Tue May 26 2026

Logo

ડૉલર મજબૂત થતાં રૂપિયો 44 પૈસા તૂટ્યો

1 hour ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે પુનઃ પશ્ચિમ એશિયાનો ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલું મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનો અન્ડરટોન રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 44 પૈસા તૂટીને 95.70ના મથાળે બંધ રહ્યો હતો. 

ટ્રેડરોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.26ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.43ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.79 અને ઉપરમાં 95.33ની રેન્જમાં અથડાઈને અંતે 44 પૈસા ગબડીને 95.70ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ હાજર બજારમાં સંભવિતપણે ડૉલરનું વેચાણ કરતાં રૂપિયામાં 34 પૈસાનો સુધારો આવ્યો હતો. 

અમેરિકાએ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરી હોવાના નિર્દેશને કારણે મધ્યપૂર્વમાં ફરી ભૂરાજકીય અનિશ્ચિતતા સપાટી પર આવતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો ગબડતાં રૂપિયાને અમુક અંશે ટેકો આપી શકે છે. 

વધુમાં અન્ય એક ફોરેક્સ ટ્રેડરે જણાવ્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ડૉલર સામે રૂપિયાને સતત દબાણ હેઠળ રાખે છે. નોંધનીય બાબત એ છે કે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના વધ્યા મથાળેથી 0.19 ટકા ઘટીને 99.05 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 3.43 ટકા વધીને બેરલદીઠ 99.94 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

વધુમાં આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 479.26 પૉઈન્ટનો અને 118 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 821.75 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.