મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સિઝન શરુ થવાને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ક્રિકેટ ચાહકો રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય વિસ્ફોટક ઓપનિંગ બેટર વૈભવ સૂર્યવંશી પર નજર માંડીને બેઠા છે. વૈભવ હાલ શાનદાર ફોર્મમાં છે, એવામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના જીતેશ શર્માએ કહ્યું કે વૈભવ પ્રોફેશનલ ખેલાડી નહીં બની શકે.
IPLની ગત સિઝન દરમિયાન 35 બોલ સદી ફટકારીને વૈભવે પોતાની પ્રતિભા સાબિત કરી હતી, ત્યાર બાદ તેણે ડોમેસ્ટિક કિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું, એશિયા કપ U-19 અને U-19 વર્લ્ડ કપ દરમિયાન પણ તેણે મોટી ઇનિંગ્સ રમી. ભારતીય ક્રિકેટ ચાહકો અપીલ કરી રહ્યા છે કે વૈભવને ભારતની સીનીયર ટીમમાં વહેલી તકે સ્થાન આપવામાં આવે. એવામાં જીતેશ શર્માએ વૈભવને અનપ્રોફેશનલ કહ્યો છે.
જીતેશે આવી ટીપ્પણી કેમ કરી:
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન જીતેશે મજાક મજાકમાં વૈભવ પર આ ટીપ્પણી કરી હતી. એબી ડી વિલિયર્સે IPL અને ત્યાર બાદની ટુર્નામેન્ટમાં વૈભવના પ્રદર્શનના વખાણ કર્યા હતા, તેણે વૈભવની મેચ્યોરીટી અને પ્રોફેશનલિઝ્મના વખાણ કર્યા.
એબી ડી વિલિયર્સે કહ્યું, “વૈભવ IPL માં જે રીતે રમ્યો હતો તે જ રીતે રમતો રહ્યો. તેણે કોઈ બીજા ખેલાડીની જેમ રમવાનો પ્રયાસ ન કર્યો, તે પ્રોફેસનલ ખેલાડી બનશે."
જોકે, જીતેશ સહમત ન હતો, તેણે મેદાનની બહાર વૈભવની આદતોની પોલ ખોલી. જીતેશે જણાવ્યું કે વારંવાર સલાહ આપવા છતાં, વૈભવ મોડી રાત્રે વધુ પડતી આઈસ્ક્રીમ ખાય છે.
જિતેશે હસતાં હસતાં કહ્યું, "હું તમને એ કહી શકું છું કે પ્રોફેશનલ નથી. તમામ લોકો તેને પ્રોફેશનલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ મને નથી લાગતું કે તે ક્યારેય પ્રોફેશનલ બનશે. તે કદાચ મેદાન પર પ્રોફેશનલ હોઈ શકે, પણ મેદાનની બહાર તો નહીં જ. હું તેને રાત્રે આઈસ્ક્રીમ ન ખાવા માટે કહેતો રહું છું, પણ તે ક્યારેય સાંભળતો નથી."