સદીઓથી ઉત્તર ભારતમાં ઉનાળાની ઋતુમાં, ખાસ કરીને વૈશાખ અને જેઠ મહિનામાં તરસ્યા વટેમાર્ગુઓની તરસ છિપાવવા માટે જળ પરબ શરૂ કરવામાં આવતી હતી અથવા લોકો પોતે ઊભા રહીને ગરમીથી બેહાલ થયેલા લોકોને ઠંડું પાણી કે શરબત પીવડાવતા હતા. કારણ કે આપણી સંસ્કૃતિમાં તરસ છિપાવવાને પુણ્યનું કામ માનવામાં આવે છે, પરંતુ હવે ધીમે-ધીમે આ સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે. ખાસ કરીને શહેરોમાં જેઠ મહિનાના ધગધગતા બપોરે હવે દૂર-દૂર સુધી ક્યાંય રસ્તાના કિનારે કે ચાર રસ્તાની આસપાસ પાણીનું માટલું મૂકેલું દેખાતું નથી.
દિલ્હી જેવા શહેરમાં લગભગ દરેક રસ્તા પર એકાદ કિલોમીટરના અંતરે વૃક્ષોની નીચે પાણીથી ભરેલાં માટલાં રાખવામાં આવતાં હતાં, જેથી મુસાફરો ઉનાળામાં જાતે પાણી નીકાળીને પીતા. કાનપુર, લખનઊ, અલાહાબાદ અને બનારસ જેવાં શહેરોમાં તો શ્રીમંત અને પ્રતિષ્ઠિત લોકો પરબ ખોલાવતા હતા, જ્યાં લોકો ‘પાણી પીઓ, પાણી પીઓ’ની બૂમો પાડીને ચાલતા મુસાફરોને પાણી પીવડાવતા. ભારતીય સમાજનું આ ચિત્ર માત્ર એક અતિથિ સત્કારનું દૃશ્ય નહોતું, પરંતુ તે સાંસ્કૃતિક ચેતનાનો ભાગ હતો, જેમાં જળને જીવન, ધર્મ અને પુણ્ય ત્રણેયનો આધાર માનવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ભારતીય પરંપરામાં જળ દાનને લોક ધર્મ સમજવામાં આવ્યો છે. આજથી 70-80 વર્ષ પહેલાં મોટા-મોટા શેઠ, શાહુકારો ધર્મના નામે કૂવા અને તળાવો ખોદાવતા હતા, પરંતુ હવે આ બધી પરંપરા માત્ર યાદો અને પુસ્તકો પૂરતી સીમિત રહી ગઈ છે.
ભારતીય સંસ્કૃતિમાં જળનું મહત્ત્વ છે. ઋગ્વેદથી લઈને પુરાણો સુધી જળને પવિત્રતા અને જીવનનું પ્રતીક માનવામાં આવ્યું છે. નદીઓને માતા કહેવામાં આવી છે, સરોવરોને તીર્થની ઉપાધિ આપવામાં આવી છે અને વરસાદને ઈશ્વરની કૃપા. આ રીતે ધાર્મિક માન્યતાઓમાં જળ માત્ર શરીરની તરસ છિપાવવાનું સાધન નથી પરંતુ આત્મિક શુદ્ધિનું માધ્યમ પણ રહ્યું છે. આ જ કારણ છે કે દાનની અનેક પરંપરાઓમાં જળ દાનનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. વિશેષ રૂપે જેઠ મહિનાની ગરમીમાં જળ દાનને મહાપુણ્ય ગણાવવામાં આવ્યું છે, કારણ કે તે સમયે પાણી કોઈ વ્યક્તિ માટે જીવન બચાવવાના સાધન સમાન હોય છે.
રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, દક્ષિણ ભારત, પંજાબ, હરિયાણા વગેરેમાં વાવ અને જળ સંરચનાઓની લાંબી પરંપરા એ વાતની સાક્ષી પૂરે છે કે જળ સંરક્ષણ અને જળ સેવા ભારતીય જીવનશૈલીનો અભિન્ન ભાગ રહ્યા છે. જૂના સમયમાં રાજાઓ, વેપારીઓ અને સંપન્ન પરિવારો ઉનાળામાં જળ દાન દ્વારા પુણ્ય કમાતા હતા. ઉનાળામાં પરબ લગાવવાની પરંપરામાંથી જ શીખ ધર્મમાં વિશેષ કરીને ઉનાળાની ઋતુમાં મુસાફરોને મીઠું શરબત પીવડાવવાની ‘છબીલ’ પરંપરા વિકસી.
