- મિલન ત્રિવેદી
અચાનક રસોડાનું ‘ગુપ્ત સંગઠન’ રસ્તા પર આવ્યું!
ગઈકાલે રાત્રે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું ત્યારે મારા ઘરના રસોડાના ઓટલા નીચે, ડાર્ક રૂમમાં એક ઐતિહાસિક ઘટના સર્જાઈ રહી હતી.
સામાન્ય રીતે રાત્રે બે-ત્રણ વાગ્યે પાણી પીવા જઈએ ત્યારે એકાદ-બે વંદા ‘હાય-હેલ્લો’ કરીને ફ્રીજની પાછળ સંતાઈ જતા હોય છે. પણ ગઈકાલે તો દૃશ્ય જ અલગ હતું. રસોડાના પ્લેટફોર્મ પર જાણે આંતરરાષ્ટ્રીય મહાસંમેલન ભરાયું હતું!
હા, તમે સાચું વાંચ્યું. એ હતી ‘અખિલ બ્રહ્માંડ વંદા મહાસભા’ (ABVM) ની વાર્ષિક જનરલ મીટિંગ. વિષય હતો:
‘બળાપો અને ભવિષ્યની રણનીતિ.’
વિશ્વના ખૂણે-ખૂણેથી વિવિધતામાં એકતાના દર્શન સ્વરૂપ મૂછું ફરકાવતા વંદાઓ ભેગા થયા હતા. રસોડાની સિંકના હોલમાંથી, ગેસના સિલિન્ડર પાછળથી અને બાથરૂમની નાની ગટરના રસ્તેથી દેશભરના વંદાઓ ઊમટી પડ્યા હતા. લોકશાહીનો સાચો નમૂનો અહીં જોવા મળતો હતો.
આટલા તો અહીં હતા, પરંતુ સેટેલાઈટ દ્વારા મેટ્રો સિટીના હાઈ-ફાઈ વંદા પ્રમુખ તે બધાને માર્ગદર્શન આપી રહ્યા હતા. ધડાધડ સભ્યો બની રહ્યા હતા.
સોસાયટીની ફાઈવ-સ્ટાર ડ્રેનેજ લાઈનમાંથી, એકદમ ચળકતા અને સ્માર્ટ, ગામડાની નાની ગટરના દેશી વંદા જે કદમાં થોડા નાના પણ ચીવટવાળા અને કડક હતા તે, સોફિસ્ટિકેટેડ વંદા જે રસોડાના મસાલાના ડબ્બા પાછળ રહીને આખી જિંદગી એલચી અને તજની સુગંધ માણી ચૂક્યા હતા તે આમ અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ વિશેષતા ધરાવતા મૂછાળા નાજુક ડરામણા વંદાઓ ઘા એ ઘા જોડાવા માંડ્યા.
અમુક વિદેશી ટાઈપના ઊડતા વંદા જે જરાક હવા ભરાય એટલે હેલિકોપ્ટરની જેમ ઊડીને સીધા સડસડાટ સ્ત્રીઓના માથા પર જ લેન્ડિંગ કરવાની કુખ્યાત ક્ષમતા ધરાવતા હતા તે બધા પણ જોડાઈ ગયા.
વડા વંદાનું ઐતિહાસિક ભાષણ સાંભળવા જેવું હતું.
સ્ટેજ પર એક મોટો ખાંડનો દાણો મૂકવામાં આવ્યો હતો, જેના પર ઊભા રહીને પ્રમુખ વંદાએ (જેની મૂછો અને દાઢીને કારણે થોડો લઘર વઘર લાગતો હતો. ટૂંકમાં હોય તેવો લાગતો હતો) માઈક વગર જ પોતાની તીણી મૂછો હલાવીને ભાષણ શરૂ કર્યું :
‘ભાઈઓ અને બહેનો (અને આપણા અસંખ્ય બચ્ચાઓ)...’ પ્રમુખે ગળું ખંખેર્યું, ‘આપણે આપણી શક્તિને ભૂલી ગયા છીએ. ડાયનાસોર આવ્યા અને જતા રહ્યા, પણ આપણે હજુ જીવતા છીએ! આપણી તાકાત જુઓ, આ દેશની સરકાર ભલે ગમે તેટલી પાવરફુલ હોય, પણ સરકાર આખરે તો એક પત્ની જેવી છે. અને પત્ની ગમે તેવી સિંહણ હોય, પણ એક નાનકડા વંદાથી બીવે છે!’
આ વાક્ય સાંભળતા જ આખા રસોડામાં ‘ચીં-ચીં’ ના અવાજો સાથે તાળીઓનો ગડગડાટ થઈ ગયો. ચારે બાજુ મૂછો ફરકવા મંડી. બે-ત્રણ ઉત્સાહી જુવાનિયા વંદા તો ગેસના લાઈટર પર ચડીને નાચવા લાગ્યા. પ્રમુખે આગળ વધતાં કહ્યું :
‘તમે વિચારો, જે ઘરમાં પત્ની સિંહણ બનીને ફરે છે, ત્યાં આપણી એન્ટ્રી થતાં જ સિંહણ સોફા પર ચડીને ચીસો પાડે છે અને આખો આલીશાન બંગલો માથે લે છે. આપણા એક ઈશારે આખી માનવજાત કૂદાકૂદ કરવા લાગે છે. આ છે આપણો પાવર !’
