Fri Apr 17 2026

Logo

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બેવડી નાગરિકતા મામલે અલાહાબાદ હાઈ કોર્ટે આપ્યા FIRના આદેશ

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

લખનઉઃ દેશના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે. અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેંચે રાહુલ ગાંધી સામે કેસ ફાઈલ કરવા આદેશ આપ્યા છે. બેવડી નાગરિકતા મામલે અલાહાબાદ હાઈ કોર્ટે મોટો આદેશ કર્યો છે. લખનઉ બેંચે રાહુલ ગાંધી સામે તપાસના આદેશ આપ્યા છે અને રાહુલ ગાંધી સામે કેસ નોંધાઈ શકે છે. 

રાહુલ ગાંધી પાસે બેવડી નાગરિકતા
અલાહાબાદ હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટનો આદેશને ફેરવી નાંખતા સ્પષ્ટતા કરી હતી કે, આ વિવાદીત કેસમાં FIR નોંધવામાં આવે અને તપાસને આગળ વધારવામાં આવે. સુનાવણી દરમિયાન બન્ને પક્ષોએ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરી હતી, કેટલાક તર્ક મૂક્યા હતા.
લાંબી ચર્ચા-દલીલ બાદ કોર્ટે સ્પષ્ટતા કરી કે, આ કેસમાં હવે તપાસ જરૂરી છે. લોકસભામાં વિપક્ષના નેતા રહેલા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા રાખવાના આરોપસર તપાસ જરૂરી છે. આ સમગ્ર કેસ કર્ણાટક ભાજપના નેતા વિગ્નેશ શિશિરની અરજીથી શરૂ થયો હતો. શિશિરે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પાસે ભારતની સાથો-સાથ બ્રિટનની પણ નાગરિકતા છે. 

તપાસના આદેશ આપ્યા
આ જ આધાર પર તેમણે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં FIR નોંધવા માટેની માગ કરી હતી. એક અરજીમાં ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમની સાથો-સાથ ઓફિશિયલ સિક્રેટ એક્ટ, પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ અંતર્ગત કેસ કરવાની માગ પણ સામેલ હતી. આરોપ એવો પણ હતો કે, સાંસદ પાસે બે પાસપોર્ટ હોવા એક કાયદાનું ઉલ્લઘંન હોઈ શકે છે. આ પહેલા રાયબરેલીની કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. 
હાઈ કોર્ટે હવે આ આદેશને રદ્દ કરી નવી દિશામાં તપાસના આદેશ આપ્યા છે. આ કારણે રાહુલ ગાંધીની કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે, જોકે તપાસને લઈને હાલ કોઈ વિગત મળી નથી