Tue May 26 2026

Logo

પ્રકૃતિ: અત્યારથી જ કરી લો ચોમાસાની શાકભાજીની તૈયારી

2 days ago
Author: Anu R
Article Image

- અનુ આર.

 

ઉનાળો અત્યારે તેની ચરમસીમાએ છે. મે મહિનો પૂરો થતાં જ ચોમાસાની ઋતુ શરૂ થઈ જશે, તેથી જો તમારે ચોમાસામાં તમારા ઘરની અગાશી, ગેલેરી કે નાની જગ્યામાં શાકભાજી ઉગાડવા હોય, તો તેના માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દો. 

 

જો ચોમાસું આવ્યા પહેલાં કિચન ગાર્ડનની સારી રીતે તૈયારી થઈ જાય, તો સમયસર વધુ સારા શાકભાજી ખાવા મળે છે. તાજેતરનાં વર્ષોમાં નાનાં-મોટાં તમામ શહેરોમાં કિચન ગાર્ડનનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આવું માત્ર એટલા માટે નથી કે ઘરમાં શાકભાજી ઉગાડવાથી રસોડાનું બજેટ કાબૂમાં રહે છે, પરંતુ એટલા માટે પણ કે બજારમાં મળતા શાકભાજી દિવસેને દિવસે કેમિકલ્સથી ભરપૂર અને ઝેરી થતા જઈ રહ્યા છે. આથી તે સ્વાસ્થ્ય માટે સતત જોખમ ઊભું કરી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાંક વર્ષોથી શહેરોમાં ઘરોમાં ઉગાડવામાં આવતા શાકભાજીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 

 

મોટાભાગના પરિવારો હવે બધી શાકભાજી નહીં, તો ઓછામાં ઓછા કોથમીર, મરચાં, ટમેટાં, દૂધી અને ભીંડા જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ તો ઘરમાં જ ઉગાડી  રહ્યા છે. તેથી નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે ઈચ્છો છો કે જૂનની શરૂઆત સુધીમાં તમારા ચોમાસાના શાકભાજીના છોડ ઊગી જાય અને વરસાદ શરૂ થતાં જ તે ઝડપથી વધવા લાગે, તો જરૂરી છે કે અત્યારથી જ તેની તૈયારી કરી લો.

 

મે મહિનાની આકરી ગરમીમાં જ્યારે શાકભાજી વાવવા માટે માટી તૈયાર કરવામાં આવે છે, ત્યારે તે આકરા તડકાને કારણે ખૂબ જ ઝડપથી બેક્ટેરિયા મુક્ત થઈ જાય છે. મે મહિનાની ગરમીમાં સારી રીતે સુકાયેલી માટી છોડના વિકાસ માટે ખૂબ જ ફળદ્રુપ બને છે. કારણ કે જો મે મહિનાના અંત સુધીમાં જ માટી તૈયાર કરીને શાકભાજી વાવી દેવામાં આવે, તો તે માત્ર ઝડપથી વધે છે એટલું જ નહીં, પણ પહેલા વરસાદથી તેને પૂરતો ભેજ પણ મળી રહે છે. 

 

વળી, પહેલા વરસાદનું પાણી પણ વધુ ફળદ્રુપ હોય છે. જો કે, ચોમાસાના દિવસોના શાકભાજી વાવવા માટે જો અગાશી પર જગ્યા ન હોય તો બાલ્કનીમાં કુંડાં, ગ્રો બેગ અથવા પ્લાસ્ટિકના ક્ધટેનરનો પણ ઉપયોગ કરી શકાય છે. જો અગાશીમાં થોડી જગ્યા હોય, તો તો કહેવું જ શું! ત્યાં ખૂબ જ આરામથી વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, તુરિયા અને કાકડી સરળતાથી ઉગાડી શકાય છે. દીવાલોના સહારે જાળી લગાવીને વર્ટિકલ ગાર્ડન પણ બનાવી શકાય છે, જેનાથી ઓછામાં ઓછી જગ્યામાં વધુ છોડ અને વધુ શાકભાજી ઉગાડી શકાય છે.

 

ચોમાસાની ઋતુ માટે ભીંડા, તુરિયાં, દૂધી, કારેલાં, ચોળી, મરચાં, પાલક અને કાકડી જેવા શાકભાજી ઉત્તમ માનવામાં આવે છે. આ એવા શાકભાજી છે, જે ઓછી કાળજી અને ચોમાસાના પાણીના કારણે ઝડપથી વધે છે અને સારા પ્રમાણમાં પાક આપે છે. 

