Wed Apr 22 2026

Logo

સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ ભાજપના સાંસદની ‘ગ્રાન્ટ’વાળી ધમકી મુદ્દે કોંગ્રેસ લાલઘૂમ, કહ્યું ગ્રાન્ટ પ્રજાના પૈસા નહીં કે કોઈના...

5 hours ago
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય નેતાઓ બેફામ વાણી વિલાસ વકરી રહ્યો છે. આણંદના સાંસદ મિતેશ પટેલના એક વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. આંકલાવમાં આયોજિત એક જાહેરસભામાં સાંસદે ખુલ્લેઆમ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, જો ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારો જીતશે તો તે વિસ્તારમાં વિકાસલક્ષી કામકાજ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે નહીં. નાયબ મુખ્ય પ્રધાનની હાજરીમાં અપાયેલા આ નિવેદનથી સ્ટેજ પર હાજર નેતાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને જનમેદનીમાં આ નિવેદનની ઘેરી ચર્ચાઓ શરૂ થઈ હતી.

આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા મિતેશ પટેલે આક્રમક વલણ સાથે જણાવ્યું હતું કે, 'જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે, તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં.' વિકાસના નાણાં રોકી દેવાની આ સીધી ધમકીને કારણે વિપક્ષ દ્વારા ભાજપ પર સત્તાના દુરુપયોગના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

આ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સત્તાના નશામાં અંધ ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. તેમણે સાંસદને સવાલ કર્યો હતો કે, વિકાસ માટે જે રકમ મળે છે તે પ્રજાના ટેક્સના પૈસા છે, કોઈના ઘરના કે બાપના પૈસા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી પ્રજાના પૈસાના વહીવટની ચોકીદારી કરવાની હોય છે, નહીં કે વિકાસથી વંચિત રાખીને ભેદભાવ કરવાની.

અમિત ચાવડાએ વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રશ્ન કર્યો હતો કે શું તેઓ ભાજપના નેતાઓના આવા નિવેદનો સાથે સહમત છે? તેમણે ઉમેર્યું હતું કે વિકાસના નામે ધમકી આપીને મત માંગનારાઓને ગુજરાતની જનતા આગામી 26 તારીખે મતદાન દ્વારા જડબાતોડ જવાબ આપશે અને તેમની શાન ઠેકાણે લાવશે. આ નિવેદન બાદ આણંદ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.