સુરતઃ સુરત શહેરમાં નોકરીની લાલચ આપીને ગઠિયાઓએ ₹32 લાખની છેત્તરપિંડી કરતા શહેરના રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જાણીતી ઓઈલ કંપની ONGCમાં નોકરીએ રખાવી દેવાના બહાને કતારગામના એક દંપતિ પાસેથી ₹32 લાખ લઈને ભેજાબાજ ફરાર થઈ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે, સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નકલી આઈડી કાર્ડ લઈને વ્યક્તિ કંપનીના ગેઈટ પાસે ગયો હતો અને ચેકિંગમાંથી ખ્યાલ આવ્યું કે, કાર્ડ નકલી છે. સમગ્ર મામલે દંપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આઈડીકાર્ડ નકલી હોવાનું જાણવા મળ્યું
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા નિર્મલ અને કિંજલ ધાનાણીને ONGC કંપનીમાં સારા પગારની નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી.દંપતિનો વિશ્વાસ જીતવા માટે ભેજાબાજોએ કંપનીના લેટરપેડ જેવા દેખાતા ડૉક્યુમેન્ટ પર ઓફર તથા જોઈનિંગ લેટર આપી દીધો હતો. એટલું જ નહીં કંપનીના નામે આઈડીકાર્ડ પણ બનાવી દીધું હતું. આવા સમગ્ર ડૉક્યુમેન્ટના બહાને ટુકડે ટુકડે ₹32 લાખ ખંખેરી લેવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદી પોતાને મળેલું આઈડીકાર્ડ લઈને કંપનીમાં નોકરી માટે ગયો અને ગેટ પાસે તપાસ કરવામાં આવી એ સમયે ખ્યાલ આવ્યો કે, આઈડીકાર્ડ નકલી છે. સિક્યોરિટી ચેક દરમિયાન આઈડીકાર્ડ નકલી હોવાનું સામે આવતા ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
આગળની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, કંપનીએ આ પ્રકારનો કોઈ જોઈનિંગ કે ઓફર લેટર આપ્યો જ નથીં. કંપની પરિસરમાંથી ખ્યાલ આવ્યો કે, છેત્તરપિંડી થઈ છે. આ મામલે દંપતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દંપતિની ફરિયાદ લઈને આગળની તપાસ શરૂ કરી દીધી છે.ભેજાબાજોએ આવા દંપતિ સિવાય પણ કેટલા લોકો સાથે એવી છેત્તરપિંડી કરી છે એ અંગે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે તે નકલી ડૉક્યુમેન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે.