Sat Apr 25 2026

Logo

શ્રદ્ધા કપૂર હવે પોતાનાથી બાવીસ વર્ષ મોટા અભિનેતા સાથે પ્રણયદૃશ્યો ભજવશે...

1 day ago
Author: Umesh Trivedi
Article Image

મનોરંજનનું મેઘધનુષ - ઉમેશ ત્રિવેદી

હવે આ વાત લગભગ સામાન્ય થઈ ગઈ છે કે હીરો કરતાં હીરોઈન ઉંમરમાં નાની હોય, પણ બોલિવૂડમાં હવે મોટાભાગના હીરો પંચાવનથી મોટી ઉંમરના હોય છે અને તેમને હીરોઈન 20 થી 25 વર્ષની જોઈએ છે. ત્રણેય ખાન ઉપરાંત અક્ષયકુમાર સહિત બધાં જ હીરો મોટી ઉંમરે હજીય મુખ્ય પાત્ર- હીરોની ભૂમિકા ભજવે છે અને તેમની સાથે પ્રણયદૃશ્ય ભજવનારી હીરોઈન બિચ્ચારી... નાની ઉંમરની હોય છે.

આપણે અહીં વાત શ્રદ્ધા કપૂરની કરવાના છીએ. શ્રદ્ધા કપૂર 39 વર્ષની છે અને તેની આગામી ફિલ્મમાં તે આમિર ખાનની પત્નીની ભૂમિકા ભજવવાની છે. આમિર તેનાથી બાવીસ વર્ષ મોટો છે. તે 61 વર્ષનો છે અને તે ‘ભારત પે’ના સ્થાપક અશનૂર ગ્રોવરની ભૂમિકા ભજવવાનો છે. 

આ એક બાયોપીક ફિલ્મ છે. આ ફિલ્મની બીજી મહત્ત્વની વાત એ છે કે ફિલ્મના દિગ્દર્શક રાહુલ મોદીની દિગ્દર્શક તરીકેની આ પહેલી જ ફિલ્મ છે. રાહુલ મોદી સાથે ભૂતકાળમાં શ્રદ્ધા કપૂરનું નામ જોડાઈ ચૂક્યું છે. તે તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ હોવાનું કહેવાય છે. રાહુલે આ અગાઉ ‘પ્યાર કા પંચનામા’ -  ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’  અને ‘તૂ જુઠી મૈં મક્કાર’ જેવી ફિલ્મો લખી છે.

બોલિવૂડના જાણીતા ખલનાયક શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધાએ અભિનયની શરૂઆત 2010થી કરી અને અત્યાર સુધીની 16 વર્ષની કારકિર્દીમાં તેણે માત્ર 25 થી 26 ફિલ્મો જ કરી છે. તેની ફિલ્મોની યાદીમાં સફળ ફિલ્મોની સૂચિ વધારે લાંબી છે, કારણ કે તેણે ક્યારેય આડેધડ ફિલ્મો સ્વીકારી નથી.

શ્રદ્ધાની ગણના અત્યારે બોલિવૂડમાં એક નિપુણ અભિનેત્રી તરીકે તો થાય જ છે, પણ સાથોસાથ તે સૌથી વધારે ‘ફી’ લેનારી જે ગણીગાંઠી અભિનેત્રીઓ છે, તેમાંની એક છે. શ્રદ્ધાએ અત્યાર સુધીમાં દરેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, પણ આ પહેલી જ વાર તે બોયોપીક ફિલ્મમાં ભૂમિકા ભજવી રહી છે.

‘તીન પત્તી’ નામની મલ્ટિસ્ટાર જેવી ફ્લોપ ફિલ્મથી પોતાની કારકિર્દી શરૂ કર્યા પછી શ્રદ્ધાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. ‘તીન પત્તી’માં બેન કિંગ્સ્લે, અમિતાભ બચ્ચન, આર. માધવન, રાઈમા સેન જેવાં કલાકારો હતાં. છતાં એ ફિલ્મ બોક્સ ઓફિસ ગજાવી શકી નહોતી. આ ફિલ્મ રિલીઝ થયાના ત્રણ વર્ષ બાદ શ્રદ્ધા ‘આશિકી-ટુ’માં દેખાઈ હતી.

