ડ્રેનેજ લાઈનની સફાઈ વખતે ત્રણ મહિને મળેલા વૃદ્ધાના કોહવાયેલા મૃતદેહનો ભેદ ઉકેલાતાં ભાઈ-ભાભીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હત્યા જેવા ગંભીર ગુનાને છુપાવવો મુશ્કેલ હોવાની વાતને સાર્થક કરતી કામગીરી અંધેરી પોલીસે કરી હતી. વારંવારના ઝઘડાથી કંટાળી 80 વર્ષની વૃદ્ધ બહેનની હત્યા કરી મૃતદેહને મૅનહોલનું ઢાંકણ ખોલી ડ્રેનેજ લાઈનમાં ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સહાર પરિસરમાં બની હતી. જોકે ડ્રેનેજ લાઈનના સફાઈકામ દરમિયાન ત્રણ મહિના બાદ વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે હત્યા પાછળનો ભેદ ઉકેલી ભાઈ-ભાભીની ધરપકડ કરી હતી.
અંધેરી પોલીસે ધરપકડ કરેલા દંપતીની ઓળખ જોસેફ થૉમસ કોયલો (65) અને મારિયા જોસેફ કોયલો (63) તરીકે થઈ હતી. જોસેફનો પરિવાર અંધેરી પૂર્વમાં મરોલ પાઈપલાઈન ખાતેની આલોક ચાલમાં બહેન બ્લાન્સ જેમ્સ સિક્વેરા (80) સાથે રહેતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ જોસેફ અને તેની પત્ની મારિયાનો બ્લાન્સ સિક્વેરા સાથે વારંવાર ઝઘડો થતો હતો. નાની વાતે થતા ઝઘડાનો અવાજ અડોશપડોશમાં પણ સંભળાતો હતો. કહેવાય છે કે ઝઘડાને કારણે જોસેફ કંટાળ્યો હતો. સિક્વેરા ગુમ થઈ તેની આગલી રાતે પણ તેમની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો, એવું પડોશીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
મળેલી માહિતી અને શંકાને આધારે પોલીસે કોયલો દંપતી અને તેમના પુત્રને પૂછપરછ માટે તાબામાં લીધો હતો. આકરી પૂછપરછમાં જોસેફે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
પોલીસ તપાસમાં જણાયું હતું કે 9 જાન્યુઆરીની રાતે કોયલો દંપતી અને સિક્વેરા વચ્ચે ઝઘડો થયો હતો. આ વાતથી રોષે ભરાયેલા જોસેફે બહેનને જોરથી ધક્કો માર્યો હતો. દરવાજાની બહાર ધકેલાઈ ગયેલી વૃદ્ધા જમીન પર પટકાઈ હતી, જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપીઓએ ગુનો છુપાવવા અને પુરાવાનો નાશ કરવા મધરાતે ઘર પાસેના મૅનહોલનું ઢાંકણ ખોલી તેમાં સિક્વેરાનો મૃતદેહ ફેંકી દીધો હતો. બીજી સવારે, 10 એપ્રિલે જોસેફે જ સહાર પોલીસ સ્ટેશનમાં બહેન ગુમ થઈ હોવાની ફરિયાદ કરી હતી.
ત્રણ મહિના સુધી બ્લાન્સ સિક્વેરાની કોઈ ભાળ મળી નહોતી. 24 એપ્રિલની બપોરે અંધેરી પરિસરમાં ડ્રેનેજ લાઈનની સફાઈ દરમિયાન વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મહાપાલિકાના સફાઈ કર્મચારીને મળ્યો હતો. વૃદ્ધાના શરીર પરના દાગીના અને અન્ય વસ્તુઓને આધારે અંધેરી પોલીસે તપાસ હાથ ધરી હતી. સહાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મિસિંગની ફરિયાદ સાથે વૃદ્ધાનું વર્ણન મેળ ખાતું હોવાનું જણાતાં પોલીસ અધિકારીઓની નવ ટીમ તપાસમાં લાગી હતી.