Mon Apr 27 2026

Logo

વિશેષઃ તત્ત્વત્રયી: એ સમજણ જે આત્માને પરમાત્મા બનાવે છે

6 hours ago
Author: Rajesh Yagnik
Article Image

રાજેશ યાજ્ઞિક

જૈન દર્શનમાં મુખ્યત્વે 7 કે 9 તત્ત્વો (તત્ત્વાર્થ) પ્રખ્યાત છે, પરંતુ આત્માની ઉન્નતિ અને આધ્યાત્મિક વિકાસના સંદર્ભમાં, ‘તત્ત્વત્રયી’ (આત્માની ત્રણ શ્રેણીઓ) નું વર્ણન જોવા મળે છે. ત્રણ મુખ્ય તત્ત્વો મુખ્યત્વે આત્માની ત્રણ સ્થિતિઓ અથવા આત્માના સ્વભાવનો ઉલ્લેખ કરે છે. શું છે આ તત્ત્વત્રયી? 

બહિરાત્મા: જે આત્મા શરીરને આત્મા માને છે અને સાંસારિક પદાર્થો સાથે જોડાયેલો છે તેને બહિરાત્મા કહેવામાં આવે છે. આ આત્માની મૂર્ખ અથવા અજ્ઞાની સ્થિતિ છે. સંસારમાં આપણામાંથી મોટાભાગના લોકો આ જ સ્થિતિમાં જીવે છે અને મૃત્યુ પામે છે. હું કોણ છું? શા માટે આ સંસારમાં આગમન થયું છે? જેવા પ્રશ્નો આપણે વિચારવા માગતા નથી. આપણે બાહ્ય સૌંદર્ય, શરીરના સુખ, સફળતા, ઐશ્વર્ય તેના માટે જીવીએ છીએ. આપણે ઈશ્વર પાસે બીજું શું માગીએ છીએ? રોજ ઈશ્વર સામે હાથ જોડીને મોક્ષ તો માગતા નથી! આધુનિક જમાનાનું શિક્ષણ પણ એ જ શીખવે છે. પરિણામે નવી પેઢી ઈશ્વર, આત્મા, પુણ્ય-પાપ, વગેરેમાં માનતી જ નથી.

પણ જો ઈશ્વરકૃપાથી બહિરાત્માથી આપણે આગળ વધીએ તો? 

અંતરાત્મા: જ્યારે આત્મા તેના સાચા સ્વભાવ (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ને સમજે છે અને વિવેક (આત્મા અને શરીર વચ્ચેનો તફાવત) દ્વારા આત્મ-સાક્ષાત્કારમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તેને અંતરાત્મા કહેવામાં આવે છે. તેને જાગૃત આત્મા અથવા મહાત્મા પણ કહેવામાં આવે છે.
આપણે જે પણ વ્રત, તપ, જપ, અનુષ્ઠાન, કરીએ છીએ તે બધું જ આ અંતરાત્મા માટે છે. કારણ, સાચો આત્મા તે જ છે. એ આત્માએ અધોને રાખેલો આંચળો એટલે આ શરીર. આત્મા અજન્મા છે, અમર છે, અવિનાશી છે. 

એકવાર આત્માને ઓળખી લઈએ પછી તો આપણે કહીએ જ છીએ, કે આત્મા સો પરમાત્મા! તો ત્રીજું ચરણ શું હશે?

પરમાત્મા: જ્યારે આત્મા કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને (નિર્જરા અને મોક્ષ) કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે પરમાત્મા બને છે. આ આત્માની સર્વોચ્ચ, શુદ્ધ અને મુક્ત સ્થિતિ છે. 

ભારતમાં જેમના મૂળ છે, તેવા બધા જ ધર્મનું અંતિમ લક્ષ આત્માની આ પરમ અવસ્થા પ્રાપ્ત કરવાનું છે. પરમાત્મા બનવાનું છે અથવા કહીએ તો જીવમાંથી શિવ બનવાનું છે. શાસ્ત્રોના બધા જ ઉપદેશોનું અંતિમ લક્ષ્ય પણ આત્માને મોક્ષના આ માર્ગ તરફ દોરી જવાનું છે. સવાલ માત્ર એટલો કે આપણી તૈયારી કેટલી છે.

