Tue May 26 2026

Logo

ઊંચા વ્યાજ-વળતરની ઓફરથી રાજી ન થતા, વધુ સજાગ થઈ જજો ...

2 weeks ago
Author: જયેશ ચિતલિયા
Article Image

કેટલીક કંપની સોશ્યલ મીડિયા કે પરંપરાગત માધ્યમથી રોકાણકારોને આકર્ષવાના વિવિધ નુસખા દ્વારા છેતરવાની ચાલબાજી રમે છે. આ ચાલબાજીનું એક મહત્ત્વનું શસ્ત્ર હોય છે અસાધારણ ઊંચા વળતર કે વ્યાજની ઓફર.  યાદ રહે, આવા ઓફર મુકીને તમને રોકાણ કરવા પ્રેરે ત્યારે સજાગ થઈ જવામાં જ શાણપણ છે

જયેશ ચિતલિયા

કોઈપણ ઈન્વેસ્ટમેન્ટ સામે ઊંચા વળતરની ખાસ કરીને વધુ પડતા એટલે કે માર્કેટના ટ્રેન્ડ કરતાં વધુ વળતરની અથવા વ્યાજની ઓફર થાય અને ઓફર કરનાર અમુક સમય સુધી એવું વળતર આપી પણ દે તો ય રાજી થવાની જરૂર નથી, બલકે ચોંકી જવાની જરૂર છે, કેમ કે આવા ઊંચા વળતરના નામે છેતરનારા બહુ હોશિયાર હોય છે. આપણે અગાઉ ચોકકસ બ્રોકિંગ કે ફાઈનાન્સિયલ સર્વિસીસ ઓફર કરતી કંપનીઓ બનાવટ કરીને રોકાણકાર ગ્રાહકોને કઈ રીતે છેતરે છે તેની વાત કરી હતી. આ જ વિષયમાં કેટલીક વધુ વાત પર પ્રકાશ પાડવો જરૂરી છે.  

તાજેતરમાં આર્થિક અપરાધ વિભાગમાં ઝડપાયેલા એક કેસમાં મ્યુચ્યુઅલ ફંડ સહિત વિવિધ રોકાણ યોજનાઓ ઓફર કરતી એક ફેમિલી સંચાલિત કંપનીએ ઘણાં રોકાણકારોના સંયુકત રીતે કરોડો રૂપિયા ડુબાડી દીધા હોવાનો પર્દાફાશ થયો છે. એમાં એ સત્ય બહાર આવ્યું કે નાની- નાની પેઢીઓ-કંપનીઓ પણ કેવા-કેવા પ્રલોભનો આપી ઈન્વેસ્ટર્સ વર્ગને છેતરતી હોય છે. 

‘થાણાવાલા વેલ્થ મેનેજમેન્ટ’ અને ‘થાણાવાલા ઈન્વેસ્ટમેન્ટ’ના નામે ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસ પૂરી પાડતી આ કંપનીએ અનેક રોકાણકારોનો વિશ્વાસ જીતીને સારી એવી રકમ રોકાણ માટે ઊભી કરી હતી. અમુક સમય સુધી ગ્રાહકોને સારી સેવા પણ આપી, પરંતુ જયારે કંપનીના સંચાલકોમાં જ લોભ જાગીને સક્રિય થઈ ગયો ત્યારે તેણે વધુને વધુ નાણાં ઊભા કરવા રોકાણકારોને બે ટકા માસિક વળતર (એટલે કે વાર્ષિક 24 ટકા વળતરની ઓફર શરૂ કરી અને કેટલીક લોભામણી ઓફર આપવાનો નુસખો પણ અજમાવ્યો. પરિણામે રોકાણકારો તેમની જાળમાં ફસાતા ગયા, કેમ કે ગ્રાહકોના સંબંધો જૂના હતા, અગાઉનો વિશ્વાસ હતો. તેમાં વળી નવા ગ્રાહકો પણ ઊંચા વળતરના વચનો જોઈ આકર્ષાયા હતા. કોઈને એ સવાલ ન થયો કે આ કંપની એવી તે કેવી કમાણી અથવા નફો કરશે કે તેમને વાર્ષિક 24 ટકા વ્યાજ આપશે?