આદિત્ય રોય કપૂર સાથેની આ ફિલ્મ માત્ર 15 કરોડમાં બની હતી, પણ તેણે રૂા. 109 કરોડની કમાણી કરી દેખાડી અને એ સાથે શ્રદ્ધાને એક કુશળ હીરોઈન તરીકે જામી ગઈ. ત્યાર પછી દર વર્ષે શ્રદ્ધાએ એક એક હીટ ફિલ્મ આપવાનું શરૂ કરી દીધું અને પોતાનું સ્થાન મજબૂત કરતી ગઈ.

એની ‘એક વિલન’માં સિદ્ધાર્થ મલહોત્રા અને રિતેશ દેશમુખ હતા. આ ફિલ્મ માત્ર 40 કરોડમાં બની હતી અને તેણે રૂપિયા 170 કરોડની કમાણી કરી હતી. 2014માં ‘એક વિલન’, 2015માં ‘એબીસીડી-ટુ’ 2016માં ‘બાગી’, 2018માં ‘સ્ત્રી’ પછી શ્રદ્ધાની હીટ ફિલ્મોની સંખ્યા થોડી ઓછી થઈ.

એ પછી વરુણ ધવન સાથેની ‘ભેડિયા’માં તેણે એક ‘આઈટમ સોંગ’ માત્ર કર્યું, પણ સફળ ફિલ્મ સાથે તેનું નામ સંકળાયું. આટલા વર્ષની કારકિર્દી દરમિયાન દર વર્ષે તેની બે કે ત્રણ ફિલ્મ રિલીઝ થઈ હતી, પણ હવે તે દર વર્ષે માંડ એકાદ ફિલ્મમાં દેખાય છે. તેમાંય 2023માં ‘તું જુઠી મૈં મક્કાર’ ઠીક ઠીક સફળ  સાબિત થઈ અને છેલ્લે તે સુફરડુપર હીટ ફિલ્મ ‘સ્ત્રી-ટુ’માં દેખાઈ હતી.

પિતા શક્તિ ક્પૂર અને પદમિની - તેજસ્વીની કોલ્હાપુરેની બહેન શિવાંગી એ તેની માતા છે. લતા મંગેશકર, આશા ભોસલેના કુટુંબ સાથે તે જોડાયેલી છે અને તેણે પણ ગાયકીની તાલીમ લીધી છે.      

શ્રદ્ધા ભૂમિકા માટે જબરી મહેનત કરતા જરાય અચકાતી નથી. ટાઈગર શ્રોફ સાથેની ‘બાગી’ ફિલ્મ માટે તેણે ‘કલારાઈપટ્ટુ’ નામના માર્શલ આર્ટસની તાલીમ લીધી હતી અને આ ફિલ્મમાંના મોટા ભાગના એકશન દૃશ્યો તેણે પોતે જ ભજવ્યા હતા.

આમ તો શ્રદ્ધાની અભિનયની કારકિર્દીની શરૂઆત ખૂબ જ ધમાકેદાર થવાની હતી, પણ પિતા શક્તિ કપૂર તેમાં ‘વિલન’ બન્યા હતા. સલમાન ખાને તેની ફિલ્મ ‘લકી: નો ટાઈમ ફોર લવ’ માટે તેનો સંપર્ક કર્યો હતો. પણ એ વખતે શ્રદ્ધાની ઉંમર માત્ર 16 જ વર્ષની હતી. પછી લગભગ સાત વર્ષ બાદ એટલે કે તે 23 વર્ષની થઈ ત્યારે 2010માં તેની પહેલી ફિલ્મ ‘તીન પત્તી’ રિલીઝ થઈ હતી.

