Mon Apr 27 2026

Logo

શ્યામ સમીપેઃ રાધાને દુ:ખ છે કૃષ્ણની વ્યથામાં તે ભાગ ન લઈ શકી

7 hours ago
Author: Jyotsana Tanna
Article Image

જ્યોત્સના તન્ના

પ્રસિદ્ધ હિંદી ભાષાના કવિ હરિઔધના ‘પ્રિય પ્રવાસ’ની રાધા પવનને દૂત બનાવીને પોતાના વિરહદુ:ખની કથા શ્યામને સંભળાવવા ઈચ્છે છે. ‘કોઈ ગમતું ફૂલ કરમાઈને ઘરમાં ક્યાંક પડ્યું હોય, તો પ્યારાના ચરણ પર લાવીને તેને નાખી દેજે, એમ કરીને કે હે પવન, બતાવી દે તેને ફૂલ જેવી બાલા એક.’ આ વાતનું અનુસંધાન મળે છે જગન્નાથદાસ રત્નાકરના ‘ઉદ્ધવશતક’માં- જેમાં કૃષ્ણને જમુનામાં સ્નાન કરતાં એક કરમાયેલું કમળ નજરે પડે છે, અને તેમને થાય છે કે પોતાના વિરહમાં રાધા પણ આમ જ કરમાઈ ગઈ હશે અને કૃષ્ણને દુ:ખ થાય છે. કવિકુલકલ્પના આકાશમાં તો વિહરે છે. છતાં ક્યાંક અનુસંધાન મળી જાય છે. ‘પ્રિયપ્રવાસ’ની વિરહકાતરા રાધા વાદળાંને જોઈને બોલી ઊઠે છે:

‘આ ધરતી તો શું, વ્યોમના અંકમાં પણ
પ્રિયના શરીરની છબિની શોભા ધારણ કરી ઘૂમતા
મેઘને તાકી તાકીને ઘડીઓ સુધી જોઉં છું,
પોતાની વાણીથી કદાચ તે કંઈ કહી જાયે.’

ચંડીદાસની રાધા પણ કૃષ્ણવિરહમાં કાળા વાળ, મોર અને વાદળાંને જોઈને કૃષ્ણને યાદ કરે છે, ડૂમો ભરાઈ આવે છે. પ્રાચીન સંસ્કૃત મહાકવિ કાલિદાસને પણ વાદળાં અને મેઘધનુષમાં ગોપવેશધારી ઘનશ્યામ દેખાતા હતા. હિંદી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર ધર્મવીર ભારતીની રાધા વિચાર કરે છે, ‘સાંભાળ, કનુ, સાંભળ. શું હું તારા માટે ફક્ત એક સેતુ જ હતી? લીલાભૂમિ અને કુરુક્ષેત્રના અલંઘ્ય અંતરાલમાં?’ તેના દુ:ખી હૃદયને શાંતિ નથી, કૃષ્ણના જીવનમાં પોતે કંઈ નહીં?

દરેક યુગના કવિઓએ એ સમયખંડને અનુસરી રાધાને જાણવા-સમજવા પ્રયત્ન કર્યો છે. રાધા શાશ્વત છે. કૃષ્ણ પ્રત્યેના પ્રેમને કોઈ સ્થળ કે કાળની સીમા નથી અને પ્રત્યેક કવિહૃદયમાં પ્રેમભરી રાધિકાનું જુદું જુદું આલેખન થયું છે. હરિઔધના ‘પ્રિય પ્રવાસ’માં રાધાના વિયોગ અને વિરહનું ઉદાત્તીકરણ કરવામાં આવ્યું છે-

‘હૃદયતળના ભાવ એવા અનોખા થઈ જવાથી
મેં પરમ ગરિમાવાળા બે નિરાળા લાભ મેળવ્યા.
મારા મનમાં અનુપમ મહાવિશ્ર્વ પ્રત્યે પ્રેમ જાગ્યો
મેં જોયા મારા પ્રાણેશમાં જ પરમ પ્રભુને.’

તે પોતાના વ્યક્તિગતપ્રેમને સમદૃષ્ટિના પ્રેમમાં પરિણત કરી દે છે. એ રીતે લોકસેવારત સ્ત્રી બનીને રાધા વિશ્વના દુ:ખી સંતપ્ત લોકોની સેવા દ્વારા પ્રેમનો વાસ્તવિક આદર્શ પામે છે. એ ફક્ત વિરહી બનીને પ્રિયતમના વિયોગમાં આંસુ વહાવતી નથી.

બીજું કાવ્ય જોઈએ, પ્રહ્લાદ પારેખનું. એકાકી રાધાને કૃષ્ણની શોધ માટે પૂછ્યું, ‘રાધાએ કહ્યું કે તેણે આંખોને ઘણી વાર કૃષ્ણને શોધવા મોકલી, પરંતુ સેંકડો કા’ન દેખાયા, ઘણી ગોપી લઈને રાસલીલા રમતા, કોઈ મટકી ફોડતા, કોઈ વળી દાણ માગતા, કોઈ બંસી પણ બજાવે. રાધાને વિમાસણ થઈ, ‘શોધવા કેમ મારાને, કા’નના આ મહાધણે?’

‘પરંતુ જિંદગાનીની આ વહે જમુના અહીં
રાહ જોઈશ કા’નાની તીરે ઊભી રહી.
જાણું છું જલમાં તેના, નાગ કાલિય ઘૂમતો
હજારો જિંદગાનીને મૃત્યુનો દંશ આપતો
હજારો જિંદગીમાં કાલકૂટ ભરી જતો
કાન મારો તજી બંસી, રાસલીલા તજી દઈ.
દાણ બાકી બધાં રાખી, કૂદશે નીર આ મહીં
નાથશે નાગને, એની સહસ્ત્રફેણ ચાંપશે
જિંદગી - જમુનામાંથી બા’ર એને ફગાવશે.’

