Sat Apr 25 2026

Logo

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિંદુઓને બકવાસ સલાહઃ 4 બાળકો પેદા કરો ને તેમાંથી એક બાળક............

1 hour ago
Author: Mayur Kumar
Article Image

નાગપુરઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું હતું. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિંદુઓને બકવાસ સલાહ આપતાં કહ્યું, 4 બાળકો પેદા કરો પરંતુ તેમાંથી એક બાળક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આપી દો. તેમણે સંઘ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું.

નાગપુરમાં ભારત દુર્ગા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ આરએસએસના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, જ્યારે દેશમાં કોઈ સંકટ આવે છે ત્યારે સંઘના સ્વયંસેવક સૌથી પહેલા સેવા માટે પહોંચી જાય છે અને બીજાના જીવ બચાવવાનું કામ કરે છે. આ દરમિયાન તેમણે એક અપલી કરતા કહ્યું, ચાર બાળકો પેદા કરો, જેથી એક રાષ્ટ્ર સેવા માટે તૈયાર થઈ શકે અને સમાજ સેવાના કામમાં આવી શકે. આરએસએસના મોહન ભાગવત, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ,  કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત અનેક સાધુ સંતોની હાજરીમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજને લઈ પણ આપ્યું નિવેદન

આ ઉપરાંત ધીરેન્દ્ર શાસ્ત્રીએ છત્રપતિ શિવાજી મહારાજને લઈ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધ કરતા કરતા થાકી જતા હતા. જે બાદ દાવો કરતાં કહ્યું, તેઓ સમર્થ રામદાસ સ્વામી પાસે ગયા અને કહ્યું કે,  હવે યુદ્ધ કરવા નથી માંગતા અને મુગટ તથા સત્તા સોંપવા માંગે છે. જેના પર રામદાસ સ્વામીએ કહ્યું કે, શિષ્યનું કર્તવ્ય ગુરુના આદેશોનું પાલન કરવાનું હોય છે, તેથી સત્તા તમે જ સંભાળો.

આ ઉપરાંત તેમણે આગળ કહ્યું કે, ભારતની સંસ્કૃતિ, શક્તિ અને આધ્યાત્મિકતાને મજબૂત કરવાની જરૂર છે. તેમણે ભારતને અખંડ અને મહાન બનાવવાની વાત કરીને ધાર્મિક પ્રતીકો તથા શક્તિની ઉપાસનાનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર બાળકો પેદા કરવાનું પહેલા પણ નિવેદન આપી ચુક્યા છે, પરંતુ તેમના તાજેતરના નિવેદનથી રાજનીતિ ગરમાઈ શકે છે.

કોણ છે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મૂળ મધ્યપ્રદેશના છે. એવું કહેવાય છે કે બાગેશ્વર ધામ સરકારના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીના સાક્ષાત દર્શન થયા છે. તેમના ચમત્કારોના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વભરમાં જાણીતા છે. તે પોતાના ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ ચિઠ્ઠી દ્વારા કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત બાગેશ્વર ધામમાં અરજી કરે છે તેમની તમામ સમસ્યાનું સમાધાન ધીરેન્દ્ર શાસ્ત્રી એક કાગળ પર લખીને આપે છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પ્રખ્યાત અને પ્રાચીન ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ સરકારના વડા છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો અહીં દર્શન માટે આવે છે અને પોતાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરે છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રખ્યાત કથા પણકાર છે અને દિવ્ય દરબાર પણ ભરે છે. પેઢી દર પેઢી બાગેશ્વર ધામમાં પ્રખ્યાત સંતો દરબાર કરતા આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા તેમના દાદા ભગવાનદાસ ગર્ગ અહીં દરબાર લગાવતા હતા. 

જો કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ વિવાદોથી પણ ઘેરાયેલા રહે છે. ઘણા લોકો તેના ઉપાયને ચમત્કાર કહે છે તો કેટલાક તેને અંધશ્રદ્ધા કહે છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીમાં લાખો ભક્તોને અપાર શ્રદ્ધા છે એ વાતને નકારી શકાય નહીં.