Tue May 26 2026

Logo

8 મહિના બંધ રહ્યા પછી મોનોરેલ પુનરાગમન માટે તૈયારઃ આ અઠવાડિયે અંતિમ સલામતી પરીક્ષણો

1 hour ago
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ મુસાફરોને વારંવાર જોખમમાં મૂકતી શ્રેણીબદ્ધ ટેકનિકલ ખામીઓને કારણે છેલ્લા આઠ મહિનાથી વધુ સમય સુધી બંધ રહ્યા પછી મુંબઈ મોનોરેલ આખરે પુનરાગમન માટે તૈયાર છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, 20 સપ્ટેમ્બર, 2025 થી બંધ, શહેરની એકમાત્ર મોનોરેલ સિસ્ટમ, જે પહેલાથી જ વધતા જતા નુકસાન, પાવર કટ, પાટા પરથી ઉતરી જવી અને ક્રોનિક ટેકનિકલ ઇસ્યૂનો સામનો કરી રહી છે, તે હવે જૂનમાં ફરી કાર્યરત થવાની ધારણા છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની એક શાખા, મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ ના સૂત્રોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી પડતર અંતિમ સલામતી ટ્રાયલ આ અઠવાડિયે નિવૃત્ત મેટ્રો રેલ્વે સેફ્ટી કમિશનર પી એસ બઘેલની દેખરેખ હેઠળ શરૂ થશે.

મોનોરેલના આવા નિરીક્ષણ માટે એક નિવૃત્ત મેટ્રો રેલ્વે સેફ્ટી કમિશનરને રોકવામાં આવ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. બઘેલે અગાઉ 2014 માં મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશના પ્રથમ મેટ્રો કોરિડોર, વર્સોવા-અંધેરી-ઘાટકોપર બ્લુ લાઇનનું પણ નિરીક્ષણ કરીને પ્રમાણપત્ર આપ્યું હતું.

દરમ્યાન, હૈદરાબાદ સ્થિત પાવર મેક પ્રોજેક્ટ્સે આ મહિનાની શરૂઆતમાં મુંબઈ મોનોરેલનું સંચાલન અને જાળવણી સંભાળી લીધી છે. જે માટે કંપનીને  પાંચ વર્ષમાં ₹296.4 કરોડ ચૂકવવામાં આવશે.

સેવાઓ સ્થગિત કરવામાં આવી તે પહેલાં, મોનોરેલ દરરોજ લગભગ 18,000 મુસાફરોનું વહન કરતી હતી, અને ચોમાસાની ઋતુ દરમિયાન મુસાફરોની સંખ્યા લગભગ 20,000 સુધી પહોંચી હતી.

ફેબ્રુઆરી 2014માં શરુ થયા બાદ મુંબઈ મોનોરેલમાં વારંવાર ટેકનિકલ ખામીઓ અને કામગીરીમાં વિક્ષેપો આવતા રહે છે, જે ઘણીવાર વિશ્વસનીય જાહેર પરિવહન વ્યવસ્થાને બદલે ધોળો હાથી પુરવાર થવા બદલ ટીકાનો ભોગ બની છે.