Tue May 26 2026

Logo

ઝબાન સંભાલ કે: અગમબુદ્ધિ વાણિયો ને પચ્છમબુદ્ધિ બ્રહ્મ,તરતબુદ્ધિ તરકડો ને પછી ધોલ મારે ધમ્મ

2 days ago
Author: Bharat Vaishnav
Article Image

 

 

 

- હેન્રી શાસ્ત્રી

 

આ કહેવત પાછળની મજેદાર કહેવત કથા જાણતાં પહેલા એમાં આવતા શબ્દોના અર્થથી વાકેફ થઈએ. અગમબુદ્ધિ એટલે આગળથી કે અગાઉથી - કામ શરૂ કરતાં પહેલાં કે વિચાર અમલમાં મૂકતાં પહેલાં બુદ્ધિ ચલાવનારી કે ભવિષ્યનો પહેલેથી વિચાર કરનારી વ્યક્તિ. પચ્છમબુદ્ધિ એટલે જેને પાછળથી બુદ્ધિ સૂઝે તેવું, પાછળમતિયું, કાર્ય કર્યા પછી સાચી બુદ્ધિ સૂઝે તેવું, કર્યા પછી પસ્તાય તેવું, અગમચેતી વિનાનું. તરતબુદ્ધિ વિચાર કર્યા વિના વર્તન કરતી વ્યક્તિ અને તરકડો એટલે બેશરમ કે ઉદ્ધત વ્યક્તિ. કહેવત કથામાં બે મિત્રોની વાત છે.

 

એકબીજા માટે અપાર પ્રેમ-લાગણી ધરાવતા બે મિત્રોમાં એક હતો વાણિયો અને બીજો હતો બાહ્મણ. કોઈ પ્રયોજન નિમિત્તે બંને મિત્ર મુસાફરીએ નીકળ્યા. રસ્તામાં એક અજાણી વ્યક્તિનો પરિચય થયો. વાટ કાપવા અને સમય ખુટાડવા ત્રણે અલકમલકની વાતોએ વળગ્યા. ત્રણે જણા વાતો કરતા ચાલ્યા જાય છે. વાત કરતાં કરતાં  કેટલીક અનોખી અને કોઈને વિચિત્ર લાગી શકે એવી માન્યતાઓનો વિષય નીકળ્યો. પરસ્પર મજાક-મશ્કરી પણ થયા. બ્રાહ્મણે ટીખળ સ્વરૂપે ત્રીજી વ્યક્તિને કશું કહ્યું અને પેલી વ્યક્તિને ક્રોધ ચડ્યો અને તેણે બ્રાહ્મણને ધોલ મારી. વાણિયાએ વચમાં પડી સમાધાન કરાવ્યું. જોકે, આ ભાઈને બરાબર પાઠ ભણાવવો જોઈએ એવો નિર્ધાર કર્યો. આગળ ચાલતા બ્રાહ્મણ તુલસીના છોડને શ્રદ્ધાપૂર્વક પગે લાગ્યો ત્યારે પેલી ત્રીજી વ્યક્તિએ ઝાડ ઝાંખરાંને નમન કરવાનું કારણ પૂછ્યું. ‘એ તો અમારી માતા સમાન છે’ એવો જવાબ મળ્યો ત્યારે પેલી વ્યક્તિએ ‘તમે લોકો મૂરખના સરદાર છો’ એમ કહી ટીકા કરી. વાણિયાએ સાનમાં બ્રાહ્મણને સમજાવી ચૂપ રહેવા કહ્યું.