શહેરો અને નગરોમાં તમામ સેવાભાવી સંસ્થાઓ, મંદિરો અને સ્થાનિક લોકો દ્વારા વૈશાખ અને જેઠ મહિનાની અગનઝાળ વરસાવતી કાળઝાળ ગરમીમાં ઠંડું પાણી, લીંબુ શરબત અને ક્યાંક-ક્યાંક શેરડીનો ઠંડો રસ પણ વહેંચવાની પરંપરા રહી છે. માત્ર માણસો માટે જ નહીં, પરંતુ પક્ષીઓ અને પશુઓ માટે પણ આ ઋતુમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવતી રહી છે. હવે આ પરંપરા અમુક અંશે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ તેમજ મધ્ય પ્રદેશમાં જ ગણ્યાં-ગાંઠ્યાં સ્થળોએ બચી છે. મોટાં-મોટાં શહેરોમાંથી તો ગાયબ થઈ ગઈ છે, કારણ કે જગ્યાએ-જગ્યાએ પાનના ગલ્લાઓથી લઈને કરિયાણાની દુકાનો સુધી પાણી અને જાત-જાતનાં શરબતો તેમજ સોફ્ટ ડ્રિંકની નાની-મોટી બોટલો ઉપલબ્ધ છે. ઘરોની છત પર માટીનાં વાસણો રાખવા, વૃક્ષોની નીચે પશુઓ માટે પાણી ભરવું, કૂવાઓની સફાઈ કરવી એ એક જમાનામાં મે-જૂન મહિનામાં ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે શિસ્તબદ્ધ રીતે જીવન જીવવાની પરંપરાનો ભાગ હતા. જોકે આધુનિક વિકાસ મોડેલે આ સંસ્કૃતિને માત્ર નબળી જ નથી પાડી, ધીમે-ધીમે ગાયબ પણ કરી દીધી છે. શહેરોનો વિસ્તાર, કોંક્રિટનાં જંગલો, અંધાધૂંધ ભૂગર્ભ જળના શોષણને કારણે સુકાઈ રહેલા પરંપરાગત જળસ્ત્રોતો વગેરે એવાં કારણો છે, જેના લીધે હવે જળ દાનની પરંપરા જ લુપ્ત થતી જઈ રહી છે અથવા તો અમુક અંશે લુપ્ત થઈ પણ ચૂકી છે.
કારણ કે આજે પુણ્યના રૂપમાં પાણી પીવડાવનારો દેશ પોતે ગંભીર જળ સંકટ તરફ આગળ વધી રહ્યો છે. તળાવો લગભગ લગભગ સુકાઈ ગયાં છે, માત્ર 15-20 ટકા તળાવો જ અંતરિયાળ ગામડાઓમાં બચ્યાં છે, બાકીની જગ્યાઓ પર તો કાં તો હેન્ડપંપ લાગી ગયા છે અથવા નળ દ્વારા પાણી આવી રહ્યું છે. આ વ્યવસ્થા એટલી મર્યાદિત અને નબળી છે કે જૂન આવતા-આવતા મોટાભાગના હેન્ડપંપ સુકાઈ જાય છે અને જ્યાં નળથી પાણી આવી રહ્યું છે, ત્યાં સવાર-સાંજ થોડીવાર માટે એક ચોક્કસ સમયે જ આવે છે. કૂવાઓ અને તળાવોની વાત કરીએ તો ભારતીયોની બેજવાબદારીને કારણે આજે તો નદીઓ પણ સુકાઈ રહી છે.
ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે અને કેટલીક જગ્યાએ તો જમીને હાથ અધ્ધર કરી દીધા છે, પાણી મળવાનું જ બંધ થઈ ગયું છે. કેટલાંય મોટાં શહેરો ઉનાળામાં ‘ડે-ઝીરો’ જેવી ચેતવણીઓનો સામનો કરી રહ્યા છે, જ્યાં પીવાનું પાણી ખૂબ જ મર્યાદિત થઈ ગયું છે. જ્યારે બીજી તરફ, દરેક જગ્યાએ બોટલબંધ પાણી અને સોફ્ટ ડ્રિંક જેટલું ખરીદવું હોય એટલું ઉપલબ્ધ છે.
આનાથી એ સ્પષ્ટ થાય છે કે સામાજિક રીતે પાણીની કટોકટી છે, પરંતુ વ્યાવસાયિક રીતે પાણી બધે જ ઉપલબ્ધ છે. આ જ આજના સમયનું સૌથી મોટું સત્ય છે. જો કે, ભારે પ્રચારના કારણે તાજેતરનાં વર્ષોમાં જળ સંરક્ષણથી લઈને જાગૃતિ જોવા મળી રહી છે. ઘણાં ગામો વરસાદી પાણીના સંગ્રહ અને પરંપરાગત જળ સંરચનાઓને પુનર્જીવિત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. શાળાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ‘વર્લ્ડ વોટર પોટ’ અભિયાન, પરબ સેવા અને ‘પાણી બચાવો’ આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે, જે એ વાતનો સંકેત છે કે ભારતીય સમાજ પોતાની જૂની સાંસ્કૃતિક બુદ્ધિમત્તા તરફ પાછો ફરવા માગે છે. પરંતુ વેપારની લાલસા તેને અમુક અંશે નિરુત્સાહિત પણ કરે છે. જો પાણીને ફરીથી જીવન અને લોકધર્મ સાથે જોડવું હોય, તો ભારતીય પરંપરાની જળ સંસ્કૃતિ ફરીથી શરૂ કરવી પડશે.