Sat Apr 25 2026

Logo

હરભજને જાહેરખબરમાં `થપ્પડ' શબ્દ વાપર્યો એટલે શ્રીસાન્તનો પિત્તો ગયોઃ જાણો ઇન્ટરવ્યૂમાં શું કહ્યું...

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ભારતનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને આઇપીએલમાં મુંબઈ, ચેન્નઈ તથા કોલકાતા વતી રમી ચૂકેલો હરભજન સિંહ શુક્રવારથી રાજકીય કારણસર ચર્ચામાં છે, પણ તેણે તાજેતરમાં જે એક જાહેરખબરમાં બૂમ પાડીને જે વિધાન કહ્યું હતું એ પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે અને એ વિધાન ચગી જતાં એસ. શ્રીસાન્તે પણ આ વિષયમાં ઝંપલાવવાનો મોકો નથી છોડ્યો.

હરભજન શું બોલ્યો?

હરભજન સિંહ (Harbhajan Singh) બીજા કેટલાક સાંસદો સાથે મળીને આમ આદમી પાર્ટી (આપ) છોડીને ભાજપમાં જોડાઈ ગયો છે. ભારતના આ ભૂતપૂર્વ ઑફ-સ્પિનરને તાજેતરમાં એક ઍડ (Ad)માં ભજ્જીને ઇલેકટ્રોનિક્સની કેટલીક ચીજોને ફટકારીને એને એની જગ્યાએ ફિક્સ કરવાનો પ્રયત્ન કરી રહેલા કેટલાક લોકોને બૂમ પાડીને એવું કહેતો બતાવવામાં આવ્યો છે કે `સહી સે થપ્પડ લગાઓ, સબ ઠીક હો જાતા હૈ.'

2008માં શું બનેલું?

ભજ્જીના મોઢે `થપ્પડ' શબ્દ સાંભળવામાં આવે એટલે 18 વર્ષ પહેલાંનો શ્રીસાન્ત (SREESANTH) સાથેનો તેનો `સ્લૅપગેટ' કિસ્સો તરત ચર્ચામાં આવી જતો હોય છે અને આ વખતે પણ એવું બન્યું છે. 2008ની પ્રથમ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના બોલર શ્રીસાન્તે મુંબઈ ઇન્ડિયન્સના હરભજન સિંહ વિશે કંઈક ટિપ્પણી કરી હતી જેને પગલે હરભજને તેને તમાચો મારી દીધો હતો. હરભજન સિંહે માફી માગી હતી, પણ તેને એ સીઝનની બહાર કરવામાં આવ્યો હતો.

શ્રીસાન્તનો આક્ષેપ

ગયા વર્ષે આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ ભજ્જી-શ્રીસાન્તના થપ્પડવાળા કિસ્સાનો વીડિયો વાઇરલ કર્યો એટલે એ ઘટના સોશ્યલ મીડિયામાં ફરી ચગી હતી. જોકે કેટલાક અહેવાલો અનુસાર તાજેતરની ભજજીની ઍડમાં જે ટિપ્પણી છે એ વિશે પૂછાતાં શ્રીસાન્તે કહ્યું આક્ષેપ કરતા કહ્યું છે કે તે (ભજ્જી) 2008ની ઘટના પર કમાણી કરી રહ્યો છે.

શ્રીસાન્તે શું પ્રતિક્રિયા આપી?

ઇન્સ્ટાગ્રામ પર હરભજનને બ્લૉક કરી દેનાર શ્રીસાન્તે એક જાણીતા મલયાલમ અખબારના પત્રકારને કહ્યું, `હું ભજજી વિશે ક્યારેય કોઈ ઇન્ટરવ્યૂમાં 2008ની એ ઘટના બાબતમાં બોલ્યો નથી. આ વખતે પહેલી જ વાર બોલું છું. અત્યાર સુધી કોઈ પ્રૉબ્લેમ નહોતો, પણ તાજેતરમાં તેણે ફરી એક વખત ઍડ બનાવી છે. એના દ્વારા તેણે 80 લાખથી એક કરોડ રૂપિયા બનાવ્યા અને પછી એના પર સ્ટોરી મૂકવાનું મને કહ્યું. મેં તેને કહ્યું કે હું કોઈ પણ વ્યક્તિને માફ કરી શકું, પણ તેને ક્યારેય (મારી સાથે ખોટું કરનારને) ભૂલું નહીં.'

શ્રીસાન્તે આ જ સંબંધમાં વધુમાં કહ્યું, `મને મારા માતા-પિતાએ શીખવ્યું છે કે કોઈને માફ કરી દેવો, પણ તેણે જે કર્યું હોય એ બદલ તેને ભૂલવો તો નહીં જ. જો ભૂલી જવામાં આવે તો એ વ્યક્તિ એવું ફરી કરતી હોય છે. તે (ભજ્જી) એનું સૌથી મોટું ઉદાહરણ છે. એમાં કોઈ શંકા નથી. હું તેને ભાઈ કહીને બોલાવતો હતો, પણ હવે એ વ્યક્તિ સાથે મારે કોઈ સંબંધ નથી. તે અશ્વિન સાથેના ઇન્ટરવ્યૂ સહિત ઘણી મુલાકાતોમાં તે મારી દીકરી વિશે બોલી ચૂક્યો છે. ઘણા લોકો માટે તે (ભજ્જી) ગે્રટ હશે, પણ મારી સાથે તેણે જે કર્યું છે એને હું ક્યારેય નહીં સ્વીકારું.'