Tue May 26 2026

Logo

ધગધગતી ધરતી પર ખુલ્લા પગે તરસ છિપાવવાની જંગ! એક ડોલ પાણી માટે જોખમ ખેડતી આ બાળકીઓનો વીડિયો જોઈને તમે પણ ધ્રૂજી ઉઠશો...

1 hour ago
Author: Darshana Visaria
Article Image

આજના આધુનિક યુગમાં જ્યાં શહેરોમાં જ્યાં એક તરફ પાણીનો વેડફાટ થાય છે ત્યાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો એક વીડિયો આપણને જીવનની કઠોર વાસ્તવિકતા અને કુદરતી સંસાધનોની કિંમત સમજાવવા માટે પૂરતો છે. કાળઝાળ ગરમી, સૂકી ભઠ્ઠ ધરતી અને પથરાળ પહાડો વચ્ચે પાણીના એક-એક ટીપા માટે માસૂમ બાળકોનો સંઘર્ષ જોઈને પથ્થર હૃદયનો માણસ પણ પીગળી જશે...

સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહેલા અને લાખો લોકોને ઈમોશનલ કરનારા આ હૃદયદ્રાવક વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે દુનિયાના કેટલાક વિસ્તારોમાં આજે પણ પીવાનું પાણી કોઈ મૂલ્ય ખૂબ જ અમૂલ્ય. એક ડોલ પાણી માટે ત્યાંના પરિવારો અને નાના બાળકોએ મોતની ખીણો સાથે રમત રમવી પડે છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી શકાય છે કે આકાશમાંથી અગનગોળા વરસતી કાળઝાળ ગરમી અને અસહ્ય તડકા વચ્ચે નાની-નાની માસૂમ બાળકીઓ પહાડો અને ખડકોની વચ્ચે બનેલા ઊંડા ખાડાઓ અને ખીણોમાં ઉતરી રહી છે. બાળકીઓ ક્યાંક ઝાડના મૂળિયા પકડીને તો ક્યાંક લપસણી પથરાળ ઢોળાવ પરથી જીવના જોખમે નીચે ઉતરે છે. તેમનો એક નાનો સરખો પગ લપસે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

જોવાની વાત તો એ છે કે બાળકીઓ આટલું જોખમ ખેડીને જે પાણી એકઠું કરી રહી છે એ પાણી પણ એકદમ ગંદુ અને દૂષિત દેખાય છે. પરંતુ, મજબૂરી એવી છે કે તરસ છિપાવવા માટે આ પરિવારોએ એ જ ગંદુ પાણી વાસણોમાં ભરીને ઘર સુધી લઈ જવું પડે છે. અહીંયા ચિંતાજનક બાબત તો એ છે કે આ નાની બાળકીઓ ખુલ્લા પગે ધગધગતા પથ્થરો અને ચટ્ટાનો પર ચાલી રહી છે. ગરમી એટલી ભયાનક છે કે જમીન પર પગ મૂકવો મુશ્કેલ બને, પરંતુ પેટની તરસ તેમની પાસે બધું જ સહન કરાવી રહી છે.

આ વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ નેટીઝન્સ ભારે ભાવુક થઈ ગયા છે અને સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ વીડિયો જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. આપણે શહેરોમાં બેસીને અવારનવાર પાણીનો બેફામ બગાડ કરીએ છીએ, ત્યારે આ માસૂમ બાળકો એક ટીપા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આપણને જે મળે છે તેની કદર નથી.

લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને સ્થાનિક વહીવટીતંત્ર અને સરકારોને અપીલ કરી રહ્યા છે કે આવા પછાત અને પાણીની અછત વાળા વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે પીવાના પાણીની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી કોઈ માસૂમનો જીવ જોખમમાં ના મુકાય. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય અત્યારે જ જોઈ લો...