Sun Apr 19 2026

Logo

ડેવિડ મિલર આઠમી એપ્રિલના થ્રિલરમાં વિલન, અઢારમી એપ્રિલના દિલધડક મુકાબલામાં હીરો

20 hours ago
Author: Ajay Motiwala
Article Image

દિલ્હીના મૅચ-ફિનિશરે છેલ્લી ઓવરમાં છગ્ગા-ચોગ્ગાની આતશબાજીથી બેંગ્લૂરુ સામે વિજય અપાવ્યોઃ રાહુલના 57 રન, સ્ટબ્સ મૅન ઑફ ધ મૅચ

બેંગ્લૂરુઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ શનિવારે બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલધડક મુકાબલામાં યજમાન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ને છેલ્લી ઓવરના પાંચમા બૉલમાં હરાવી દીધું હતું અને ડેવિડ મિલરે (બાવીસ અણનમ, 10 બૉલ, બે સિક્સર, એક ફોર) આઇપીએલના શ્રેષ્ઠ મૅચ-ફિનિશરોમાં પોતાનો પણ સમાવેશ છે એ પુરવાર કર્યું હતું.

આઠમી એપ્રિલે દિલ્હી (Delhi)માં ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કૅપિટલ્સને જીતવાનો મોકો હતો, પણ મિલરે ત્યારે છેલ્લી ઓવરના પાંચમા બૉલમાં રન દોડવાનું ટાળ્યું હતું અને પછીથી છેલ્લા બૉલ પર દિલ્હીની એક રનથી હાર થઈ હતી. ત્યારે મિલર (Miller)ની ખૂબ ટીકા થઈ હતી. જોકે શનિવારે (18મી એપ્રિલે) મિલરે બેંગ્લૂરુ સામે મૅચની છેલ્લી ઓવરમાં ધમાકેદાર પર્ફોર્મ કરીને દિલ્હીને એક બૉલ બાકી રાખીને રોમાંચક વિજય અપાવ્યો હતો અને દિલ્હી માટે હીરો બની ગયો છે.

20મી ઓવરમાં શું બન્યું?

બેંગ્લૂરુએ આ વખતે બીજી હાર જોવી પડી છે. હોમટાઉન બેંગ્લૂરુમાં રજત પાટીદાર ઍન્ડ કંપનીનો આ વખતે આ પ્રથમ પરાજય છે. બેંગ્લૂરુ સામે દિલ્હીને જીતવા 176 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. રોમારિયો શેફર્ડની 20મી ઓવરમાં દિલ્હીએ જીતવા 15 રન કરવાના હતા. દિલ્હીનો સ્કોર ત્યારે 4/161 હતો. ટ્રિસ્ટેન સ્ટબ્સ 59 રને અને મિલર છ રને રમી રહ્યો હતો.

શેફર્ડના પ્રથમ બે બૉલમાં લેગ-બાય તથા સિંગલ બદલ દિલ્હીને બે રન મળ્યા હતા અને બાકીના ચાર બૉલમાં આઠ રન બાકી હતા. મિલરે ત્રીજા તથા ચોથા બૉલમાં સિક્સર ફટકારી હતી અને પાંચમા બૉલમાં ફોર ફટકારીને દિલ્હીને અભૂતપૂર્વ વિજય અપાવ્યો હતો. મૅચને અંતે સ્ટબ્સ (60 રન, 47 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને મિલર (બાવીસ રન, 10 બૉલ, બે સિક્સર, એક ફોર) અણનમ રહ્યા હતા. એ પહેલાં, બેંગ્લૂરુની ઇનિંગ્સમાં મિલરે બે કૅચ ઝીલ્યા હતા અને સ્ટબ્સે પણ એક કૅચ ઝીલ્યો હતો.

અક્ષર 26 રને રિટાયર હર્ટ

સ્ટબ્સને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. દિલ્હીને એક બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી જિતાડવામાં દિલ્હીના બોલર્સ ઉપરાંત કે. એલ. રાહુલ (57 રન, 34 બૉલ, બે સિક્સર, છ ફોર) અને કૅપ્ટન અક્ષર પટેલ (26 રને રિટાયર હર્ટ, 19 બૉલ, ત્રણ ફોર)ના પણ યોગદાન હતા. એ પહેલાં, બેંગ્લૂરુની ઇનિંગ્સમાં અક્ષરે બે વિકેટ પણ લીધી હતી.

રાહુલે હોમટાઉનમાં દિલ્હીને જિતાડ્યું

દિલ્હીએ 176 રનના લક્ષ્યાંક સામે 19.5 ઓવરમાં 4/179ના સ્કોર સાથે રોમાંચક વિજય મેળવ્યો એમાં કે. એલ. રાહુલનું પણ મહત્ત્વનું યોગદાન હતું. તે મૂળ બેંગ્લૂરુ શહેરનો છે અને અગાઉ આરસીબી વતી રમી ચૂક્યો છે, પણ શનિવારે તેણે દિલ્હીને આરસીબી સામે વિજય અપાવવામાં પાયાભૂત ભૂમિકા ભજવી હતી. રાહુલે વિકેટકીપિંગમાં બેંગ્લૂરુના કૅપ્ટન રજત પાટીદાર (આઠ રન)નો કૅચ ઝીલવા ઉપરાંત કૃણાલ પંડ્યા (12 રન)ને રનઆઉટ કરાવ્યો હતો. 

બેંગ્લૂરુના 175 રનમાં સૉલ્ટના 63

દિલ્હી સામે બેંગ્લૂરુએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 175 રન કર્યા હતા. એક તબક્કે યજમાન ટીમનો સ્કોર 15.1 ઓવરમાં 4/146 હતો અને ત્યારે એવું લાગતું હતું કે આ ટીમ 200 રન સુધી પહોંચી શકશે, પરંતુ 172મા રન સુધીમાં ટિમ ડેવિડ, શેફર્ડ, કૃણાલ પંડ્યા અને જિતેશ શર્માની વિકેટ પડી ગઈ હતી અને છેવટે પોણાબસોના સ્કોર પર 20 ઓવરના અંતે બેંગ્લૂરુનો દાવ પૂરો થયો હતો.

ફિલ સૉલ્ટના 63 રન બાદ કરતા બીજો કોઈ બૅટ્સમૅન 30 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. 175 રનમાં ટિમ ડેવિડના 26 રન, વિરાટ કોહલીના માત્ર 19 રન અને પડિક્કલના 18 રન સામેલ હતા. દિલ્હી વતી ઍન્ગિડી, અક્ષર અને કુલદીપે બે-બે વિકેટ અને મુકેશ કુમારે એક વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યા રનઆઉટ થયો હતો.