(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કહ્યું હતું કે જો રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી (આપ)ના છ અન્ય રાજ્યસભા સભ્યોએ પાર્ટી છોડી ન હોત જો તેઓ ‘સાચા’ માર્ગે ચાલ્યા હોત. ‘લોકશાહીમાં દરેકને પોતાનો અભિપ્રાય રાખવાનો અધિકાર છે. તેમને (ચઢ્ઢા અને અન્ય) કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે, જેને કારણે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા,’ એમ હજારેએ શુક્રવારે મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું.
આપના રાજ્યસભા સભ્યો રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે શુક્રવારે દિલ્હીમાં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી, જેમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી.
ચઢ્ઢાએ દાવો કર્યો કે આપના લગભગ બે તૃતીયાંશ રાજ્યસભા સભ્યોએ પાર્ટી છોડી દીધી છે અને એક અલગ જૂથ તરીકે કાર્ય કરશે.
‘તે તેમની (આપ નેતૃત્વ) ભૂલ છે. જો તે પાર્ટી યોગ્ય માર્ગે ચાલતી હોત તો તેઓ ત્યાંથી ન ગયા હોત,’ એમ હજારેએ કહ્યું હતું. હજારેએ પુનરોચ્ચાર કર્યો હતો કે ચઢ્ઢા અને અન્ય લોકોએ આપમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે, અને તેથી જ તેઓ પાર્ટી છોડી ગયા. ‘જો પાર્ટી સાચી દિશામાં ગઈ હોત, તો તેઓ પાર્ટી છોડ્યા ન હોત,’ એમ તેમણે ઉમેર્યું હતું.
‘કોઈને કોઈ કારણ હોવું જોઈએ (તેમના આપ છોડવાનું). લોકશાહીમાં, દરેક વ્યક્તિનો પોતાનો મત હોય છે કે ક્યાં રહેવું અને ક્યાં જવું,’ એમ હજારેએ કહ્યું હતું.