Sat Apr 25 2026

Logo

મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ગોસિપ કેપિટલ

1 day ago
Author: D. J. Nandan
Article Image

ટૂંકું ને ટચ - ડી.જે. નંદન

બોલિવૂડ માત્ર એક ફિલ્મ નગરી જ નથી, પરંતુ એક જીવંત, સામાજિક અને સાંસ્કૃતિક વિશ્ર્વ પણ છે. જ્યાં પરદા કરતાં એની પાછળની સ્ટોરી વધુ દિલચસ્પ હોય છે. આ જ કારણ છે કે અન્ય ફિલ્મ નગરીને ‘ગોસિપ કેપિટલ’નો દરજ્જો નથી મળ્યો. વાસ્તવમાં માયા નગરી મુંબઈ રહસ્ય, સંબંધો અને રોમાંચની એક દુનિયા છે, જેમાં સ્ટાર્સની લાઇફ, તેમના રિલેશનશિપ્સ, તેમનાં વિવાદ, તેમની સફળતા અને અસફળતા જાણવામાં લોકોને વધુ રસ હોય છે. તો સવાલ એ થાય છે કે કેમ અન્ય કોઈ ઇન્ડસ્ટ્રી નહીં ને મુંબઈનું બોલિવૂડ ‘ગોસિપ કેપિટલ’ શા માટે કહેવાય છે?

એનું મુખ્ય કારણ છે મુંબઈનું સેલિબ્રિટી કલ્ચર. ભારતમાં ફિલ્મી કલાકારોને માત્ર એક્ટર નહીં, પરંતુ લોકો પોતાના આદર્શ માને છે. અમિતાભ બચ્ચનથી માંડીને શાહરુખ ખાન, રણબીર કપૂરથી લઈને રણવીર સિંહ સુધીના તમામ સિતારાઓની લાઇફ, તેમનાં રિલેશન્સ, તેમની લાઇફ સાથે જોડાયેલી દરેક નાની-નાની વાતો લોકોને સાંભળવી ગમે છે. પછી ભલે એ સાચી હોય કે માત્ર અફવા હોય. 

અગાઉ તો માત્ર મૅગેઝિન અને અખબારોમાં તેમનાં વિશેની ગોસિપ વાંચવા મળતી હતી. હવે તો સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે વાત આગની જેમ ફેલાઈ જાય છે. લોકો માટે ખૂસુરપૂસુર કરવાનું એક માધ્યમ બની જાય છે. એથી ગોસિપનો માહોલ બની જાય છે. 

બોલિવૂડમાં અમિતાભ બચ્ચન અને રેખાનું અફેર જગજાહેર હતું. બન્નેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની જોડી પણ હિટ રહી છે. જોકે બન્નેએ કદી પણ પોતાનાં રિલેશન પર મહોર નહોતી લગાવી. આજે પણ ગોસિપમાં તેમના રિલેશન ચર્ચાનો વિષય રહે છે. 

આવી જ એક જોડી હતી સલમાન ખાન અને ઐશ્ર્વર્યા રાયની. ‘હમ દિલ દે ચુકે સનમ’ના શૂટિંગ દરમિયાન બન્ને વચ્ચે નિકટતા વધી. આ નિકટતા પ્રેમમાં પરિણમી, પરંતુ તેમનાં સંબંધો આગળ વધી શક્યા નહીં. તેમનાં રિલેશનનો અંત પણ વિવાદાસ્પદ રહ્યો. 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ નામ છે હૃતિક રોશન અને કંગના રનોટનું. આ બન્નેનાં રિલેશન પણ વર્ષોથી ગોસિપનો ભાગ રહ્યા છે. તેમનું પ્રકરણ તો એટલું ગાજ્યું કે કોર્ટ સુધી પહોંચી ગયું હતું. બન્ને વચ્ચે થયેલી ઇ-મેલની આપ-લે, ઇન્ટરવ્યૂ અને સાર્વજનિકરૂપે કરવામાં આવેલા આરોપ-પ્રત્યારોપથી માત્ર ને માત્ર તેમણે બદનામી વહોરી લીધી હતી. 

આ તો થઈ સ્ટાર્સના અફેર્સની વાત. બોલિવૂડમાં નેપોટિઝમ એટલે કે પરિવારવાદ પણ હંમેશાંથી ચર્ચાનો વિષય રહ્યો છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન, જાહ્નવી કપૂર, અનન્યા પાન્ડે, સારા અલી ખાન એવા સ્ટાર્સ છે કે જો તેઓ સ્ટારકિડ્સ ન હોત તો કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના સિક્કા ન ઉછળ્યા હોત. આ જ કારણ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી નેપોટિઝમમાં ગળાડૂબ ફસાયેલી છે. 

આ બધામાં દીપિકા પાદુકોણ- રણવીર સિંહનું દાંપત્ય જીવન અને કરિયર લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છે. તો બીજી તરફ, કાર્તિક આર્યનના નવા રિલેશન્સ, નવા સ્ટાર કિડ્સ તરીકે સુહાના ખાનની એન્ટ્રી વગેરે ગોસિપનું કેન્દ્ર બન્યાં છે. 

ગોસિપમાં હંમેશાં એક કથા છુપાયેલી હોય છે, જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ કથા હકીકત નથી હોતી, તો પણ લોકોને એ સાંભળવી ગમે છે.