મુંબઈઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુરમાં ભારત દુર્ગા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજને લઈ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધ કરતા કરતા થાકી જતા હતા. જે બાદ દાવો કરતાં કહ્યું, તેઓ સમર્થ રામદાસ સ્વામી પાસે ગયા અને કહ્યું કે, હવે યુદ્ધ કરવા નથી માંગતા અને મુગટ તથા સત્તા સોંપવા માંગે છે. જેના પર રામદાસ સ્વામીએ કહ્યું કે, શિષ્યનું કર્તવ્ય ગુરુના આદેશોનું પાલન કરવાનું હોય છે, તેથી સત્તા તમે જ સંભાળો. તેમની આ ટિપ્પણી પર એક્ટર-ફિલ્મમેકર રિતેશ દેશમુખે આકરી પ્રતિક્રિયા આપી હતી. રિતેશ શિવાજી મહારાજના જીવન આધારિત એક ભવ્ય ફિલ્મ લઈને આવી રહ્યો છે ત્યારે જ કરેલી ટિપ્પણીને લઈ અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.
રિતેશ દેશમુખે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, જ્યારે અમારા આરાધ્ય દેવ વિશે કોઈ આ પ્રકારની ઉપજાવી કાઢેલી અને અપમાનજનક વાતો કરે છે ત્યારે એક શિવ ભક્ત હોવાના કારણે લોહી ઉકળી ઉઠવું વાજબી છે. શિવાજી મહારાજની વિરાસતને નબળી બતાવવાની આવી બેકાર કોશિશ ક્યારેય સાંખી નહીં લેવામાં આવે. કોઈ પણ વ્યક્તિ આવીને ગમે તેવો બકવાસ ન કરી શકે.
અભિનેતાએ આગળ લખ્યું, 'તેમને કોઈ મર્યાદિત પરિઘમાં બાંધવાના આવા નિરર્થક પ્રયાસો, સમયના ગર્ભમાં જ વિલીન થઈ જશે. પરંતુ જે રીતે સહ્યાદ્રીની પર્વતમાળાઓ લાખો વર્ષોથી અસ્તિત્વમાં છે, તેવી જ રીતે 'તે' એક નામ પણ ભવિષ્યમાં કરોડો વર્ષો સુધી અમર રહેશે. અને તે નામ છે... પ્રતાપ પુરંદર... ક્ષત્રિય કુળ-ભૂષણ... સિંહાસન અધીશ્વર... સમ્રાટોના પણ સમ્રાટ... ધન્ય રાજશિવ છત્રપતિ મહારાજ.'
कोणीतरी येतो आणि आपल्या आराध्य दैवताबद्दल काहीतरी विकृत बरळतो, एक शिवप्रेमी-शिवभक्त म्हणून हे अमान्य आणि संतापजनक आहे.
— Riteish Deshmukh (@Riteishd) April 26, 2026
असले चौकटीत अडकवण्याचे फोल प्रयत्न काळाच्या उदरात गडप होतील. पण सह्याद्रीच्या पर्वतरांगा जशा लाखो वर्ष आधी होत्या तसंच ‘ते’ एकच नाव करोडो वर्ष भविष्यातही राहील.…
વિવાદ બાદ માંગી માફી
બીજી તરફ આ સમગ્ર વિવાદ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ માફી માંગી લીધી છે. કથાવાચકે કહ્યું, ગઈકાલથી સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ મારા નિવેદનને અલગ રીતે રજૂ કર્યું છે. અમને તેનાથી ઊંડું દુઃખ અને ખેદ છે. આજે આ દેશમાં જે પણ સનાતની જીવિત છે, જો તે હિન્દુત્વ પ્રત્યે સમર્પિત છે, તો તેનો સૌથી મોટો શ્રેય છત્રપતિ વીર શિવાજી મહારાજને જાય છે. અમને એ વાતનું દુઃખ છે કે જે લોકો છત્રપતિ વીર શિવાજીનો આદર કરે છે, તેઓ આપણા જ લોકો છે. અમે પણ છત્રપતિ શિવાજીમાં વિશ્વાસ રાખીએ છીએ, અને તેઓ પણ તેમનામાં વિશ્વાસ રાખે છે. જો આપણે અંદરોઅંદર જ લડીશું, તો બીજા લોકોને તક મળી જશે... જો કોઈને આનાથી ઠેસ પહોંચી હોય, તો અમે દિલથી માફી માંગીએ છીએ.
4 બાળકો પેદા કરો ને તેમાંથી એક બાળક RSSને દેશસેવા માટે સોંપો
નાગપુરમાં ભારત દુર્ગા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ આરએસએસના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, જ્યારે દેશમાં કોઈ સંકટ આવે છે ત્યારે સંઘના સ્વયંસેવક સૌથી પહેલા સેવા માટે પહોંચી જાય છે અને બીજાના જીવ બચાવવાનું કામ કરે છે. આ દરમિયાન તેમણે એક અપીલ કરતા કહ્યું, ચાર બાળકો પેદા કરો, જેથી એક રાષ્ટ્ર સેવા માટે તૈયાર થઈ શકે અને સમાજ સેવાના કામમાં આવી શકે. આરએસએસના મોહન ભાગવત, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત અનેક સાધુ સંતોની હાજરીમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.