ભીંડા અને મરચાના છોડને તો કુંડામાં પણ સારી રીતે ઉગાડી શકાય છે. જ્યારે વેલાવાળા શાકભાજી માટે થોડી ખુલ્લી જગ્યા વધુ સારી રહે છે, પરંતુ જો જગ્યા ન હોય, તો મોટા કુંડામાં વધુ ઊંડાઈ સુધી દેશી ખાતર અને માટી સાથે તે ભરપૂર પાક આપી શકે છે. 

 

એ સુનિશ્ર્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે કે જમીનમાં ગાયના છાણનું પ્રમાણ ઓછામાં ઓછું માટીના જથ્થા જેટલું હોય. સડેલું ખાતર, વર્મી કમ્પોસ્ટ અને એક તૃતીયાંશ ભાગ રેતી ભેળવીને તેને વધુ ફળદ્રુપ બનાવી શકાય છે. 

 

જો કે, આજકાલ બજારમાં રેડીમેડ પોટિંગ મિક્સ પણ ઉપલબ્ધ છે, પરંતુ ઘરગથ્થુ જૈવિક ખાતરનો ઉપયોગ વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તમે થોડી સજાગતા રાખીને દરરોજ તમારા રસોડામાંથી નીકળતા કચરામાંથી પણ ખૂબ સારું કમ્પોસ્ટ તૈયાર કરી શકો છો.

 

ઉનાળાની આ ઋતુમાં ઉગતા નાના-નાના છોડને સીધા તડકાથી બચાવવા જોઈએ. ખાસ કરીને બપોરના તડકાથી તો ગમે તે સંજોગોમાં બચાવવા જ જોઈએ. મે અને જૂન મહિનામાં જ્યારે વરસાદ નથી પડતો, ત્યારે સવાર-સાંજ બંને સમયે થોડી માત્રામાં પણ નિયમિત પાણી આપવું જોઈએ. વધારે પડતું પાણી નાખવાથી છોડના મૂળિયાં સડી જાય છે અને ઓછું પાણી છોડનો વિકાસ અટકાવી દે છે. તેથી જ્યાં સુધી ચોમાસું ન બેસે, ત્યાં સુધી છોડને નિયમિતપણે પાણી આપવું જોઈએ... 

 

અને હા, ચોમાસું શરૂ થતાં જ છોડમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા હોવી પણ ખૂબ જરૂરી છે, જેથી પાણી જમીનમાં કે કુંડામાં ભરાઈ ન રહે. આજકાલ સોશ્યલ મીડિયા અને યુટ્યૂબે પણ કિચન ગાર્ડન સંસ્કૃતિને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. તેથી જો તમે તમારા ઘરમાં કિચન ગાર્ડન બનાવ્યું છે અથવા બનાવવા જઈ રહ્યા છો, તો તમે સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ ઉપયોગી માહિતી પણ મેળવી શકો છો. 

 

જ્યાં ઘણા લોકો તેમના પ્રત્યક્ષ અનુભવો શેર કરે છે, જેનાથી તમે પણ ઘણું બધું શીખી શકો છો. એટલું જ નહીં, પણ સચ્ચાઈ તો એ છે કે તાજેતરનાં વર્ષોમાં લાખો લોકોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જ કિચન ગાર્ડન બનાવવાનું, તેની દેખરેખ રાખવાનું અને તેનાથી વધુ સારો ફાયદો મેળવવાનું શીખ્યું છે.

 

ઘરમાં કિચન ગાર્ડન હોવાથી બાળકો પર એક સકારાત્મક અસર એ થાય છે કે તેઓ પ્રકૃતિ વિશે ઘણું જાણે છે અને તેમનો પ્રકૃતિ પ્રત્યે લગાવ પણ વધે છે. આ કારણે પણ ઘરમાં કિચન ગાર્ડન હોવું એક સારી બાબત છે. 

 

કિચન ગાર્ડનમાં થોડો સમય વિતાવવાથી આપણે સ્ટ્રેસ-ફ્રી પણ થઈએ છીએ અને સકારાત્મક ઊર્જા પણ મેળવીએ છીએ. આ જ કારણ છે કે આજકાલ નોકરી કરતા યુવાનોથી લઈને નિવૃત્ત વડીલો સુધીના બધામાં કિચન ગાર્ડન પ્રત્યે આકર્ષણ જોવા મળી રહ્યું છે. હવે ફરી મૂળ વાત પર આવીએ. ચોમાસું શરૂ થતાં પહેલાં જો આપણે આપણા કિચન ગાર્ડનની અગાઉથી તૈયારી કરી લઈએ, તો જુલાઈ મહિનામાં ઘરની અગાઉથી અગાશી કે બાલ્કનીમાંથી આપણે રોજ એટલા શાકભાજી મેળવી શકીએ છીએ કે મોટાભાગના સમયે ઘરના શાકભાજીથી જ કામ ચાલી શકે.