નાનપણમાં શ્રદ્ધા તેના પિતા શક્તિ કપૂરની ફિલ્મોના શૂટિંગમાં જતી હતી. શક્તિ કપૂરે ડેવિડ ધવનની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ડેવિડ ધવનનો પુત્ર વરુણ પણ ત્યારે નાનો હતો. તેથી શ્રદ્ધા અને વરુણ વચ્ચે સારી મિત્રતા થઈ હતી તે સમયે શ્રદ્ધા અને વરુણ ફિલ્મના સેટ પર ગોવિંદાનાં ગીતો પર ડાન્સ કરીને ત્યાં હાજર કલાકારોનું મનોરંજન કરતા હતા.

આમ નાનપણથી જ ફિલ્મી દુનિયામાં ડગ માંડનારી આ અભિનેત્રીએ ભલે બાળ કલાકાર તરીકે અભિનય નથી કર્યો, પણ સમજણી થયાં પછી માત્ર બે-ત્રણ અપવાદને બાદ કરતાં તેણે અનેક સફળ ફિલ્મોમાં અભિનય કરીને બોલિવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

પચીસ એપ્રિલથી પહેલી મે દરમિયાન જોવા મળશે અનિલ કપૂર, સૈફ અલી ખાન અને હોલિવૂડની ચાર્લીઝે થેરોનની ફિલ્મ અને સીરિઝ

OTTનું હોટસ્પોટ

આપણું અઠવાડિયું શનિવારથી શરૂ  થાય છે, પણ એ પહેલાં આજે એટલે કે 24 એપ્રિલથી અનિલ કપૂર ઓટીટી પર ફરી એકવાર ત્રાટકવા માટે તૈયાર છે. 

‘જિયો હોટસ્ટાર’ ચેનલ પર અલિલ કપૂર અભિનીત ‘24’ની ત્રીજી સીઝન શરૂ થઈ રહી છે. અનિલ કપૂરની ‘24’ નામની સીરિઝની બીજી સીઝન 2016માં રિલીઝ થઈ હતી. આજે 10 વર્ષ બાદ તે ફરી એકવાર જયસિંહ રાઠોડની ભૂમિકામાં 
દેખાશે.

અભિનય દેવ દિગ્દર્શિત આ સીરિઝમાં સાક્ષી તન્વર, સુરવીન ચાવલા, સિકંદર ખેર, સુધાંશુ પાંડે, અમૃતા ખાનવિલકર અને આશિષ વિદ્યાર્થીની મુખ્ય ભૂમિકા છે.

* નેટફિલક્સ:

 આ ઓટીટી પ્લેટ્ફોર્મ  પર આજે 24 એપ્રિલે હોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી ચાર્લીઝે થેરોનની ક્રાઈમ થ્રીલર સીરિઝ ‘એપેક્સ’નું પ્રસારણ શરૂ થઈ રહ્યું છે. તો 25 એપ્રિલે સૈફ અલી ખાન અભિનીત ‘જવેલ થીફ: ધ હેઈસ્ટ બિગીન્સ’નું પણ પ્રસારણ શરૂ થશે. 
25 એપ્રિલે જ આ ચેનલ પર હેવોક, વીક હીરો કલાસ ટુ’ જેવી સીરિઝ રજૂ થશે. તો 30 એપ્રિલે ‘ધ ફિયાસ્કો’ નામની કોમેડી સીરિઝની શરૂઆત થશે અને પહેલી મેના દિવસે એનિમેટેડ કોમેડી સીરિઝ ‘સ્વેપ્ડ’નું પ્રસારણ થશે.

* ઝી ફાઈવ: 

અહીં આજે (24 એપ્રિલે) ‘બેન્ડ મેલમ’ નામની રોમાન્ટિક કોમેડી મ્યુઝિકલ ડ્રામા સીરિઝની શરૂઆતથશે.