Tue May 26 2026

Logo

ગુજરાતમાં બકરી ઈદમાં સુરક્ષા મુદ્દે પોલીસ વડાએ સમીક્ષા બેઠક યોજી,  પોલીસને સતર્ક રહેવા નિર્દેશ

1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં 28 મે ના રોજ બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવશે. જેના પગલે રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. આ  તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. 

પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા

આ તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા પગલાં અને પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

સોશિયલ મીડિયા પર નજર રાખવા પોલીસને આદેશ 

આ બેઠકમાં તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓ પર ચુસ્ત દેખરેખ રાખવા, ટ્રાફિક નિયમન અને ઈમરજન્સી સેવાઓની સજ્જતા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ તથા તમામ જિલ્લા પોલીસ અધિક્ષકઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.