હેમંત વાળા
શાસ્ત્રોમાં વૃત્તિને પાંચ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે; પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. પતંજલિ યોગ સૂત્ર મુજબ મનની આ પાંચ વૃત્તિ ક્યારેક ક્લિષ્ટ અર્થાત કલેશ કે દુ:ખ આપનારી હોય તો ક્યારેય અક્લિષ્ટ અર્થાત સુખ કે મુક્તિ આપનારી બની શકે. પ્રમાણ અર્થાત યથાર્થ જ્ઞાન, વિપર્યય અર્થાત ભ્રમિત જ્ઞાન, વિકલ્પ અર્થાત કલ્પનાનું ક્ષેત્ર, નિદ્રા અર્થાત ચેતનાના અભાવવાળી અજ્ઞાનયુક્ત સ્થિતિ અને સ્મૃતિ અર્થાત યાદ કે સંસ્કારને આધારિત સમજ.
શાસ્ત્રમાં ‘પ્રમાણ’ને યોગ્ય જ્ઞાન માટેનાં સાધન તરીકે દર્શાવવામાં આવ્યું છે. મનની આ વૃત્તિ સત્ય દર્શાવે. યોગસૂત્ર અનુસાર પ્રમાણનાં ત્રણ માર્ગ છે; પ્રત્યક્ષ; અનુમાન અને આગમ. પ્રત્યક્ષ એટલે જે આંખની સામે ઘટીત થાય તે ઘટના, જેની સીધી જ અનુભૂતિ હોય. પ્રત્યક્ષ બાબત માટે શંકા હોવાની સંભાવના ન હોય. અનુમાન એ તારણ કાઢવાની પ્રક્રિયા છે. અહીં એક બાબતને આધારે અન્ય બાબત વિશે ધારણા બાંધવામાં આવે છે. અનુમાનનું સર્વ સામાન્ય ઉદાહરણ ધુમાડા અને અગ્નિ વચ્ચેના સંબંધનું છે. ધુમાડો દેખાય છે એટલે અગ્નિ હશે એમ માની લેવામાં, સમજી લેવામાં આવે.
આગમ એટલે શાસ્ત્ર કે મહાત્માઓ પાસેથી પ્રાપ્ત થયેલું જ્ઞાન. ક્યારેક આની માટે ‘શબ્દ’ કે, ભક્તિમાં, ‘શબદ’નો પણ ઉપયોગ થાય છે. આ જ્ઞાન અંતિમ વિધાન સમાન હોય જેને આધારે આગળનો પ્રવાસ પૂરેપૂરાં વિશ્વાસથી સંપન્ન કરી શકાય. અનુમાનથી કોઈપણ વાત નિશ્ર્ચિતતાથી કહેવા માટે ચોક્કસ પ્રકારની માહિતી અને જ્ઞાનની આવશ્યકતા રહે. ધુમાડા વિશેની જાણકારી હોવી જોઈએ, અગ્નિની પ્રકૃતિ વિશે પણ માહિતી જરૂરી છે અને તે બંને વચ્ચેના સમીકરણની સમજ પણ આવશ્યક રહે. જ્યારે પરિસ્થિતિ ગૂંચવાડા ભરેલી હોય, સ્થાપિત સિદ્ધાંતથી અલગ ઘટનાઓ આકાર લેતી હોય, માહિતી સંપૂર્ણતામાં યથા સ્વરૂપ પહોંચતી ન હોય, જે તે કારણસર વ્યક્તિની ક્ષમતા ઓછી હોય કે આવી અન્ય કોઈ પરિસ્થિતિમાં આ પ્રમાણ સંપૂર્ણ પરિણામ ન પણ આપી શકે.
વિપર્યય વૃત્તિ એટલે કે ભ્રમિત જ્ઞાન. તેમાં વિપરીત પરિસ્થિતિને યોગ્ય માની લેવામાં આવે. એમ પણ કહી શકાય કે અહીં અસત્યને સત્ય માની લેવાય. ન્યૂનતમ પ્રકાશમાં જેમ દોરડામાં ‘સાપ’ પ્રતીત થાય, તે પ્રકારની આ ઘટના છે. જે તે કારણસર પરિસ્થિતિ યોગ્ય સ્વરૂપે પ્રસ્તુત ન થાય ત્યારે આવાં સંજોગો ઊભાં થાય. આધ્યાત્મિક ઉદાહરણ તરીકે ‘હું શરીર છું’, ‘હું મન છું’ એ પ્રકારની ભ્રમણા વિપર્યય છે. સનાતની આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનમાં, આનાં ઉકેલ તરીકે કેટલીક વ્યવસ્થિત શાસ્ત્રીય પદ્ધતિ સ્થાપિત થઈ છે.