અલબત્ત, શરૂમાં આવી કંપનીઓ પોતાની ઈમેજ અને વિશ્વાસ બનાવવા આવા ઊંચા વ્યાજ આપે પણ છે. એ પછી તેની પાસે ભંડોળ વધતું જતા તે પોતે એ નાણાં બીજા જોખમી માર્ગોમાં લગાડે છે. જયાં તેને મળતી નિષ્ફળતાનો ભોગ આખરે તો તેના સીધા-સાદા રોકાણકારોએ બનવું પડે છે.

વિશ્વાસના નામે છેતરપિંડી

જયારે વેલ્થ મેનેજમેન્ટ કે ફાઇનાન્સ કંપનીઓ પોતાની લોભામણી ઓફરો રોકાણકારોને કરવા લાગે ત્યારે સવાલ અને શંકા થવા જોઈએ. આ પેઢીએ ઊંચા વળતરની ઓફર આપી અનેક રોકાણકારોના પોતાની મૂડીના નાણાં તો શું, તેના પરના વળતર પણ આપ્યા નહીં, કારણ કે તે પેઢીએ જ રોકાણકારોના નાણાં બીજા બિઝનેસમાં ફંટાવી દઈ ખોટ ખાધી હતી. આખરે રોકાણકારોએ ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરિયાદ કરી અને નાણાંકીય છેતરપિંડનો કેસ કર્યો ત્યારે આ સંચાલકોની ધરપકડ થઈ, પરંતુ રોકાણકારોના નાણાંનું શું? હજી અનેક રોકાણકારોનાં નાણાં ફસાયેલા પડયા છે. વાસ્તવમાં વધુ પડતા ઊંચા વળતરથી રોકાણકારોએ હરખાવાને બદલે ચેતીને વિચાર પણ કરવો જોઈએ કે  કંપની એવો કયો બિઝનેસ કરે છે કે તે માસિક બે ટકા વ્યાજ આપી શકે? જોકે રોકાણકારો લોભ માર્યા જલદી ફસાઇ જાય છે.  

બાય ધ વે, મોટાભાગના રોકાણકારો સામાન્ય રીતે સંચાલકો સાથેના જૂના સંબંધો અને વિશ્વાસના આધારે રોકાણ કરી બેસે છે, એ પછી થાય છે હાઈ રિટર્ન...  હાઈ રિસ્ક ખરું, પણ હર્ષદ મહેતાના સમય દરમિયાન  સીઆરબી મ્યુચ્યુઅલ ફંડ બજારમાં આવ્યું હતું, જેણે રોકાણકારોને લોભામણી ઓફર કરી ફસાવ્યા હતા અને આખરે તે ફંડ જ નાદાર થયું હતું અને એ સમયે નિયમન સંસ્થાએ તેની સ્કિમ્સ પણ બંધ કરાવી હતી. 

અલબત્ત, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આવા કિસ્સા એકલદોકલ જ હશે, અન્યથા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ઊંચી વિશ્વસનિયતા હાંસલ કરી છે, પરંતુ એના નામે લેભાગુ એજન્ટો અને ફંડ મેનેજર્સ બીજી ઓફરો સાથે નીકળી પડે છે. આવા લોકોને ઓળખવાનો એક માર્ગ એ જ છે કે તેમના વળતરના દાવા જોઈ જવા, તેઓ પોતે કયાં નાણાં લગાડે છે એ જાણી લેવું. તેમાં કયારેય મોટી મૂડી મૂકવી નહીં. યાદ રહે, જયાં હાઈ રિટર્ન હશે ત્યાં રિસ્ક પણ હાઇ હશે, પણ હાઈ રિસ્ક હશે ત્યાં હાઇ રિટર્ન હશે જ એવું માનીને ચાલી શકાય નહીં.