Sat Apr 25 2026

Logo

એક ફિલ્મ - એક નાટક - એક સીન...

1 day ago
Author: Henry Shastri
Article Image

 

 

 

સાઉથની ચાર ભાષા ઉપરાંત હિન્દી ફિલ્મો બનાવનારા  કે. બાલાચન્દરના યોગદાન આજે પણ લોકો નહીં ભૂલ્યા હોય...

હેન્રી શાસ્ત્રી

 

રાજ કપૂરએ ‘એક દુજે કે લિયે’નો અંત બદલવા કહ્યું હતું, પણ ...
 

સાઉથની વિવિધ ભાષાઓમાં ફિલ્મો બનાવ્યા પછી હિન્દી ચિત્રપટ સૃષ્ટિમાં હાથ અજમાવવાની કોશિશ ઘણા ફિલ્મમેકરોએ કરી છે. એસ. એસ. વાસન (ચંદ્રલેખા - 1948)થી શરૂ કરી વાયા મણિ રત્નમ (દિલ સે - 1988) થઈ સંદીપ રેડ્ડી વાંગા (કબીર સિંહ - 2019) સુધીનું લિસ્ટ ઘણું લાંબું છે. આ બધામાં તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોનું દિગ્દર્શન અને એક મલયાલમ ફિલ્મનું નિર્માણ તેમજ હિન્દી ફિલ્મોમાં પણ ખેડાણ કરનારા કે. બાલાચંદર એક આદરણીય નામ છે. કહેવા માટે એમની પહેલી હિન્દી ફિલ્મ ‘આઈના’ હતી, પણ તેમને નામના મળી 45 વર્ષ પહેલાં આવેલી ‘એક દુજે કે લિયે’ ફિલ્મથી.

સાઉથની ફિલ્મોમાં અનેક કલાકાર- કસબીને પ્રથમ તક આપનાર બાલાચંદરની ‘એક દુજે કે લિયે’ ફિલ્મની મુખ્ય જોડી કમલ હસન અને રતિ અગ્નિહોત્રીની આ પ્રથમ હિન્દી ફિલ્મ હતી. સિવાય ચાર ભાષામાં શ્રેષ્ઠ પાર્શ્વગાયકના છ નેશનલ અવોર્ડ મેળવનાર એસ. પી.બાલાસુબ્રમણ્યમની પણ આ પહેલી હિન્દી ફિલ્મ હતી.      

બાલાચંદર ભાઈનું એક અનોખું ગુજરાતી કનેક્શન પણ છે. તેમણે લખેલા તમિળ નાટક ‘મેજર ચંદ્રકાંત’ પરથી ગુજરાતીમાં ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત ‘મેજર ચંદ્રકાંત’ નાટક બન્યું હતું. 1965માં ‘ઊંચે લોગ’ નામની હિન્દી ફિલ્મ પણ બની હતી. ફિલ્મમાં જે રોલ અશોક કુમારે કર્યો હતો એ જ ભૂમિકા ઉપેન્દ્ર ભાઈએ નાટકમાં કરી હતી.

