Sat Apr 25 2026

Logo
IPL 2026:

દિલ્હીએ પંજાબ સામે પંજાબનો જ વિક્રમ તોડ્યો, બેકાબૂ રાહુલ ચૂક્યો ગેઇલનો રેકૉર્ડ અને રાણા સદી ચૂકી ગયો

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ પાટનગરમાં અરુણ જેટલી સ્ટેડિયમના મેદાન પર આ વખતની એકમાત્ર અપરાજિત ટીમ પંજાબ કિંગ્સ સામે દિલ્હી કૅપિટલ્સે અને એના ઓપનિંગ બૅટ્સમૅન કે. એલ. રાહુલે (152 અણનમ, 67 બૉલ, નવ સિક્સર, સોળ ફોર) એક પછી એક વિક્રમ રચીને શ્રેયસ ઐયરની ટીમ માટે જીતવું મુશ્કેલ બનાવી દીધું છે. દિલ્હી (Delhi)એ પંજાબ સામે એનો જ આ વખતનો હાઇએસ્ટ ટીમ-ટોટલનો વિક્રમ તોડી નાખ્યો છે. રાહુલ આ વખતનો હાઇએસ્ટ સ્કોરર બન્યો છે અને રાહુલ-રાણા (Rahul-Rana) વચ્ચેની 220 રનની ભાગીદારીએ નવો વિક્રમ સ્થાપ્યો છે. તેમણે પંજાબના તમામ છ બોલરની બોલિંગની ધુલાઈ કરીને આ 220 રન ફક્ત 96 બૉલમાં કર્યા હતા. રાહુલ આઇપીએલના ઇતિહાસનો ક્રિસ ગેઇલનો હાઇએસ્ટ (અણનમ) 175 રનનો વિક્રમ ચૂકી ગયો હતો. જોકે તેના અણનમ 152 રન હાઇએસ્ટ સ્કોર્સમાં ગેઇલ (અણનમ 175) અને બે્રન્ડન મૅક્લમ (અણનમ 156) પછી ત્રીજા નંબરે છે.

દિલ્હીએ પ્રથમ બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં બે વિકેટે 264 રન કર્યા છે. એ સાથે, પંજાબનો આ વખતની સીઝનનો 7/254નો રેકૉર્ડ તૂટી ગયો છે. પંજાબે એ 254 રન 19મી એપ્રિલે લખનઊ સામે કર્યા હતા અને હવે દિલ્હીએ પંજાબ સામે વિક્રમજનક 264 રન બનાવીને એના માટે જીતવું ખૂબ મુશ્કેલ બનાવી દીધું છે. પંજાબ 265 રનનો લક્ષ્યાંક મેળવશે તો એ પણ એક રીતે વિક્રમ કહેવાશે. આઇપીએલના ઇતિહાસમાં હાઇએસ્ટ ટીમ-ટોટલ હૈદરાબાદ (બેંગ્લૂરુ સામે 3/287)ના નામે છે.

રાહુલ અને નવ રન માટે સદી ચૂકી જનાર નીતીશ રાણા (91 રન, 44 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર)ની રાઇટી-લેફ્ટી કૉમ્બિનેશન વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની પાર્ટનરશિપ થઈ હતી. આઇપીએલમાં દિલ્હીની આ સૌથી મોટી ભાગીદારી છે. તેમણે નમન ઓઝા અને ડેવિડ વૉર્નર વચ્ચેની 189 રનની પાર્ટનરશિપનો વિક્રમ તોડી નાખ્યો છે. પંજાબના માત્ર અર્શદીપ સિંહ અને ઝેવિયર બાર્ટલેટને એક-એક વિકેટ મળી હતી. છમાંથી પાંચ બોલરની બોલિંગમાં 40થી વધુ રન બન્યા હતા અને બાર્ટલેટ (4-0-69-1) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો.

દિલ્હીના 264 રનમાંથી 152 રન (57 ટકા જેટલા રન) રાહુલના છે. તે ફક્ત ચાર રન માટે બે્રન્ડન મૅક્લમની અણનમ 156 રનની સિદ્ધિની બરાબરી કરવાનું ચૂકી ગયો હતો. રાહુલે 226.86ના તોતિંગ સ્ટ્રાઇક-રેટથી રન કર્યા હતા. તેણે ખાસ કરીને ઇનિંગ્સના પાછલા અડધા ભાગમાં મેદાન પર ચારેકોર બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલ્યો હતો. ઓપનર પથુમ નિસાન્કા 11 રન કરીને 28 રનના ટીમ-ટોટલ પર આઉટ થયો ત્યાર પછી રાહુલ-રાણાની જોડીએ ટીમનો સ્કોર 248 રન સુધી પહોંચાડ્યો અને છેક ત્યારે (19મી ઓવરમાં) રાણાએ વિકેટ ગુમાવી હતી. તેને ઝેવિયર બાર્ટલેટે મિડ-ઑફ પર કૅપ્ટન શ્રેયસના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. છેલ્લે રાહુલ સાથે ડેવિડ મિલર ત્રણ રને અણનમ રહ્યો હતો.