પૅરિસઃ મહિલા ટેનિસની ટોચની ક્રમાંકિત ખેલાડી અરીના સબાલેન્કાએ મંગળવારે અહીં 32 ડિગ્રી સેલ્સિયસના હીટવેવનો ફાયદો લઈને ફ્રેન્ચ ઓપન (French Open)નો પ્રથમ રાઉન્ડ જીતીને બીજા રાઉન્ડમાં આસાનીથી પ્રવેશ કર્યો હતો. તે 50મી રૅન્કની જેસિકા મેનિરો સામે અસહ્ય ગરમી (Heatwave)માં આક્રમક અભિગમ અપનાવીને રમી હતી અને તેને 6-4, 6-2થી હરાવી દીધી હતી. તેણે વારંવાર નેટ સુધી દોડી આવીને વળતા સફળ શૉટ માર્યા હતા. સબાલેન્કા રમી રહી હતી ત્યારે તેનો હીરાજડિત નેકલેસ ચમકતો હતો.
પુરુષોના વર્ગમાં રશિયાના ડેનિલ મેડવેડેવ સામે 97મી રૅન્ક ધરાવતો ઑસ્ટ્રેલિયાનો ઍડમ વૉલ્ટન 6-2, 1-6, 6-1, 1-6, 6-4થી જીતી ગયો હતો. વૉલ્ટનને ટૂર્નામેન્ટના આયોજકો તરફથી વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી મળી છે અને એમાં તેણે પહેલા જ રાઉન્ડમાં ખ્યાતનામ ખેલાડીને હરાવ્યો છે.
મહિલાઓની અન્ય એક મૅચમાં ગયા વર્ષની વિજેતા કૉકો ગૉફ તેના જ દેશ અમેરિકાની ટેલર ટાઉનસેન્ડ સામે 6-4, 6-0થી જીતી ગઈ હતી.
ચાર ગ્રેન્ડ સ્લૅમ તાજ જીતી ચૂકેલી જાપાનની નાઓમી ઓસાકાએ લૉરા સિગમન્ડને 6-3, 7-3થી પરાજિત કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.