Sat Apr 25 2026

Logo

ચોર હંમેશાં ચોર જ રહે છે.. .

1 day ago
Author: Sidharth Chhaya
Article Image

ક્લેપ એન્ડ કટ..! - સિદ્ધાર્થ છાયા

આલિયા ભટ્ટ, ડેવિડ ધવન, જમીલ જમાલીના રોલમાં રાકેશ બેદી,

પાકિસ્તાનની ઈમેજ એક નિષ્ફળ દેશની છે. અરે, આપણે આ ગોસિપ કોલમમાં કોઈ જીઓપોલિટીકલ ચર્ચા નથી શરૂ કરી રહ્યાં, પણ આપણે આ વાત એટલા માટે માંડી છે કે પાકિસ્તાનની એક ફેશન બ્રાંડ ‘વજાયેશા’ એ પોતાની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી. કરી તો કરી, પણ એનાં પ્રમોશનમાં આલિયા ભટ્ટનો ફોટો મૂકી દીધો ! .

ચલો, એનો પણ વાંધો નથી, પણ, ક્ધિતુ, પરંતુ , બટ, તેને ટેગલાઈન આપી કે, આલિયાને પણ અમારું પ્યોર શીશા સિલ્ક કલેક્શન ગમે છે! 

હવે આવું જૂઠ તમે ખુલ્લેઆમ ‘ઇન્સ્ટાગ્રામ’ માં મૂકો અને ભારતવાળા એને ન જોવે એવું બને ખરું? પછી તો સોશ્યલ મીડિયામાં ખણખોદ શરૂ થઈ એમાંથી ખ્યાલ આવ્યો કે આ બધો અઈંનો કમાલ છે. પત્યું, આલિયાનાં ભારતીય ચાહકો તૂટી પડ્યા પેલી પાકિસ્તાની બ્રાંડ પર. 
આલિયા વતી ધમકી પણ આપી દીધી કે, જોજો, અમારી આલિયા તમારા પર કેસ કરશે! હજી સુધી ‘વજાયેશા’ અને આલિયા બંને તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ, એક વાત તો ચોક્કસ છે કે પાકિસ્તાન ભલે નકારાત્મક રહે કે કહે કે  તેમને ભારત કે ભારતીય ફિલ્મો સાથે કોઈ નિસ્બત નથી, પરંતુ તેમને બરાબર ખબર છે કે તેમની બ્રાન્ડ્સ, તેમની પ્રોડક્ટ્સ ભારતીય સ્ટાર્સ જો આ રીતે ‘પ્રમોટ’ કરે તો ધૂમ ચાલે !  જોકે આ પ્રકારની ‘ચોરી’ની તેમને જૂની આદત છે. વર્ષો પહેલાં પણ આપણી ભારતીય ફિલ્મ મેગેઝિન્સ ત્યાં દાણચોરીથી પહોંચતા બ્લેકમાં વેંચાતા અને એમાંથી ભારતીય અભિનેત્રીઓના ફોટાની કોપી કરીને ત્યાંના ઉર્દૂ અખબારોમાં ખુલ્લેઆમ છપાતા..

એ જમાનામાં ઝિન્નત અમાન છપાતી આજે આલિયાનો વારો આવ્યો છે! .

ડાયરેક્ટર નંબર વન રિટાયર થાય છે

ગોવિંદા સાથે પોતાનો પણ સુવર્ણકાળ જોનારા ડાયરેક્ટર ડેવિડ ધવનની નવી ફિલ્મ આવી રહી છે. ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ.’

આ ફિલ્મમાં ડેવિડ પોતાનાં પુત્રને ડાયરેક્ટ કરી રહ્યા છે, પરંતુ આ ફિલ્મ તેમની અંતિમ ફિલ્મ બની રહે તેવો સંકેત પણ ડેવિડ ધવને આપ્યો છે. ફિલ્મનાં પ્રમોશન માટે આપેલાં એક ઇન્ટરવ્યૂમાં ડેવિડ ધવને કહ્યું છે કે હવે એમની તબિયત સારી રહેતી નથી.