જૈન દર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય આ ત્રણ અવસ્થાઓને સમજવાનો અને સાત તત્ત્વો (જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ) માં સાચી શ્રદ્ધા રાખવાનો છે, જેથી આત્મા બહિરાત્મામાંથી, અંતરાત્મામાં પરિવર્તિત થઈ શકે અને અંતે પરમાત્મા બની શકે.

ભારતના ધર્મો વચ્ચે જુદાપણું હોવા છતાં કેટલું એકત્વ છે તેનું ઉદાહરણ પણ અહીંયા જોવા મળે છે. જૈન દર્શનની તત્ત્વત્રયીને જો સનાતન દર્શનની તત્ત્વત્રયી સાથે સરખાવીએ તો સમજાય કે શબ્દો કદાચ અલગ હોય, કહેવાની રીત અલગ હોય તો પણ મૂળ વાત એ જ છે.

સંતાનમાં, ‘તત્ત્વ ત્રય’ એ મુખ્યત્વે શ્રી વૈષ્ણવ સંપ્રદાય (વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી)ની એક મહત્ત્વપૂર્ણ વિભાવના છે, જેનું વર્ણન પિલ્લઈ લોકાચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે.

ચિત્ : આનો અર્થ જીવાત્મા અથવા ભોક્તા થાય છે, જે ચેતન છે, જે કર્મ અને મોક્ષનો અનુભવ કરે છે. જૈન દર્શનમાં આ જ અંતરાત્મા કહેવાયો છે. 

અચિત: આનો અર્થ ‘જડ પદાર્થ’ અથવા ‘ભોગ્ય’ (પ્રકૃતિ) થાય છે. આ એ ભોગ્ય છે જેમાં ચેતના નથી. જૈન દર્શનમાં તેને જ બહિરાત્મા કહ્યો છે. શરીર પણ જડ છે. આપણે તેને ચેતન માની બેઠા છીએ. અને જે ચેતન છે તેનું તો અસ્તિત્વ જ સ્વીકારતા નથી.

ઈશ્વર: જેનો અર્થ ‘પરમ આત્મા’ અથવા ‘નિયંતા.’ પરમ ચેતન સત્તા જે ચેતન અને અચેતન બંનેને નિયંત્રિત કરે છે. તે જ જૈન દર્શનમાં પણ પરમાત્મા છે.

જે ચિત્ છે, તે જ સત છે અને તે જો સમજાય જાય તો આત્મા જે મોક્ષની અવસ્થાએ પહોંચે તે જ આનંદ છે. તે જ પરમાત્મા બની જવાની અવસ્થા, જેને સચ્ચિદાનંદ અવસ્થા છે. શ્રીમદ્ ભગવદગીતામાં તો ભગવાન કૃષ્ણએ ઠેરઠેર આત્માની વાત અલગ અલગ રીતે કરી છે. 

અર્જુનને કહેવા દ્વારા સંસારના પ્રત્યેક મનુષ્યને વિષાદમાંથી મુક્ત કરવાનો ન ભૂતો ન ભવિષ્યતિ એવો ઉપદેશ આપ્યો છે. મનુષ્યને સમજાવ્યું છે કે આત્મા અવિનાશી છે. સાચું કહું તો, મને એવું લાગે છે કે અર્જુન અને કૃષ્ણ બે ભિન્ન વ્યક્તિ છે જ નહીં, એક જ છે. અર્જુન એ આપણું મન છે જે વિષાદ કરે છે અને કૃષ્ણ આપણો આત્મા છે, જે આપણને યાદ કરાવે છે કે તારામાં બેઠેલો હું આત્મા છું, માટે હે મનુષ્ય વિષાદથી મુક્ત થઈને તારું કર્મ કરતો રહે.