબસિડી (એનકેએસ) દરોને મંજૂરી આપી હતી. નોંધવું રહ્યું કે, પશ્ર્ચિમ એશિયા સંઘર્ષ અને તેના પરિણામે ક્રૂડના ભાવમાં થયેલા વધારાને કારણે નાણાકીય વર્ષ 2027માં ભારતના વિકાસ અને ફુગાવા અંગે અનિશ્ર્ચિતતા ઉભી થઈ છે.

જોકે એક અગ્રણી અર્થશાસ્ત્રીએ ભિન્ન મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, ખાતરની અછત અને સંભવિત અલ નીનો એકસાથે પુરવઠા બાજુના આંચકાનું કારણ બને છે, પરંતુ આ વખતે ભારત પર તેની અસર સંપૂર્ણપણે નકારાત્મક નહીં પણ મિશ્ર રહેવાની સંભાવના છે.

તેમણે કહ્યું હતું કે, અલબત્ત 100 ડોલર પ્રતિ બેરલથી મોંઘું ક્રૂડ તેલ આયાતી ફુગાવાને ઇંધણ આપે છે. પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે, ચાલુ ખાતાની ખાધને વિસ્તૃત કરે છે અને નાણાકીય સંતુલન પર તાણ લાવે છે. આનાથી વૃદ્ધિ લગભગ છ ટકાથી 6.60 ટકા સુધી ઘટી શકે છે, પરંતુ અર્થતંત્ર ભાંગી નહીં પડે. 

સબસિડી અને પ્રવાહિતાના પગલાં સહિતની નીતિ સહાય ઉપરોક્ત ફટકાને હળવો બનાવી શકે છે. એકંદરે, 2026માં અસમાન વૃદ્ધિ અને અસ્થિર બજારો જોવા મળી શકે છે, પરંતુ વ્યાપક આર્થિક મંદી અને ચારેકોર આર્થિક હાહાકાર મચી જાય એવું નથી લાગતું, એમ તેમણે કહ્યું હતું. 

એક અન્ય અર્થશાસ્ત્રીના મતે, જોખમો વાસ્તવિક છે અને નજીકના ગાળા માટે અનિશ્ર્ચિતતા ઊભી કરે છે, જે 2026માં વૃદ્ધિગતિ ધીમી પાડી શકે છે, જે બજારને વિક્ષેપ પહોંચાડવાનું કારણ બને તેવી શક્યતા વધુ છે, પરંતુ અર્થતંત્ર એકધારી મંદીમાં સરી પડે એવી સંભાવના ઓછી છે.

ભારત તેની આયાત પર નિર્ભરતાને કારણે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવનો સામનો કરી રહ્યું છે અને લાંબા સમય સુધી ઓઇલના આંચકાથી વૃદ્ધિ-ફુગાવા વચ્ચેના અવકાશમાં વધારો થાય છે. આમ છતાં, જ્યાં સુધી ક્રૂડ લાંબા સમય સુધી પ્રતિ બેરલ 100 ડૉલરથી ઉપર ન ટકી રહેે ત્યાં સુધી વધુ તીવ્ર નકારાત્મક અસર સંભવ નથી. 

સરવાળે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, ખાતરની અછત સાથે અલ નિનો જોખમ 2026માં આર્થિક વૃદ્ધિ ધીમી પાડશે અને વળતરમાં પણ ઘટાડાની સંભાવના છે, પરંતુ તે સતત આર્થિક પતન અથવા બજારમાં મંદીનો સંકેત આપતા નથી. નીતિ પ્રતિભાવ, આંચકાઓનો સમયગાળો અને કોર્પોરેટ એડેપ્ટેબિલિટી આખરી પરિણામો નક્કી કરશે. નિષ્ણાતો કહે છે કે, સાવધાની આવશ્યક છે, પરંતુ નિરાશાવાદી બનવાની જરૂર નથી.