આપણો મુખ્ય એજન્ડા છે ‘માત્ર પત્ની જ નહીં, આખું જગત ડરવું જોઈએ.’
જોકે, પ્રમુખ વંદાના આ આત્મસંતોષ સામે વિરોધ પક્ષના નેતા (જે ગટરના પાઈપમાંથી સીધો આવ્યો હતો અને થોડો કાળોપીળો હતો) એ વાંધો ઉઠાવ્યો. એણે પાંખો ફફડાવીને કહ્યું:
‘પ્રમુખ સાહેબ, આ તો અધૂરી જીત છે. માત્ર પત્નીઓ ડરે એનાથી આપણું પેટ નહીં ભરાય. અમારો એજન્ડા સ્પષ્ટ છે આ દેશના પુરુષો, બાળકો અને ખાસ કરીને પેલા કાળા કલરના હિટ (HIT) સ્પ્રેવાળા લોકો પણ આપણાથી ડરવા જોઈએ!.. અને જે ઘરમાં પત્ની ન હોય પુરુષ એકલો હોય તેને ડરાવવા માટે શું કરવું તે પણ ફોડ પાડો...’
વિપક્ષના નેતાએ પોતાની માગણીઓનું લિસ્ટ રજૂ કર્યું, જે ખરેખર હસવા જેવું છતાં વિચારવા જેવું હતું.
ચોખ્ખી જગ્યાઓમાં અનામતની માગણી કરી કહ્યું ‘વંદાઓને માત્ર કચરાપેટી કે ગંદી નાળીઓમાં જ કેમ રહેવું પડે? લિવિંગ રૂમના કાચના ટેબલ પર, ડાઇનિંગ ટેબલ પર અને બેડરૂમના એસી (AC) ના વેન્ટમાં પણ વંદાઓને સન્માનજનક સ્થાન મળવું જોઈએ.’
હિટ (HIT) સ્પ્રે પર વિરોધ પ્રગટ કરતા એક જ સુરે વંદાઓએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈને કેમિકલ વેપન્સ (રાસાયણિક હથિયારો) વાપરવા બદલ માણસો સામે કેસ કરવો જોઈએ. આ સ્પ્રે નૈતિકતાની વિરુદ્ધ છે!
રસોડામાં ડે-નાઈટ શિફ્ટ માણસો માત્ર રાત્રે જ રસોડું ખાલી કરે છે, જે ખોટું છે. દિવસે પણ બે-ત્રણ કલાક ‘વંદા કરફ્યુ’ જાહેર થવો જોઈએ જેથી તેઓ શાંતિથી લંચ લઈ શકે એવી રજૂઆત પણ કરી.
ભાષણો પત્યા પછી ‘વંદા સંગઠન’ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં બે ઊડતા વંદાએ ‘હવામાં પ્રગટ થવું અને અચાનક ગાયબ થઈ જવું’ વિષય પર લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું. સભાના અંતે ભવ્ય રાત્રિભોજન (ડિનર)નું આયોજન હતું, જેમાં મેનૂમાં હતું ગઈકાલની વધેલી દાળના ટીપાં, પ્લેટફોર્મ પર વેરાયેલી ખાંડની ચાસણી અને સિંકમાં પડેલી એંઠી થાળીઓનો અમૂલ્ય રસ! એકાદ બે પિઝાના બટકા...
ચાલો તેમને આરામથી જમવા દો...
એક બુદ્ધિજીવી લેખક તરીકે આ તમામ વંદાઓને એક ખુલ્લો પત્ર પાઠવું છું.
પ્રિય વંદાઓ,
તમે ભલે એમ માનતા હો કે તમારાથી પત્નીઓ ડરે છે, પણ વાસ્તવમાં એ ડર નથી, એ તિરસ્કાર છે! અને હા, જ્યારે પત્ની તમારાથી ડરીને ચીસ પાડે છે, ત્યારે અમારે (પુરુષોએ) વધ કરવો પડે છે. અમારે હાથમાં ચંપલ લઈને રસોડાના ખૂણે-ખૂણે ઓપરેશન ચલાવવું પડે છે. તમારી લડાઈમાં વગર વાંકે અમારું બીપી વધી જાય છે.
તમે ગમે તેટલી સભાઓ ભરો, ગમે તેટલા ઠરાવો પસાર કરો, પણ યાદ રાખજો જ્યાં સુધી ભારતીય ગૃહિણીના હાથમાં કચરાપોતું, સાવરણી અને ‘હિટ’ની બોટલ છે, ત્યાં સુધી તમારું ‘રસોડા રાજ’ ક્યારેય કાયમી નહીં બને!
વિચારવાયુ
... ત્યાં અચાનક લાઈટ થતાં જ વંદા પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને પેલા ઊડતા હેલિકૉપ્ટરો બધા જ પોતપોતાનો એજન્ડા ભૂલીને, લોકશાહીના લીરેલીરા ઉડાવીને ભાગીને ફ્રિજની પાછળ છૂપાઈ ગયા!