આ ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન પણ વારંવાર તેમની તબિયત લથડતી રહેતી,પણ પુત્ર વરુણે સતત સંભાળ રાખી છે... 

 ડેવિડ ધવને એ પણ ઉમેર્યું છે કે ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ એ તેમની અંતિમ ફિલ્મ હશે. એના રિલીઝ થયા બાદ તે હવે ફક્ત વરુણ ધવનના પપ્પા બનીને જ જીવશે.  ડેવિડ ધવન ભલે છેલ્લાં એક દાયકામાં ગણતરીની ફિલ્મ જ આપી શક્યાં હોય, પરંતુ 1990ના અને ત્યારબાદનાં દાયકામાં સમગ્ર ભારતને એકલે હાથે મનોરંજન આપવામાં એ સદાય આગળ રહ્યા છે એ હકીકત છે.  ડેવિડ ધવન, ગોવિંદા અને કાદર ખાન ત્રિપુટીએ કોમેડીનો એક નવો જ પ્રકાર આપણને આપ્યો હતો. ભલે, તેમની મોટાભાગની ફિલ્મ જૂની હિન્દી ફિલ્મોની મોડર્ન રિમેક રહી હોય પરંતુ એમ કરતાં આવડ્યું તો ફક્ત ડેવિડ ધવનને જ! 

હેપ્પી રિટાયર્ડ લાઈફ...ધવન સાહેબ!

પહેલાં ના પાડી હવે રેન્જ રોવર આવી

ફરીથી ‘ધુરંધર’ની વાત કરવી પડે એમ છે, કારણ છે કે આ ફિલ્મે ઘણાં કલાકારોની કિસ્મત બદલી નાખી છે. આ તમામમાં મુખ્ય છે રાકેશ બેદી. ‘ઉરી’માં એક નાનકડો રોલ રાકેશભાઈએ કર્યો હતો, પરતું  તે આદિત્ય ધરથી ખુશ ન હતા.

તેમનાં કહેવા અનુસાર આવા એકાદ-બે સીનથી તેમનું મહત્ત્વ ઓછું થઇ ગયું હતું. પછી એમને આવી ‘ધુરંધર’ની ઓફર. રાકેશ બેદી અગાઉના અનુભવ બાદ આદિત્ય ધર સાથે ફરીથી કામ કરવા નહોતા માગતા, પરંતુ જ્યારે તેમની દીકરી રીતિકાએ આ જાણ્યું તો તેણે પપ્પા રાકેશ બેદી પર રીતસર દબાણ કર્યું. રીતિકાએ પોતાના પપ્પાને સમજાવ્યું કે આ રોલ છોડવા જેવો નથી. તેણે એમ પણ ઉમેર્યું કે આ રીતે અનુભવી કલાકારો ઊગતા ડાયરેક્ટરને ના પાડી દે તો એ લોકો આગળ કેવી રીતે આવશે? રીતિકાએ આદિત્ય ધરની અગાઉની ફિલ્મો પણ જોઈ હતી અને તે તેનાથી ખાસ્સી ઈમ્પ્રેસ થઇ હતી. આ બધી ચર્ચા થઇ પછી આદિત્ય ધર ખુદ રાકેશ બેદીને મળવા આવ્યા અને સીધેસીધું કહી જ દીધું કે, સર , આ રોલ તમારે કરવાનો જ છે અને તમારે જરાય ના પાડવાની જ નથી. તો પછી જે બન્યું એ તો 
ઈતિહાસ છે... 

રાકેશ બેદી હવે ઉમેરે છે કે પહેલા તેમણે જે ફિલ્મને ના પાડી હતી આજે તે ફિલ્મને લીધે જ એ રેન્જ રોવર ખરીદી રહ્યા છે.! 

કટ એન્ડ ઓકે...

8 મે ના દિવસે રિલીઝ થનારી સંજય દત્તની ‘આખરી સવાલ’ સાઈન લેન્ગવેજ સાથે રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની રહેશે.