Sat Apr 25 2026

Logo

સુદર્શનની સેન્ચુરી પાણીમાં, કોહલીનો 800 ચોગ્ગા અને 300 છગ્ગાનો વિક્રમ

17 hours ago
Author: Ajay Motiwala
Article Image

IPL


બેંગ્લૂરુએ ગુજરાતને પાંચ વિકેટથી હરાવ્યું

બેંગ્લૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ શુક્રવારે અહીં ગુજરાત ટાઇટન્સ (GT)ને સાત બૉલ બાકી રાખીને પાંચ વિકેટના તફાવતથી પરાજિત કરવાની સાથે ટૉપ-ઑર્ડરમાં સ્થાન મજબૂત કરી લીધું હતું. પંજાબ (11 પૉઇન્ટ) પ્રથમ સ્થાને, બેંગ્લૂરુ (10 પૉઇન્ટ) બીજા સ્થાને અને રાજસ્થાન (10 પૉઇન્ટ) ત્રીજા સ્થાને છે. રનરેટના નજીવા તફાવતને લીધે બેંગ્લૂરુથી રાજસ્થાન પાછળ છે. ગુજરાત સાતમા ક્રમે છે.

શુક્રવારે ગુજરાતે ત્રણ વિકેટે 205 રન કર્યા બાદ બેંગ્લૂરુની ટીમ 18.5 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 206 રન કરી લીધા હતા. વિરાટ કોહલી (81 રન, 44 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) આ મૅચનો હીરો હતો. તે આઇપીએલમાં એક જ ફ્રૅન્ચાઇઝી (RCB) વતી 300 સિક્સર ફટકારનાર આ ટૂર્નામેન્ટના 19 વર્ષના ઇતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે. તે આઇપીએલમાં કુલ 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ પ્લેયર પણ બન્યો છે.

IPL
કોહલી (Kohli) અને દેવદત્ત પડિક્કલ (પંચાવન રન, 27 બૉલ, છ સિક્સર, બે ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 115 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. કૃણાલ પંડ્યા 23 રને અને ટિમ ડેવિડ 10 રને અણનમ રહ્યા હતા. ગુજરાતના રાશીદ ખાનને બે તેમ જ મોહમ્મદ સિરાજ, જેસન હોલ્ડર અને માનવ સુથારને એક-એક વિકેટ મળી હતી.

આ વખતે પહેલી જ વખત રમાડવામાં આવેલા બેંગ્લૂરુનો જેકબ બેથેલ 14 રન, કૅપ્ટન પાટીદાર આઠ રન અને વિકેટકીપર જિતેશ શર્મા ફક્ત 10 રન કરી શક્યો હતો.

GT IPL

સાઇ સીઝનનો પાંચમો સેન્ચુરિયન

એ પહેલાં, ગુજરાતે બેંગ્લૂરુને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતે બૅટિંગ મળ્યા બાદ ઓપનર સાઇ સુદર્શન (100 રન, 57 બૉલ, પાંચ સિક્સર, દસ ફોર)ની ફાંકડી સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 205 રન બનાવ્યા. સુદર્શન (SUDARSHAN) આ વખતની સીઝનનો પાંચમો સેન્ચુરિયન બન્યો. સીઝનમાં કુલ છ સદી નોંધાઈ છે જેમાંથી બે સૅમસને ફટકારી છે. છેલ્લા પાંચ દિવસમાં ચાર ખેલાડીની સદી જોવા મળી. સુદર્શન સેન્ચુરી પૂરી કર્યા બાદ બરાબર 100 રનના સ્કોર પર હૅઝલવૂડને જ કૅચ આપી બેઠો હતો. સુદર્શન અને કૅપ્ટન ગિલ (32 રન) વચ્ચે 128 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થયા બાદ સુદર્શને બટલર સાથે 32 રનની ભાગીદારી કરી હતી.આ વખતે પહેલી જ વખત રમી રહેલા જેસન હોલ્ડરે (23 અણનમ, 10 બૉલ, બે સિક્સર, એક ફોર) ગુજરાતને 200 રન સુધી પહોંચાડ્યા બાદ એ જાદુઈ આંકડો પાર પણ કરાવી આપ્યો હતો. 20મી ઓવર સ્પિનર કૃણાલ પંડ્યાને અપાઈ હતી જેમાં હોલ્ડરે બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 18 રન કર્યા હતા. હોલ્ડર સાથે વૉશિંગ્ટન સુંદર 19 રને અણનમ રહ્યો હતો.

સાત કરોડવાળા હોલ્ડરની પ્રથમ મૅચ

બેંગ્લૂરુના કૅપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. તેની ટીમમાં ફિલ સૉલ્ટ ઈજાગ્રસ્ત હોવાથી નહોતો રમ્યો અને જૅકબ બેથેલને તેના સ્થાને રમવાની તક અપાઈ હતી. ગુજરાતની ટીમે સાત કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા કૅરિબિયન ઑલરાઉન્ડર જેસન હોલ્ડરને આ વખતે પહેલી વખત રમવાનો મોકો આપ્યો હતો અને તેણે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની સારી ઝલક આપી હતી. તેણે અણનમ 23 રન કરવા ઉપરાંત એક વિકેટ લીધી હતી.  તેના ઉપરાંત માનવ સુથારને પણ ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ પર સ્પિનર્સને બહુ ટર્ન નહીં મળે એવી સંભાવના વચ્ચે પિચ બૅટિંગ માટે વધુ અનુકૂળ હોવાને કારણે આ મૅચ થોડી હાઈ-સ્કોરિંગ થવાની સંભાવના હતી અને એવું જોવા મળ્યું હતું.

શનિવારે કઈ બે મૅચ?

દિલ્હી વિરુદ્ધ પંજાબ
દિલ્હીમાં, બપોરે 3.30

રાજસ્થાન વિરુદ્ધ હૈદરાબાદ
જયપુરમાં, સાંજે 7.30