Thu Apr 23 2026

Logo

આ તે કેવા સંસ્કાર?

8 hours ago
Author: Neela Sanghvi
Article Image

નીલા સંઘવી

સ્ત્રીએ વિકાસ સાધ્યો છે. સ્ત્રી પુરુષ સમોવડી બનવાની હોડમાં પોતાનું સ્ત્રીત્વ ગુમાવી રહી છે. સ્ત્રી શિક્ષણ લે, નોકરી કરે, બિઝનેસ કરે બધું કરે તેની સામે કોઈ વાંધો હોઈ જ ન શકે. આનંદ જ હોય ,  પણ આ બધું કરતાં  કરતાં  સ્ત્રી પોતાની ઋજુતા, કોમળતા, સંવેદના ગુમાવી દે તે કેટલું યોગ્ય છે?  પુરુષ જેવી જ સ્ત્રી  કઠોર થઈ જાય તે કેવું? આજકાલ સ્ત્રીઓ હત્યા પણ કરે છે. વાંદાથી કે  ગરોળીથી ડરતી સ્ત્રી માણસ જેવા માણસને ઠંડે કલેજે પતાવી નાખે  એ કેવું ?  માણસને મારી નાખતા તેની હિંમત કઈ રીતે ચાલતી હશે? કેટલીક સ્ત્રી  ઘરના વડીલો સાથે બદસલૂકી કરે - મેણાંટોણાં મારે  અને ક્યાંક સાંભળ્યું  અને વાંચ્યું સુધ્ધાં છે કે વૃદ્ધ-અશક્ત સાસુ-સસરાને ફટકારે   પણ  છે...!  આવું એક સ્ત્રી- એક પુત્રવધૂ કઈ રીતે કરી શકે? આ વાત માત્ર કોઈને પણ  ધ્રુજાવી દે તેવી છે..પણ આવા બનાવો બને છે એ પણ હકીકત છે. ઘરના વડીલોને ડસ્ટબીન માનતી અને કહેતી આ દીકરીઓને એમનાં   માતા-પિતા શું  પોતાની દીકરીઓને આવા સંસ્કાર આપે હશે?

તાજેતરમાં સોશ્યલ  મીડિયા પર વાઈરલ થયેલો એક વીડિયો  જોઈને અરેરાટી થઈ જાય. એક ઘરમાં એક યુવાનને ચાર-પાંચ માણસ  મારી રહ્યા છે. એને બચાવવા તેની માતા વચ્ચે પડે  છે. તે જોઈને યુવાનની પત્ની યુવાનની માતાને એટલે કે પોતાની સાસુને જોરથી ખેંચીને પછાડે છે. જમીન પર તેનું માથું અફળાવે છે. તેના વાળ ખેંચીને ઊભી કરીને ફરીથી જમીન પર પછાડે છે. આ વૃદ્ધ સ્ત્રી બિચારી સામનો કરી શકતી નથી. પેલો યુવાન માની આ દુર્દશા જુએ છે, તેનો જીવ કકળે છે પણ તેને તો ચાર-પાંચ જણ મારી રહ્યા છે, ઘણું બળ કરવા છતાં તે તેમની પકડમાંથી છૂટી શકતો નથી. માને કઈ રીતે બચાવે? યુવાનની પત્ની તેની માને મારે છે અને અપશબ્દો બોલે છે, તેમજ ઘરમાંથી એને  બહાર નીકળી જવા કહે છે. મા બહાર શા માટે નીકળે? તેનું ઘર છે, તેના પતિએ પાઈપૈસો ભેગો કરીને બનાવેલ તેના સ્વપ્નાનું આ ઘર છે. આ ઘરમાં આ વૃદ્ધ સ્ત્રીએ પતિ અને પુત્ર સાથે સરસ, પ્રેમભર્યો સમય વીતાવ્યો છે. એ પોતાના ઘરમાંથી બહાર શા માટે નીકળે? એટલે  તે ઘરની બહાર નીકળવાને બદલે વહુના હાથનો માર ખાતી રહે છે.... વધુ    ઊહાપોહ થયો એટલે પાડોશીઓ અને યુ-ટ્યૂબ ચેનલના પત્રકારો ત્યાં  પહોંચ્યા. યુવકને મારનારા  ભાગી ગયા. એની  વહુ પણ પોતાના રૂમમાં ચાલી ગઈ.

આ આખી ઘટના પાંચ-છ વર્ષના  પૌત્રએ પણ જોઈ.  પોતાની મા પોતાની દાદીને મારતી હતી એ જોઈને એ બાળકનાં મન પર કેવી અસર થઈ હશે? આજે વહુએ જે સાસુ સાથે કર્યું એવું જ વર્તન એ દીકરો મોટો થઈને પોતાની મા  કરી શકે....

ચેનલના પત્રકારે સાસુને પૂછ્યું, ‘શું થયું,’ ત્યારે સાસુએ રડતાં  રડતાં  કહ્યું : ‘મારી વહુ મને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહે છે.  તેને હું પસંદ નથી. તેથી એ ઘરમાં રોજ ઝઘડા કરે છે. મને ખાવા આપવું હોય તો આપે અને મનમાં આવે તો ન પણ આપે. મને કાંઈક મહેણાં-ટોણાં મારે-ગાળો બોલે ને  જ્યારે-ત્યારે મારવા પણ દોડે... .. તમે જ કહો હવે આ ઉંમરે ક્યાં જાઉં? મારું ઘર છોડીને હું શા માટે જાઉં?

ચેનલના પત્રકાર માજીના પુત્રને પૂછે છે, ‘શું છે આ બધું? તું કેમ મામલો સંભાળી લેતો નથી? તારી માને આટલું હેરાન કરે છે તો કંઈક સોલ્યુશન કર પ્રોબ્લેમનું.’

‘મારી માને પત્ની આવી રીતે મારે તેનાથી મને બહુ જ દુ:ખ થાય છે. પણ શું કરું? પત્ની માથાભારે છે... કાંઈ પણ કહીએ તો બૂમ બરાડા પાડે - મારામારી પર ઊતરી જાય છે.. એ  એક જ વાત કરે છે કે તારી મા મને ઘરમાં ન જોઈએ. તેને ઘરમાંથી કાઢી મૂક.... સિત્તેર વર્ષની મારી માને હું ક્યાં મૂકી આવું?’

‘આજે તમને મારતા હતા એ બધાં કોણ છે?’ ચેનલના પત્રકાર પૂછે છે.

‘આજે તો મારી પત્નીએ હદ જ કરી નાખી. મારા સસરા, સાળા અને તેના બીજા સગાંવહાલાઓને ભેગા કર્યા. એ બધાએ આવીને મારી સાથે ઝઘડો કર્યો અને કહ્યું કે   તારી માને ઘરમાંથી કાઢ. મેં ના પાડી એટલે એ બધાં મારા પર તૂટી પડ્યા...બીજી બાજુ મારી પત્ની મારી માને મારતી હતી.’

આ વાઈરલ વીડિયો જોઈને વિચાર આવે છે કે આ કેવાં મા- બાપ ,જે પોતાની દીકરીની ખોટી વાતને સપોર્ટ કરે છે. મા-બાપે તો દીકરીને સલાહ આપવી જોઈએ કે ઘરના વડીલ સાથે આવું વર્તન ન કરાય..., પણ અહીં  તો પત્ની  એની સાસુમાને ફટકારે છે અને એના સગાં જમાઈને મારે છે. દીકરીને ખોટી સલાહ-શિખામણ- સહકાર આપવાની ભૂલ મા- બાપ  કરે ત્યારે આવાં જ  ઘટના  બનતી રહે...