વિકલ્પ એટલે કલ્પનાનું વિશ્વ. સામાન્ય રીતે એમ થતું હોય છે કે વ્યક્તિ કાં તો ભૂતકાળની યાદોમાં જીવે કે કાં તો ભવિષ્યની કલ્પનામાં. આ કલ્પના એટલે જ વિકલ્પ. એમ કહેવાય છે કે જ્યારે સંકલ્પ, સવિકલ્પ હોય ત્યારે સંસાર અને સંસારની ઘટના પ્રગટ થાય. તેથી જ સનાતની આધ્યાત્મિક વિચારધારામાં નિર્વિકલ્પતાનું વિશેષ મહત્ત્વ છે. વિકલ્પ એ એ પ્રકારની વૃત્તિ છે જેનો કોઈ વાસ્તવિક આધાર નથી હોતો. એમ કહી શકાય કે આ તો મનના તરંગોનો વિસ્તાર છે. અહીં બધાં જ મહેલ હવામાં ચણવામાં આવે. આકાશમાં ઉગાડવામાં આવેલ ‘આકાશ-કુસુમ’ જેવી આ કાલ્પનિક ઘટના હોય. અહીં મન પોતાનાં જ કલ્પના-તર્કમાં ફસાયેલું રહે અને જાણે તેની જ કાલ્પનિક અનુભૂતિ કરે.
નિદ્રાવૃત્તિ અચેતન મનની અજ્ઞાન અવસ્થાને કારણે સ્થાપિત થાય છે. વાસ્તવમાં કલ્પના સમાન અહીં કશું જ હોતું નથી, ફેર એટલો કે કલ્પના એ જાગ્રત મનની ક્રિયા છે જ્યારે અહીં મન આરામમાં હોય છે અને છતાં પણ તે જ પ્રકારની કલ્પનામાં મગ્ન રહે છે. વાસ્તવમાં અહીં માત્ર શૂન્યતા હોય છે. નિદ્રાને આધીન થવું એ મનની પ્રકૃતિ પણ છે અને જરૂરિયાત પણ. નિદ્રાની સ્થિતિ પહેલાં મનમાં જે તરંગો દ્રઢ થયાં હોય તે પ્રગટ થાય અને પોતાનાં અસ્તિત્વને વાસ્તવિક તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરે. નિદ્રા તૂટતાં આ બધાં જ તરંગો અદ્રશ્ય થઈ જાય, ક્યારેક તો તે સ્મૃતિમાં પણ ન રહે. નિદ્રાવૃત્તિને નિયંત્રિત કરવા મનને શાંત કરવાની આવશ્યકતા રહે.
એમ કહેવાયું છે કે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે, પવન જેમ સુગંધને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાય તેમ, આત્મા પણ સ્મૃતિ અને સંસ્કારને સાથે લઈ જાય. આ સત્યને આધારે જે વૃત્તિ સ્થાપિત થાય તે સ્મૃતિ. જો કે જીવન દરમિયાન તેમાં બદલાવ આવતો રહે. જે અનુભવ થઈ ચૂક્યો છે, જે સંસ્કાર દ્રઢ થઈ ચૂક્યા છે, તેની અમિટ છાપ સ્મૃતિ રૂપે સંગ્રહાયેલી રહે. તે જ્યારે કાર્યરત થાય ત્યારે આ વૃત્તિનું પ્રભુત્વ છે તેમ કહેવાય. આ વૃત્તિ મનનાં પતન અને ઉત્થાન બંનેનું કારણ બની શકે. નકારાત્મક સ્મૃતિ મનને અશાંત કરી શકે જ્યારે સકારાત્મક સ્મૃતિથી મન શાંતિ અને સંતોષ પણ અનુભવે અને ક્યાંક આનંદની શરૂઆત પણ થઈ શકે. સ્મૃતિમાં જ્યારે નિર્મળતા પ્રાપ્ત થાય ત્યારે જ આ વૃત્તિ શાંત થાય. આ માટે સાક્ષીભાવે જોયાં કરવાની પ્રક્રિયા મદદરૂપ થઈ શકે.
મનની આ પાંચ પ્રકારની વૃત્તિ સારા પરિણામ પણ આપી શકે અને ખરાબ પણ. વાસ્તવમાં, સમગ્રતામાં અસ્તિત્વની દરેક બાબત પરિણામને અસર કરે. સમજવાની વાત એ છે કે પરિણામ સારું હોય કે ખરાબ, જો તે વૃત્તિ આધારિત હોય તો તે એક યા બીજા સ્વરૂપનું બંધન બની રહે. મન શાંત થતાં વિચારોની લહેર ઓછી થાય અને મન દર્પણ સમાન નિર્લેપ બની રહે, તેમાં યથાર્થ બાબતોનું પ્રતિબિંબ દેખાય અને સત્ય પ્રતીત પણ થાય અને સ્થાપિત પણ થાય. એમ કહી શકાય કે ચિત્તવૃત્તિનો નિરોધ એટલે જ મનનું શમન, એટલે જ યોગ. આત્મ સાક્ષાત્કાર માટે આ જરૂરી છે.