Sat Apr 25 2026

Logo

વાઢવાણ બંદર: પાલઘર વહીવટીતંત્રે 62 હેક્ટર જમીન સંપાદિત કરી: 2,300 કરોડ રૂપિયાનું રાહત પેકેજ

1 hour ago
Author: Vipul Vaidya
Article Image

પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા વહીવટીતંત્રે શનિવારે એવી જાહેરાત કરી હતી કે તેમણે વાઢવાણ બંદર પ્રોજેક્ટ માટે 62 હેક્ટર જમીન સંપાદિત કરી છે અને અત્યાર સુધીમાં 261 જમીનધારકોને વળતરનું વિતરણ કર્યું છે.
એક સત્તાવાર પ્રકાશનમાં વહીવટીતંત્રે જણાવ્યું હતું કે પ્રોજેક્ટથી પ્રભાવિત લગભગ 10,000 જમીનધારકોને લાભ આપવા માટે 2,300 કરોડ રૂપિયાના પેકેજને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

સરકાર ‘ગોલા સર્વે’ (બ્લોક સર્વે) મુદ્દાઓના ઉકેલને પ્રાથમિકતા આપી રહી છે, જેના કારણે ઐતિહાસિક રીતે વળતર વિતરણમાં વિલંબ થયો છે, એમ તેમાં જણાવાયું છે. જિલ્લા વહીવટીતંત્રે ડીપ-ડ્રાફ્ટ, ઓલ-વેધર ગ્રીનફિલ્ડ પોર્ટ માટે 62 હેક્ટર (153.2 એકર) જમીન સંપાદિત કરી છે, એમ તેમાં જણાવવામાં આવ્યું છે. 

અધિકારીઓએ ખેડૂતો અને વેપારીઓને મધ્યસ્થીઓનો શિકાર ન બનવાની ચેતવણી પણ આપી છે. ‘વળતર વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે અને કોઈ અલગ કમિશન કે ફીની જરૂર નથી. દસ્તાવેજ સબમિટ કર્યા પછી રકમ સીધી સંબંધિત વ્યક્તિઓના વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરવામાં આવશે,’ એમ પણ પ્રકાશનમાં જણાવાયું છે.

સીધા વળતર ઉપરાંત, વારસદારની નોંધણી માટે દહાણુ અને પાલઘરમાં 20 ખાસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે 350 વારસાના કેસોનું સમાધાન થયું હતું, એમ કલેક્ટર ઇન્દુ રાણી જાખડ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે.

વહીવટની ઝડપી પ્રક્રિયા સુનિશ્ર્ચિત કરવા માટે વહીવટીતંત્રે તમામ અસરગ્રસ્ત નાગરિકોને આગામી સોમવાર સુધીમાં જમીન સંપાદન અધિકારી અથવા તેમની સંબંધિત તલાટી કચેરીઓમાં તેમના દસ્તાવેજો સબમિટ કરવા અપીલ કરી છે.