થોડા આગળ વધ્યા ત્યાં કૌવચ (પાન, ફૂલ અને ફળને રૂંવાટી ધરાવતી વનસ્પતિ જે શરીરને અડતા ખૂબ ખંજવાળ આવે)નો વેલો નજરે પડ્યો. વાણિયાએ એને નમીને પ્રણામ કર્યા એ જોઈ ‘મામૂલી વેલાને કેમ નમન કરે છે?’ એવું કટાક્ષના સ્વરમાં ત્રીજી વ્યક્તિએ કહ્યું. જવાબમાં વાણિયાએ કહ્યું કે ‘એ તો અમારા પિતા સમાન છે.’ આ સાંભળી ક્રોધાવેશમાં ત્રીજી વ્યક્તિએ ઝનૂનથી વેલાને ફેંદી નાખ્યો. જોકે, એમ કરવા જતાં કૌવચો એના શરીર ઉપર રગદોળાઈ. થોડી વારમાં શરીરમાં ભયંકર ખંજવાળ ઊપડી. ખૂબ બૂમો પાડી પણ વાણિયો અને બ્રાહ્મણ તો ઘણા આગળ નીકળી ગયા હતા. થોડીવાર પછી ત્યાંથી પસાર થતા એક ભરવાડે પૂછતાછ કરી વાત વિગતે જાણી. પરગજુ સ્વભાવના ભરવાડે પેલી વ્યક્તિને મુશ્કેલીમાંથી ઉગારી લીધી અને સાથે શિખામણ આપી કે ‘અગમબુદ્ધિ વાણિયો, પચ્છમબુદ્ધિ બ્રહ્મ, તરત બુદ્ધિ તરકડો કે ધોલ મારે ધમ્મ. એટલે  કોઈની પણ મજાક મશ્કરી કે ટીખળ કરતાં પહેલાં વિચાર કરવો.’ 

 

ભાષા  વૈભવ 

 

આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠને વર્ષો પહેલાં અમરાવતી તરીકે ઓળખવામાં આવતું હતું. આ સિવાય ઉમરેઠ તેમજ છોટાકાશી અને ચરોતરના ઊંબરા તરીકે પણ જાણીતું બન્યું છે. આજે પણ ઉમરેઠને છોટાકાશી કે પછી ચરોતરનો ઊંબરો તરીકે પણ ઓળખવામાં આવે છે. માત્ર આઠ પરિવારના વસવાટ સાથે વસેલું આ ગામ આજે તાલુકાના મુખ્ય ગામ તરીકે પ્રસિદ્ધ છે. સમગ્ર ભારતમાં માત્ર કાશી અને ઉમરેઠના ચંદ્રમોલેશ્વર મહાદેવના શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવાની પરંપરા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલાય છે. આ પ્રક્રિયામાં પ્રથમ ગરુપૂર્ણિમાના દિવસે નવ ધાન્ય (મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી) અને માટીને એક એક તોલા જેટલું તોલીને કોરા કપડામાં બાંધી માટીના ઘડામાં મૂકીને મંદિરના ગોખમાં રાખવામાં આવે છે. અષાઢ સુદ એકમના દિવસે આ પોટલીઓ બહાર કાઢી ફરીથી તોલવામાં આવે છે. જે ધાન્યના વજનમાં વધારો થયો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન સારુંં રહે છે.

વજન ઘટે તો તે પાક નબળો જવાનો અંદાજ લગાવવામાં આવે છે. આ વરતારાના આધારે ખેડૂતો આગામી સમયમાં કયા પાકની વાવણી કરવી તેનું આયોજન કરે છે. વર્ષો પહેલાં પત્રવ્યવહારની પ્રથા હતી ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારમાંથી આષાઢી તોલવાના થોડા દિવસ પહેલાં પત્ર આવી જતો હતો. ગુરુપૂર્ણિમાના દિવસે આષાઢી તોલી લીધા બાદ પત્ર લખીને દૂર દેશાવરના ખેડૂતને માહિતી આપવામાં આવતી હતી. આ ઉપરાંત કાશીની જેમ ઉમરેઠની સિલ્કની સાડી, મહાદેવના મંદિર અને વિદ્વાનો ખૂબ જ પ્રસિદ્ધ છે. ઇતિહાસકારોના માનવા મુજબ કાશી અને ઉમરેઠ વચ્ચે અનેક સામ્યતા હોવાના કારણે તેને છોટાકાશીનું ઉપનામ આપવામાં આવ્યું છે. કાશીની જેમ ઉમરેઠ પણ ભોલેનાથની નગરી છે. અહીં ચારેય દિશામાં ભગવાન શિવનાં મંદિર આવેલાં છે.