નવી દિલ્હીઃ નવી દિલ્હીના એરપોર્ટથી જ્યુરિખ જનારી સ્વિસ એરલાઈન્સની ફ્લાઈટ LX147માં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. યુદ્ધના ધોરણે આ ફ્લાઈટને રદ્દ કરવામાં આવી હતી.રિપોર્ટ અનુસાર ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી. આ કારણે એન્જિન ફેઈલ થઈ ગયું હતું. સ્વિસ ઈન્ટરનેશનલ એરલાઈન્સ ફ્લાઈટ LX147માં ટેકઓફ થતા પહેલા ટેકનિકલ ખામી જોવા મળી હતી. એ પછી એન્જિનમાં આગ ભભુકી ઊઠી હતી. પાયલટની સુઝબુઝને કારણે ટેકઓફ અટકાવી દેવાયું હતું. આ કારણે અનેક પ્રવાસીઓના જીવ જોખમમાં જતા બચ્યાં હતા.
એટીએસને જાણ કરવામાં આવી
આ એરલાઈન્સ નવી દિલ્હીથી જ્યુરિખ માટે રવાના થવાની હતી. ફ્લાઈટ રનવે પર ટેકઓફ કરવાની તૈયારીમાં જ હતી. એ સમયે એન્જિનમાં કંઈક ટેકનિકલ ગડબડ હોવાનું જાણવા મળ્યું હતું. સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળતા પાયલટે એટીસીને જાણ કરી હતી એ પછી તાત્કાલિક ટેકઓફની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. પ્રવાસીઓને ઈમરજન્સી શિફ્ટ કરવામાં આવ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં કુલ 6 પ્રવાસીઓને ઈજા પહોંચી છે. એમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈમરજન્સી સ્લાઈડની મદદથી પ્રવાસીઓ વિમાનમાંથી ઊતર્યા હતા.
Delhi Airport says, "In the early hours of this morning, a full emergency was declared at Delhi Airport involving Swiss International Airlines flight LX 147 (DEL-ZRH) on Runway 28/10. All prescribed safety protocols were promptly executed, and passengers were safely evacuated.… pic.twitter.com/1MScVXrEhL
— ANI (@ANI) April 26, 2026
તપાસનો ધમધમાટ શરૂ
કેટલાક પ્રવાસીઓ સીડીના સહારે નીચે ઊતર્યા હતા.થોડા સમય માટે અફરાતફરીનો માહોલ બની ગયો હતો. ક્રૂ મેમ્બર્સે સ્થિતિ સંભાળી લેતા મામલો થાળે પડ્યો હતો. મોડી રાત્રે 1.08 વાગ્યે આ ઘટના બની હતી. વિમાનના તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. આ વિમાનમાં કુલ 228 પ્રવાસીઓ અને ચાર બાળકો બેઠા હતા. આ સમગ્ર ઘટના પર સ્વિસ એરલાઈન્સે ટ્વિટ કર્યું હતું. ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. ટેકઓફની પ્રક્રિયા અટકાવી દેવાયા બાદ વિમાન ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. એરપોર્ટ પરનો સ્ટાફ પણ પ્રવાસીઓની મદદ કરવા માટે દોડી ગયો હતો. નવી ફ્લાઈટ અથવા હોટેલમાં ટૂંકા રોકાણ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. આગળની યાત્રા માટે બીજો વિકલ્પ તૈયાર કરવા પણ કવાયત શરૂ થઈ ગઈ હતી.

રનવે બંધ રાખવામાં આવ્યો
ઈમરજન્સી એક્ઝિટ વખતે પ્રવાસીઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિમાનને ત્યાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી એ રનવેનો ઉપયોગ કરી શકાશે નહીં. જે છ પ્રવાસીઓને ઈજા પહોંચી છે એમને મેડિકલ મદદ પણ કરવામાં આવી રહી છે. એરલાઈન્સે કહ્યું હતું કે, સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. પ્રવાસીઓ અને ક્રૂ સ્ટાફની સુરક્ષા એ કાયમ એરલાઈન્સ માટે પહેલી પ્રાથમિકતા રહી છે. આ સમગ્ર મુદ્દે વિમાનના દરેક વિભાગની તપાસ કરાશે અને એક રિપોર્ટ પણ તૈયાર કરાશે.