‘એક દુજે કે લિયે’ ટિપિકલ લવસ્ટોરી છે. રસપ્રદ વાત એ છે કે યુવાન તમિળભાષી છે અને યુવતી હિન્દીભાષી છે. બંને પ્રેમમાં પડે છે. પ્રેમીને હિન્દી નથી આવડતું એટલે ઈન્ટરવલ સુધી હીરોના ભાગે બહુ ઓછા સંવાદ આવે છે અને જે છે એ રમૂજ પેદા કરે છે. સંવાદનો અભાવ હોવા છતાં કમલ હસન હાવભાવથી દર્શકોના દિલમાં સ્થાન મેળવી લે છે. 1980ના દાયકામાં હિન્દી ફિલ્મના હીરોમાં જોવા મળતી મોટાભાગની ખાસિયતો કમલ હસનમાં લગભગ ગેરહાજર હતી. તેમ છતાં અભિનય કૌશલને જોરે એને આવકાર મળ્યો. ફિલ્મના ગીત - સંગીતને અફાટ લોકપ્રિયતા મળી હતી અને ‘તેરે મેરે બીચ મેં કૈસા હૈ યહ બંધન અંજાના’ નાનું ફિલ્માંકન પણ દર્શકોને બેહદ પસંદ પડ્યું હતું. હોટેલની લિફ્ટમાં શૂટ થયેલા અને વિવિધ ફિલ્મોના નામ ધરાવતા ‘મેરે જીવનસાથી’ ગીતથી દર્શકોને મોજ પડી હતી. એક કલાકાર અને એક મનુષ્ય તરીકેના પોતાના ઘડતરમાં બાલાચંદરનો વિશેષ ફાળો રહ્યો હોવાની કબૂલાત કમલ હસને જાહેરમાં કરી છે.

પ્રેમકથા કેન્દ્રમાં હોય એવી અનેક હિન્દી ફિલ્મો બની છે. અલબત્ત, સુખદ અંતવાળી ફિલ્મની સંખ્યા વધુ છે. ‘એક દુજે કે લિયે’નો અંત દુ:ખદ છે. રિલીઝ કરવા પહેલા અંત વિશે અભિપ્રાય જાણવા માટે બાલાચંદરે ફિલ્મ રાજ કપૂરને બતાવી હતી. રાજસાબને ફિલ્મ બહુ જ પસંદ પડી હતી, પણ તેમણે દુ:ખદ અંતને બદલે હેપ્પી એન્ડિંગ રાખવાનું સૂચન કર્યું હતું. બાલાચંદર પોતાના નિર્ણય પર અફર રહ્યા અને દુ:ખદ અંત સાથે જ ફિલ્મ રિલીઝ કરી. ફિલ્મને કેવી ધૂંઆધાર સફળતા મળી એ સૌ જાણે છે. જોકે, રીલ લાઈફના આ દુ:ખદ અંતની રિયલ લાઈફમાં ઘણી નેગેટિવ અસર જોવા મળી હતી.   

રતિ અગ્નિહોત્રીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘વાસુ - સપનાનો (ફિલ્મમાં કમલ અને રતિના પાત્રના નામ) ડેથ સીન શૂટ કરવો આસાન નહોતો, પણ દિગ્દર્શકના સચોટ માર્ગદર્શનથી અમે એ કરી શક્યા. દર્શકોનો પ્રતિભાવ કેવો હશે એ કોઈ નહોતું જાણતું. ફિલ્મ રિલીઝ થયા પછી અનેક લવબર્ડ્સએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા બહુ દુ:ખ થયું હતું.’

1981માં જ કે. બાલાચંદરે ‘થન્નીરથન્નીર’ નામની તમિલ ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં ગામડાને કેન્દ્રમાં રાખી પાણીની તીવ્ર તંગી અને રાજકીય સ્તરે ચાલતા ભ્રષ્ટાચારની વાત વણી લેવામાં આવી હતી. બે નેશનલ અવોર્ડ મેળવનાર આ ફિલ્મના પ્રારંભમાં ડાયલોગ વગરનો સીન એવો ધારદાર છે કે એની કરુણતા હૃદય સોંસરવી ઊતરી તમારા ચિત્ત તંત્રમાં ખળભળાટ મચાવી દે છે. આ એવી પરિસ્થિતિનો ચિતાર છે જ્યારે ગામડાના લોકોને પીવાલાયક પાણી મેળવવા જોજનો દૂર જવું પડતું હતું. દૃશ્યના પ્રારંભમાં એક બાળક પાણી ભરેલું માટલું લઈ વગડામાંથી પસાર થતો દેખાય છે. અચાનક જમીન પર પડેલા કોઈ મેગેઝિનના ફાટી ગયેલા પાનાના એક ફોટોગ્રાફ પર એની નજર પડે છે. અત્યંત પ્રિય વ્યક્તિનો ચહેરો જોઈ બાળક એ પાનું ઉપાડી અહોભાવથી એને નીરખે છે અને એના ચહેરા પર આનંદ ઢોળાઈ જાય છે. 

