હેમુ ભીખુ
કહેવાય છે કે અસ્થિરં જીવિતં લોકે, ધનં યૌવાનમસ્થિરમ્; અસ્થિરા: પુત્રદારાશ્ચ, ધર્મ: કેવલં સ્થિર:. આ લોકમાં જીવન અસ્થિર છે, ધન અને યુવાની પણ અસ્થિર છે, પુત્ર અને પત્ની પણ અસ્થિર છે, માત્ર ધર્મ સ્થિર છે. એમ પણ કહેવાય છે કે ‘ન ચ યૌવનમન્નપાશેતિ ન ચ, ન ચ પત્ની ન ચ પુત્રકોઽપિ, એકો ધર્મ: સ્થાપ્યોઽયમચલ: પારલૌકિક: સુખમાવહતીતિ.’ ન તો યૌવન અવસ્થા કાયમ ટકે છે, ન અન્ન, ન પત્ની કે ન પુત્ર. એકમાત્ર ધર્મ અચલ-અચલિત રહે છે અને પરલોકમાં સાચું સુખ આપે છે - શુદ્ધ, પવિત્ર અને શાશ્વત સુખનું કારણ બને છે.
એમ પણ કહેવાય છે ‘ધર્મેણહીના: પશવ: સમાના:’. જેના જીવનમાં ધર્મ નથી તે માનવી પશુ સમાન છે. પશુતા એટલે અસ્થિરતા, ચંચળતા, વિચારશીલતાનો અભાવ, કામનાની આવેગયુક્ત સ્થિતિ, વિવેક તથા સંયમનો અભાવ અને માત્ર આહાર-નિદ્રા-ભય-મૈથુનયુક્ત જીવન. આવી પરિસ્થિતિમાં ધર્મનું સ્થાન સંભવી ન શકે, પરિણામે પશુ સમાન માણસ વધુને વધુ પશુતા ધારણ કરતો જાય.
પશુતાથી ધર્મ જ રક્ષણ કરી શકે. જે ધર્મનું રક્ષણ કરે તેનું ધર્મ રક્ષણ કરે. ધર્મો રક્ષતિ રક્ષિત: બાકી બધી જ વસ્તુઓ નાશ પામે, તેનો ભંગ થઈ જાય, પરંતુ ધર્મ શાશ્વત છે અને તે દરેક પરિસ્થિતિમાં બચાવવા સમર્થ છે. એકંદરે એમ કહી શકાય કે ધર્મ એકમાત્ર સ્થિર, અડગ, અચળ, શાશ્વત છે. તેનું અનુસરણ દરેક પ્રકારની અનિત્ય પરિસ્થિતિનાં બંધનથી મુક્તિ અપાવી શકે. આ ધર્મની સ્થાપના માટે ઈશ્વર દરેક યુગમાં સંભવામિ બને છે.
આ ધર્મ એટલે સદાચાર, સત્ય, નૈતિકતા તથા સનાતની સંસ્કૃતિ મુજબની જીવનશૈલી. ધર્મ સિવાય આ લોકમાં, સૃષ્ટિમાં, બ્રહ્માંડમાં કશું જ કાયમ નથી. ધર્મ એટલે જે ધારણ કરે તે, જે આધાર આપે તે. સૃષ્ટિમાં બે જ પ્રકારનાં તત્ત્વ છે, એક જે આધારિત છે અને બીજું જે આધાર આપે છે. ધર્મ આધાર છે અને તે જેને આધાર આપે તે આધારિત છે.
સૃષ્ટિમાં એક જ આધાર છે અને તે છે ધર્મ અન્ય બધું જ આધારિત છે. ધર્મને કારણે ચોક્કસ પરિસ્થિતિ સ્થાપિત થાય, તે પરિસ્થિતિને કારણે અન્ય પરિસ્થિતિ સ્થાપિત થાય, જેને કારણે અન્ય અને અંતે પરિસ્થિતિની પરંપરા સ્થાપિત થયાં કરે, પરંતુ મૂળમાં આધાર તરીકે એકમાત્ર ધર્મ હોય. આ ધર્મ એટલે પરબ્રહ્મનો સ્વભાવ, આધ્યાત્મની પરિભાષા, નૈતિકતા, કર્તવ્ય પરાયણતા અને સૃષ્ટિના સંતુલનને જાળવી રાખતી વ્યવસ્થા.
પાપ અને પુણ્ય પણ તેનું ફળ ખર્ચીત થતાં શૂન્યતાને પામે છે અર્થાત પાપ અને પુણ્યનું સ્વરૂપ પણ બદલાય છે.
સમય બદલાય છે. સ્થળ ભિન્ન ભિન્ન સ્થિતિ પ્રાપ્ત કરે છે. સંજોગો બદલાય છે. સંજોગો પ્રત્યેની સમજ બદલાય છે અને તેનાં પ્રત્યેનાં પ્રતિભાવ બદલાય છે. પરિસ્થિતિ બદલાતા સમજ અને લાગણીઓ પણ બદલાતી રહે. આજે જે યોગ્ય જણાય છે તે કાલે તેમ ન પણ જણાય. આજે જેનાં પ્રત્યે અપાર ભાવ હોય તે કાલે ઘૃણામાં પરિવર્તિત પણ થઈ શકે.
