Wed Apr 22 2026

Logo

અંબાજીમાં ગબ્બરના દર્શન બે દિવસ માટે બંધઃ મધમાખી હટાવવાનું કામ હાથ ધરાશે

5 hours ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ પ્રસિદ્ધ અંબાજી મંદિરના ગબ્બર હીલના દર્શને જતા શ્રદ્ધાળુઓને મધમાખીના ડંખનું જોખમ રહે છે. વધતી ગરમીમાં આ જોખમ પણ વધતું હોવાથી અહીંથી મધમાખીને ભગાડવાના કામકાજ માટે બે દિવસ ગબ્બરના દર્શન બંધ રાખવાની જાહેરાત મંદિર પ્રશાસને કરી હતી. 

ઉનાળાના મહિનાઓમાં ટેકરી પર મધમાખીના મધપૂડાની સંખ્યા વધી જાય છે, તેથી યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી 22 અને 23 એપ્રિલ દરમિયાન ગબ્બરના દર્શન બંધ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. 

મંદિર ટ્રસ્ટ આ સમયગાળા દરમિયાન મધમાખીના મધપૂડા દૂર કરવાની ઝુંબેશ ચલાવશે. વધતા તાપમાનને કારણે, ગબ્બર ટેકરી પર મધમાખી અને ભમરીના ડંખના બનાવો વારંવાર નોંધાય છે. અહીં હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓએ અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે બંને દિવસે ટેકરી પર પ્રવેશ પ્રતિબંધિત રહેશે.

સલામતીના પગલાંના ભાગ રૂપે, ગબ્બર રોપ-વે સેવા પણ કામગીરી દરમિયાન સ્થગિત રહેશે. મંદિર ટ્રસ્ટે મીડિયા દ્વારા ભક્તોને વિનંતી કરી હતી છે કે આ તારીખો પર ગબ્બરની મુલાકાત લેવાનું ટાળે.