અચાનક પવન ફૂંકાતા હાથમાંની તસવીર જમીન પર પડી જાય છે. પાણી ભરેલું માટલું સાચવતા સાચવતા બાળક પેલો ફોટોગ્રાફ પાછો લેવાનો પ્રયાસ કરતો હોય છે ત્યાં હાથમાંનું માટલું જમીન પર પડી જાય છે અને બધું પાણી ઢોળાઈ જઈ પળવારમાં માટીમાં શોષાઈ જાય છે. બાળક પાણી બચાવવા પ્રયાસ કરે છે, પણ... હકીકતનો ખ્યાલ આવતા બાળક રડવા લાગે છે. જોકે, એના આંસુ સુધ્ધાં ગાલ પરથી દડી છેવટે માટીમાં જ સમાઈ જાય છે. એક મિનિટના આ સીનમાં કે. બાલાચંદરે પાણીની તીવ્ર અછત અને બાળકના મનોવિશ્વની વાસ્તવિકતા અદ્ભુત રીતે રજૂ કરી છે.

‘અદ્રક કે પંજે’: 27 ભાષા- 60 દેશ- દસ હજાર શો

 ઉર્દૂ ભાષામાં લખાયેલા એકપાત્રી વ્યંગાત્મક નાટક ‘અદ્રક કે પંજે’ નાટકથી દેશ - વિદેશમાં ખ્યાતિ મેળવનારા બબ્બન ખાનએ જીવનના રંગમંચ પરથી એક્ઝિટ લીધી એની જાણકારી સોશ્યલ મીડિયા દ્વારા મળી એ જીવનનો વિરોધાભાસ છે. જે કલાકાર પોતાના પરફોર્મન્સથી 35 વર્ષ સુધી સર્વત્ર છવાઈ ગયો હતો એ કલાકાર સાથે આવું થઈ શકે છે.

‘અદ્રક કે પંજે’ શીર્ષક કુતૂહલ જન્માવનારું હતું. એનો શબ્દાર્થ થાય છે આદુંના ટુકડા - આદુંની શાખા અથવા આદુંમાંથી ફૂટી નીકળેલો હિસ્સો... 

બબ્બન ખાનના આ નાટકમાં પરિવાર નિયોજન પર તીખો વ્યંગ - કટાક્ષ કરવામાં આવ્યો હતો. આ એવા સમયની વાત છે જ્યારે કુટુંબ નિયોજન વિશે જાહેરમાં વાત કરતા લોકો ગભરાતા હતા અથવા શરમ અનુભવતા હતા. 1960 -70ના દાયકામાં ‘હમ દો હમારે દો’ જેવા સરકારી નારાની ઘોષણા થતી હતી. પણ એના અમલ પ્રત્યે ગજબની ઉદાસીનતા હતી. બબ્બન ખાન આ સમસ્યા ઉઘાડે છોગ સ્ટેજ પર લઈ આવ્યા અને જનતા જે સમસ્યાથી પીડાઈ રહી હતી એના પર વ્યંગ કરી લોકોને પેટ પકડીને હસાવ્યા.

નાટકનું સ્વરૂપ અત્યંત સરળ હતું. વન મેન શો. સ્ટેજ પર માત્ર અને માત્ર બબ્બન ખાનની હાજરી અને કેટલાંક બાળકો. લગભગ બે કલાક ચાલતા આ નાટકમાં બબ્બન ખાન વિવિધ પાત્ર ભજવતા હતા. બાર બાળકનો પરેશાન પિતા, પગમાં અલગ અલગ રંગના મોજા પહેરનારો સરકારી કારકૂન, ઘણી સુવાવડ કરાવનારાં દાદી વગેરે. દરેક પાત્રનો પોતીકો અલગ અવાજ, જુદી જુદી ચાલ, અલગ અલગ વિચારસરણી અને નોખી નોખી ભાવના.