આજે જેના વિશે પસંદગી છે તે કાલે નાપસંદ પણ થઈ શકે. તેથી જ કઠ ઉપનિષદની વાત સમજવા જેવી છે. અહીં નચિકેતા યમરાજ પાસે પ્રેય નહીં પરંતુ શ્રેયની માગણી કરે છે. શ્રેય એટલે જે શ્રેયકર છે અને પ્રેય એટલે જે ઇન્દ્રિયોને, મનને પ્રિય છે તે. શ્રેય માત્ર ધર્મ છે કારણ કે ધર્મ થકી જ અધર્મનો, અસત્યનો, અવિદ્યાનો, અજ્ઞાનનો, માયાનો, છ શત્રુઓનો, આસુરી પ્રકૃતિનો અને જન્મ મરણના ચક્રનો નાશ થઈ શકે.
જીવન ક્યારેય એકસરખું રહેતું નથી, વળી કોઈપણ ક્ષણે મૃત્યુ દ્વારા તે છીનવી પણ લેવાય. ધન, યૌવન, પત્ની, પુત્ર, ઘર, પરિવાર, માતા-પિતા, પદ, પ્રતિષ્ઠા, લાગણી, સંબંધ, વિચારધારા, પસંદગી, અગ્રતાક્રમ અને જ્ઞાન સમાન લગતી માહિતી જેવાં તત્ત્વો પણ નાશ પામે. અહંકારનો પણ ક્યારેક અંત આવે અને સ્વાર્થથી પણ ક્યારેક છુટકારો મળી શકે.
બધું જ થોડાં સમય માટે છે, નાશવંત છે, ક્ષણિક છે, અનિત્ય છે, છૂટી જાય છે, રહી જાય છે, રૂપાંતરિત થાય છે, ભિન્ન ભિન્ન પરિણામો આપે છે અને ક્યારેક અંત તો ક્યારેક નવસર્જન પામે છે. અસ્થિરતા, ચંચળતા એ પ્રકૃતિનો નિયમ છે, બ્રહ્માંડનો સિદ્ધાંત છે, માયાનું કૃત્ય છે, કુદરતની વાસ્તવિકતા છે, સૃષ્ટિના સંચાલનની રીતનું પરિણામ છે અને તે બધાં સાથે અસ્તિત્વના મૂળમાં રહેલી ‘ઈચ્છા’માં સદંતર આવતાં બદલાવનું પરિણામ છે.
અસ્થિરતા અર્થાત સ્વરૂપ-ભિન્નતા એ ભૌતિક તેમજ સૂક્ષ્મ અસ્તિત્વની વાસ્તવિકતા છે. જે નથી બદલાતું તે કારણ અસ્તિત્વ છે અથવા ધર્મ છે. માનવીના ભૌતિક અસ્તિત્વમાં શરીર અને તેની સાથે સંકળાયેલ જ્ઞાનેન્દ્રિયો તેમજ કર્મેન્દ્રિયોનો સમાવેશ થાય. આ ઇન્દ્રિયોનું સ્વરૂપ, ક્ષમતા, પસંદગી, તેમજ અગ્રતાક્રમ બદલાયાં કરે છે. માનવીના સૂક્ષ્મ અસ્તિત્વમાં અંત:કરણના ચાર સ્વરૂપની ગણના થતી હોય છે; મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર. આ ચારેય પણ હંમેશાં અસ્થિરતાના પ્રભાવ હેઠળ હોય છે.
માનવીનું કારણ અસ્તિત્વ અથવા આત્મા જ સ્થિર છે. આ આત્માનો સ્વભાવ ધર્મ છે કારણકે તે હંમેશાં પવિત્ર, શુદ્ધ, નિર્લેપ, નિર્વિકાર, અસંગ, સાક્ષીરૂપ, અજન્મા તેમજ શાશ્વત હોય છે. નથી તેની માટે જન્મ કે નથી મરણ. નથી તેની માટે ગરમી કે ઠંડી, સુખ કે દુ:ખ, રાગ કે દ્વેષ કે અન્ય કોઈપણ પ્રકારનો દ્વંદ્વ. એકવાર એમ પણ કહી શકાય કે કારણ અસ્તિત્વનો આધાર ધર્મ છે અને ધર્મનો આધાર કારણ અસ્તિત્વ છે.
સમજવાનું એ છે કે આ અસ્થિર સંસારમાં સ્થિર માત્ર ધર્મ છે. જ્યારે આ સ્થિર ધર્મનો આધાર મળે ત્યારે જ ‘આધારિત’ સ્થિરતાને પામી શકે. અસ્થિર બાબત સહારો ન આપી શકે છતાં પણ જો તેને સહારો માનવામાં આવે તો સંતુલન જતું રહેવાની પૂરેપૂરી શક્યતા રહે.