ધરમશાલાઃ અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુ (Bengaluru)એ મંગળવારે આઇપીએલ-2026ની પ્રથમ પ્લે-ઑફમાં બૅટિંગ મળ્યા પછી જબરદસ્ત ફટકાબાજીનું પ્રદર્શન કરીને 20 ઓવરમાં પાંચ વિકેટે 254 રન બનાવીને ગુજરાતને જીતવા 255 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાત (Gujarat)નું હાઇએસ્ટ સફળ ચેઝ માત્ર 205 રનનું છે જે જોતાં બેંગ્લૂરુને સીધા ફાઇનલમાં પહોંચવાનો સારો મોકો હતો.
રજત પાટીદાર (93 અણનમ, 33 બૉલ, નવ સિક્સર, પાંચ ફોર) કૅપ્ટન્સ ઇનિંગ્સ રમ્યો હતો. તેણે કૃણાલ પંડ્યા (43 રન, 28 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) સાથે 47 બૉલમાં 95 રનની, ટિમ ડેવિડ (ચાર રન) સાથે 11 બૉલમાં પચીસ રનની પાર્ટનરશિપ અને છેલ્લે વિકેટકીપર જિતેશ શર્મા (15 અણનમ, પાંચ બૉલ, એક સિક્સર, એક ફોર) સાથે 12 બૉલમાં 40 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

18મી ઓવરને અંતે ટિમ ડેવિડની પાંચમી વિકેટ પડ્યા પછી જે નવ સ્કોરિંગ હતા એમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકારાયા હતા. બેંગ્લૂરૂના 254 રનમાં વિરાટ કોહલી (43 રન, પચીસ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને પડિક્કલ (30 રન, 19 બૉલ, પાંચ ફોર) તેમ જ ઓપનર વેન્કટેશ ઐયર (19 રન, સાત બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ના પણ નાના-મોટા યોગદાન હતા.
શુભમન ગિલે વેન્કટેશ ઐયરને બોલિંગ જ નહોતી આપી. છ બોલરમાંથી રબાડા તથા હોલ્ડરને બે-બે વિકેટ તથા પ્રસિદ્ધ ક્રિષ્નાને એક વિકેટ મળી હતી. નવાઈની વાત એ છે કે સિરાજને 46 રનમાં, રાશીદને 29 રનમાં અને લેફ્ટ-આર્મ સ્પિનર કુલવંત ખેજરોલિયાને 31 રનમાં વિકેટ નહોતી મળી. ક્રિષ્નાની 20મી ખર્ચાળ ઓવરમાં કુલ 19 રન બન્યા હતા. એ પહેલાં, સિરાજની 19મી ઓવરમાં 21 રન બન્યા હતા.