બબ્બન ખાનનો જન્મ હૈદરાબાદના એક ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણ અછત અને સંઘર્ષમાં જ પસાર થયું હતું. કુટુંબ નિયોજનની ગતાગમ ન હોવાથી બબ્બનના ઘણા ભાઈ બહેન હતા. જોકે, કુપોષણ અને જરૂરી સારવારના અભાવે ત્રણ ભાઈ અને ચાર બહેન મૃત્યુ પામ્યાં હતાં. ભણવામાં હોશિયાર બબ્બન ગ્રેજ્યુએટ થયો હતો, પણ નોકરી નહીં મળવાથી બે ટંક ભોજનના પણ ફાંફાં હતા. લોકોને જોક સંભળાવી એક કપ ચા પીવા ભેગો થતો હતો. આ બધી વિષમતા - મથામણ વચ્ચે અનુભવેલી પીડા પરથી બબ્બન ખાનએ વીજળીના થાંભલા નીચે બેસી ‘અદ્રક કે પંજે’ નાટક લખી નાખ્યું. બાવીસ સપ્ટેમ્બર, 1965ના દિવસે પહેલો શો કરવા માટે ભાઈએ માતુશ્રીનું મંગળસૂત્ર 275 રૂપિયામાં વેચી નાખ્યું. એમાંથી 200 રૂપિયા થિયેટરના ભાડા પેટે ચૂકવ્યા, શોની ટિકિટ છપાવવા 35 રૂપિયા ખર્ચ થયો અને બાકીના 40 રૂપિયા માતુશ્રીને દાણોપાણી ખરીદવા માટે આપી દીધા.

-પણ... પહેલો શો સુપરફ્લોપ. શો પર પડદો પડી જવાની ભીતિ ઊભી થઈ. સદનસીબે શો પૂરો થયા પછી એક સદગૃહસ્થ બેકસ્ટેજમાં આવી શો ચાલુ રાખવા હિંમત અને 500 રૂપિયા આપી ગયા. ઢીલા પડી ગયેલા પગમાં જોર આવી ગયું અને બીજા જ શોથી થિયેટર ભરાવા લાગ્યું. બાવીસ સપ્ટેમ્બર 1965થી 11 ફેબ્રુઆરી 2001 સુધીમાં 27 ભાષામાં 60 દેશમાં દસ હજારથી વધુ શો થયા! એકપાત્રી પરફોર્મન્સના સૌથી લાંબો સમય ચાલનારા પરફોર્મન્સ તરીકે એને ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં સ્થાન મળ્યું.

એક નોંધ અનુસાર 27 વિદેશી ભાષામાં અનુવાદ થયેલું દેશનું આ પ્રથમ નાટક હતું. રસપ્રદ વાત એ પણ છે કે હોલિવૂડ સ્ટાર ડસ્ટિન હોફમેનના ન્યુયોર્કમાં શો થયા હતા એ દરમિયાન જ બબ્બન ખાનના પણ શો થયા હતા. વોશિંગ્ટનના ઓડિટોરિયમમાં માઈકલ જેક્સન અને ફ્રેન્ક સિનાત્રાની સાથે એના ઓટોગ્રાફ્સ નજરે પડે છે. ‘અદ્રક કે પંજે’ પર કાયમ માટે પડદો પાડી દીધા પછી બબ્બન ખાનએ હૈદરાબાદમાં એક્ટિંગ એકેડેમી શરૂ કરી હતી અને દર વર્ષે માત્ર આઠ વિદ્યાર્થીઓને જ એડમિશન આપવામાં આવતું હતું.