પછી આ રાધા બધું દાણ ચૂકવી દેશે. આ રીતે રાધા આધુનિક વિશ્વમાં પણ પ્રવેશે છે.

મૈથિલીશરણ ગુપ્તના ‘દ્વાપર’માં રાધા જાણે છે કે ‘મારા પ્રેમથી હરિ, તારી તૃષા નહીં છીપે. તું તારે રસ્તે જવા નીકળી જજે.’ હવે એ લોકોપકારી બને છે, તેનાં બધા કાર્ય સેવા માટે છે. વ્રજવાસીઓના દુ:ખે દુ:ખી થાય છે. ‘કૃષ્ણને જગતની પીડા જેમાં પડીને અરે છૂટી ગઈ વ્રજની તે ક્રીડા.’ રાધાને દુ:ખ છે કૃષ્ણની વિશ્વવિષયક વ્યથામાં તે ભાગ ન લઈ શકી. એ ફક્ત શૃંગાર પ્રેમની નાયિકા નથી રહી. તેનું ધ્યાન કર્તવ્યપથ પર હવે છે.’ શ્યામકાંત પાઠકના ‘શ્યામસુધા’ કાવ્યમાં રાધાને થાય છે, વાતો મેં ઘણી કરી, લોકસેવાકલાની, તો શું પ્રિય તમે મારી કડક પરીક્ષા લઈ રહ્યા છો?’

રાધા પર અનેક ગ્રંથો પ્રાચીન છે અને દરેક ગ્રંથકારે પોતપોતાની રીતે વાત રજૂ કરી છે. કથાઓ અને ઉપકથાઓ જોડી છે. મૂળ સંસ્કૃતમાં લખાયેલાં પુસ્તકો પણ તેમાં અપવાદ નથી. તેમાં રાધાનું દૈવી કે માનવી રૂપ મળે છે. એટલું એ જુદું થાય, પણ, દરેકમાં રાધાકૃષ્ણના અનન્ય પ્રેમની વાત તો આવે જ. ગર્ગસંહિતા પ્રમાણે રાધાએ શ્રીકૃષ્ણને પામવા તુલસી-વ્રત કરવાનું નક્કી કર્યું. 

વ્રત સમાપ્તિ પછી શ્રીકૃષ્ણે એક ગોપીરૂપ ધારણ કરી રાધાના પ્રેમની કસોટી કરવાનું નક્કી કર્યું. એક સુંદર ગોપી બની રાધા પાસે આવ્યા. રાધા સાથે મૈત્રી કરી. બીજે દિવસે રાધા પાસે આવી નંદસુત કૃષ્ણની બૂરાઈ કરી. ગોરસની માટલી તોડી. દહીં ખાઈ ગયો. આવા સાથે રાધા પ્રેમ કરી શકે, જે ન ધનવાન, ન વીર, ન સુશીલ, જાતનો ગોવાળ, પાછો રંગ પણ શ્યામ? આશ્ચર્યચક્તિ થઈને રાધાએ કૃષ્ણના ગુણો અને પરાક્રમનું વર્ણન કર્યું. ગોપદેવીએ રાધાને આહ્વાન કરી કહ્યું કે શ્રી હરિ પરમાત્મા કૃષ્ણ તમારી વાતનો આવીને જવાબ આપે તો આ સાચું.

રાધાએ આ ચેલેન્જ સ્વીકારી, જો રાધા બોલાવે અને કૃષ્ણ નહીં આવે તો રાધા પોતાનું સમસ્ત ધન આ સખીને આપી દેશે. રાધાએ એક મનથી ધ્યાન ધર્યું અને શ્રીકૃષ્ણ રાધાનો પ્રેમ જોઈ તરત પ્રગટ થયા. ભારતના પ્રાચીન સંસ્કૃત મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’ મહાકાવ્યમાંથી આવી જ એક સુંદર ગૂંથણી કરી છે. નગાધિરાજ હિમાલયસુતા પાર્વતી શંકરને પતિ તરીકે પામવા કઠોર તપસ્યા કરતી હતી. 

છેવટે શંકર બટુક સતપસ્વી વેશે ત્યાં આવ્યા અને જાણ્યું કે પાર્વતી શંકરને પામવા તપ કરતી હતી. પછી તેમણે શંકરની ખૂબ નિંદા કરી, એ કઠોર શંકર તો વાઘાંબરધારી, ભભૂત લગાવે, સર્પોની માળા, સ્મશાનમાં રહે, પાર્વતી જેવી સુંદર સુકુમાર કન્યાને માટે યોગ્ય પતિ ન જ કહેવાય. પાર્વતી અને છદ્મવેશધારી શંકર સાથે સંવાદ થયો. શંકરે તો કહી જ દીધું. વદ પ્રદોષે સ્ફુટચંદ્રતારકા વિભાવરી યદિ અરૂણાય કલ્પતે-તારા અને ચંદ્રથી શોભતી રાત્રિ પ્રારંભમાં જ થોડો અરુણ (અંત)નો વિચાર કરે? છેવટે ક્રોધિત થઈને પાર્વતીએ જવા પગ ઉપાડ્યો, ત્યારે શંકર મૂળ સ્વરૂપે પ્રગટ થયા અને પાર્વતી ન જઈ શકી, કે ન થોભી શકી. ન યયૌ ન તસ્થૌ. અંતે નિરવધિ નિર્વ્યાજ પ્રેમ જ રહે છે.