Sun Apr 19 2026

Logo

નાશિક પછી પંચવટીમાં પણ ધર્માંતરનું પ્રકરણ: તુલસીમાળા કાઢી ગઝવા-એ-હિંદ કરવા કહ્યું

22 hours ago
Author: Yogesh C Patel
Article Image

નાશિક: નાશિકના કોર્પોરેટ જેહાદ પ્રકરણને કારણે રાજ્યમાં ચકચાર મચી છે ત્યારે નાશિકના જ પંચવટીમાં ધર્માંતરનું પ્રકરણ સામે આવ્યું છે. પ્રેમજાળમાં ફસાવી યુવતીને ગળામાંથી તુલસીમાળા કાઢીને ગઝવા-એ-હિંદ કરવાનું કહેનારા યુવકે બાદમાં યુવતીને બ્લૅકમેઈલ કરીને કથિત કુકર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.

નાશિકમાં રહેતી યુવતીએ આ મામલે પંચવટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તંઝીર ઈનામદાર નામના શકમંદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શકમંદને પોલીસે તાબામાં લીધો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે વિવિધ ઠેકાણે લઈ ગયા પછી આરોપીએ જબરદસ્તીથી તેને સિગારેટ અને દારૂ પિવડાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ યુવતીના ગળામાંથી તુલસીમાળા કઢાવી નાખી હતી અને હાથમાંના દોરા કઢાવવા પણ દબાણ કર્યું હતું.

આરોપીએ યુવતીને ગઝવા-એ-હિંદ કરવાનું કહીને તેના ગળા પાસે બચકું ભર્યું હતું. આ ‘લવ બાઈટ’ હોવાનું કહીને તેણે યુવતી સાથે મોબાઈલ ફોનથી તસવીરો પાડી લીધી હતી. જાન્યુઆરીમાં પાડેલી આ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી આરોપી યુવતીને લૉજમાં લઈ ગયો હતો, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

આ રીતે આરોપીએ અન્ય યુવતીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે હજુ સુધી એક જ યુવતી આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા આગળ આવી હોવાનું પોલીસનું કહેવું છે.