(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ચિમ)માં શાસ્ત્રી નગરમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં શુક્રવારે સવારના લાગેલી આગમાં એક બિલાડીના બચ્ચાનું મૃત્યુ થયું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે પશ્ર્ચિમમાં શાસ્ત્રી નગરમાં ભોઈર કમ્પાઉન્ડમાં ભોઈર ચાલ આવેલી છે. શુક્રવારે સવારના ૧૦.૪૩ વાગે ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં ઘરના પહેલા માળા પર અચાનક ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના એક ફાયર એન્જિન અને બે રેસ્ક્યુ વાહન પહોંચી ગયા હતા.
જે ઘરમાં આગ લાગી તેમાં એક જ પરિવારના ચાર સભ્ય રહે છે. સવારના આગ લાગી ત્યારે ઘરના ત્રણ સભ્ય કામ નિમિત્તે બહાર ગયા હતા અને એ સમયે ફક્ત એક મહિલા ઘરમાં હાજર હતી.
આગ લાગવાને કારણે ઘરમાં રહેલો કબાટ, ટીવી, લાકડાના સોફા, ગાદલા, ઘરના કપડા, સામાન, ઈલેક્ટ્રિક વાહન સહિતને નુકસાન થયું હતું. એ સાથે જ આગમાં ઘરમાં રહેલા બિલાડીના બચ્ચાનું પણ મૃત્યુ થયું હતું. આગને કારણે ઘરની છતના લોખંડના પતરા પણ તૂટી ગયા હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.