Sat Apr 25 2026

Logo

પંજાબ હજી સુધી અપરાજિત છે, આજે દિલ્હી પહેલી હાર જોવડાવશે?

5 hours ago
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હી: પંજાબ કિંગ્સ (PBKS) આ વખતની આઈપીએલમાં હજી પણ અપરાજિત રહેલી એકમાત્ર ટીમ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ (DC) છમાંથી ત્રણ મૅચ જીતી છે તથા ત્રણ મૅચમાં પરાજિત થઈ છે અને આજે (બપોરે 3:30 વાગ્યાથી) દિલ્હી (DELHI)ના ફિરોજશા કોટલા મેદાન પર આ જ બે ટીમ વચ્ચે ટક્કર છે.

અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હીની ટીમ ઘાયલ છે, કારણકે છેલ્લી ચારમાંથી ત્રણ મૅચમાં આ ટીમનો પરાજય થયો છે. છેલ્લા ચાર મુકાબલામાં બેંગ્લૂરુ સામેની જીત બાદ કરતા ગુજરાત, ચેન્નઈ અને હૈદરાબાદ સામે હારનાર દિલ્હીની ટીમને આજે જીતીને ચોથા કે પાંચમા સ્થાને આવવાનો સારો મોકો છે.

બ્રિટનનો સ્પિનર રેહાન અહમદ દિલ્હીની ટીમ સાથે જોડાઈ ગયો છે. ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક હજી આવતા અઠવાડિયે દિલ્હીની ટીમમાં જોડાશે, પરંતુ 18મી એપ્રિલે આરસીબીને એના જ ગઢ બેંગ્લૂરુમાં હરાવીને દિલ્હીએ જે શક્તિનું પ્રદર્શન કર્યું હતું એના પરથી બોધ લઈને દિલ્હી આજે ઘરઆંગણે પંજાબને હરાવી શકે.

દિલ્હીની ટીમ શરૂઆતમાં બૅક-ટૂ-બૅક જીત બાદ નબળી પડતી જોવા મળી છે. કે. એલ. રાહુલ ફોર્મમાં આવી રહ્યો છે, પરંતુ ઓપનર પથુમ નિસાંકાનો પર્ફોર્મન્સ મિશ્ર રહ્યો છે. બૅટ્સમૅન સમીર રિઝવી પહેલી બંને મૅચમાં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. જોકે ત્યાર બાદ તે સારું નથી રમ્યો. નીતીશ રાણા પણ અપેક્ષા જેવું ઑલરાઉન્ડ પર્ફોર્મ નથી કરી શક્યો. બોલિંગમાં લૂન્ગી એન્ગીડી હાલમાં મિચલ સ્ટાર્કની ખોટ નથી વર્તાવા દેતો, પરંતુ મુખ્ય બે સ્પિનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સાત મૅચમાં કુલ મળીને માત્ર 10 વિકેટ લઈ શક્યા છે જે ટીમ માટે મોટી ચિંતા છે.

બીજી તરફ, પંજાબ માટે બધું સારું જ બની રહ્યું છે. 11 પોઇન્ટ સાથે મોખરે રહેલી આ ટીમ જ્યાં સ્પર્શ કરે છે એ જાણે સોનું બની જાય છે. શ્રેયસ ઐયરના સુકાનમાં આ ટીમ 200-પ્લસનો લક્ષ્યાંક આસાનીથી ચેઝ કરી શકે છે અને લેફ્ટ આર્મ પેસ બોલર અર્શદીપ સિંહ અસલ ફોર્મમાં આવી રહ્યો છે.

હેડ-ટૂ-હેડ મુકાબલામાં સરખો હિસાબ

દિલ્હી અને પંજાબની ટીમ આમને સામને 34 મૅચ રમી છે જેમાંથી તેમનો 17-17 જીતનો એકસરખો રેકૉર્ડ છે. દિલ્હીના મેદાન પર પણ બંને ટીમ સામસામે છ-છ મૅચ જીતી છે અને 2023થી અત્યાર સુધીમાં પણ બંને ટીમે એકમેક સામે બે-બે વિજય મેળવ્યા છે.

બંનેની સંભવિત ટીમ 

દિલ્હી: અક્ષર પટેલ (કેપ્ટન), પથુમ નિસાંકા, કે. એલ. રાહુલ (વિકેટકીપર), નીતીશ રાણા, સમીર રિઝવી, ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, આશુતોષ શર્મા,  કુલદીપ યાદવ, લૂન્ગી એંગિડી, મુકેશ કુમાર અને (12મો પ્લેયર) ટી. નટરાજન

પંજાબ: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કૉનોલી, માર્કસ સ્ટોઇનિસ, નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કો યેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને (12મો પ્લેયર) વિજયકુમાર વૈશાક

આજની બીજી મૅચ

રાજસ્થાન વિરુદ્ધ હૈદરાબાદ
જયપુર, સાંજે 7:30 વાગ્યાથી