Wed Apr 22 2026

Logo

રિફાઇનરીમાં આગ કે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર?  ભારત સહિત 6 દેશોમાં રહસ્યમય આગ લાગવા પાછળનું વાસ્તવિક કારણ શું?

5 hours ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પચપદરામાં કે રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા, લગભગ 13 વર્ષ પહેલા આ  પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. જો કે તે રિફાઇનરીનું ઉદ્ઘાટન થાય તેના આગળના દિવસે જ ભીષણ આગી લાગી હતી અને રિફાઇનરીનો મેન પ્રોસેસિંગ યુનિટ જ તેની ઝપેટમાં આવી ગયો હતો. આથી પીએમ મોદીનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ હીટ એક્સચેન્જર સર્કિટમાં લીકેજને કારણે આ આગ લાગી હોવાનું મનાય છે. જોકે, માત્ર ભારત જ નહીં પરંતુ છેલ્લા બે મહિનામાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો અને ઇક્વાડોર જેવા દેશોની તેલ રિફાઇનરીઓમાં પણ આગની ઘટનાઓ બની છે, જે હવે કોઈ મોટા 'ગ્લોબલ પેટર્ન' તરફ ઈશારો કરી રહી છે.

વૈશ્વિક સ્તરે રિફાઇનરીઓમાં લાગતી આગનો આ સિલસિલો એવા સમયે શરૂ થયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે. 28  ફેબ્રુઆરી 2026થી ઈરાન પર શરૂ થયેલા હુમલા બાદ યુદ્ધ ક્ષેત્રની બહારના દેશોની રિફાઇનરીઓમાં આગની ઘટનાઓ વધી છે. જોકે સત્તાવાર રીતે આ ઘટનાઓને ટેકનિકલ ખામી કે અકસ્માત ગણાવવામાં આવે છે, પરંતુ સંરક્ષણ નિષ્ણાતોનું આ અંગે માનવું છે કે વિશ્વના અર્થતંત્રને અસર કરવા અને ઓઇલના ભાવ વધારવા માટે કુદરતી સંસાધનોને હથિયાર તરીકે વાપરવાનું આ કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું હોઈ શકે છે.

ભારતમાં પણ છેલ્લા ટૂંકા ગાળામાં તેલ ક્ષેત્રે બે મોટી દુર્ઘટનાઓ બની છે. રાજસ્થાનની HPCL રિફાઇનરી પહેલા 12 એપ્રિલે મુંબઈ હાઈમાં ONGC ના ઓઈલ ફીલ્ડમાં પણ આગની ઘટના સામે આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે રાજસ્થાનની ઘટનાના ચાર દિવસ પહેલા જ આવી કોઈ આંતરિક ષડયંત્ર કે તોડફોડની આશંકા વ્યક્ત કરી હતી. નિષ્ણાતોના મતે, ભારત જેવી વધતી જતી અર્થવ્યવસ્થાને નબળી પાડવા માટે ઓઈલ સપ્લાય ચેઈનને નિશાન બનાવવી એ વિરોધી દેશોની રણનીતિ હોઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ટેક્સાસમાં વેલેરો એનર્જી અને મેરેથોન પેટ્રોલિયમની રિફાઇનરીઓમાં વિસ્ફોટ થયા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી રિફાઇનરી પણ આગને કારણે હજુ સુધી સંપૂર્ણ કાર્યરત થઈ શકી નથી. મ્યાનમારના હોમાલિન બંદર પર પણ 20 એપ્રિલે ભયાનક વિસ્ફોટમાં ૧૦થી વધુ ફ્યુઅલ ટેન્કરો બળીને ખાખ થઈ ગયા હતા. રસપ્રદ વાત એ છે કે દુનિયાભરમાં રિફાઇનરીઓ સળગી રહી છે ત્યારે વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર દેશ ચીન આવી કોઈ પણ ઘટનાથી અત્યાર સુધી અલિપ્ત રહ્યો છે, જે શંકાઓને વધુ ઘેરી બનાવે છે.

હાલમાં ભારત સરકાર દ્વારા પચપદરા રિફાઇનરીની ઘટનાની તપાસ માટે હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે. આ યુદ્ધકાળમાં તેલના ભાવ 66 ડોલરથી વધીને 100  ડોલરને પાર કરી ગયા છે, ત્યારે રિફાઇનિંગ ક્ષમતામાં ઘટાડો થવો એ સીધો જ દેશના જીડીપી અને મોંઘવારી પર અસર કરે છે. આ ઘટનાઓ બાદ હવે ભારતીય તેલ કંપનીઓને માત્ર ટેકનિકલ સુરક્ષા જ નહીં પરંતુ 'ઈન્ટરનલ સબૉટેજ' એટલે કે આતંરિક તોડફોડ રોકવા માટે પણ વધારાના સુરક્ષા પગલાં લેવાની કડક જરૂરિયાત વર્તાઈ રહી છે.