Tue May 26 2026

Logo

એકનાં પાંચ કરવાની લોભામણી લાલચ આપી ગિફ્ટ સિટીની એક કંપનીએ કરોડોનું 'કરી' નાખ્યું

2 weeks ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં ઓફિસ ધરાવતી એક કંપનીએ રૂ. 400 કરોડની છેતરામણી કર્યાની ઘટના બહાર આવી હતી. અહીં શૂટ સ્પેસ ડિજિટલ પ્રા. લિમિટેડ નામની કંપનીએ ઊંચુ વળતર આપવાની લાલચે હજારો રોકાણકારોને છેતર્યા હોવાની ફરિયાદો થઈ હતી. અહેવાલો અનુસાર, કંપનીએ ડિજિટલ ડેટા સ્ટોરેજ સ્પેસમાં રોકાણના બદલામાં લગભગ 5% માસિક વળતરનું વચન આપીને રોકાણકારોને લલચાવ્યા હતા. રોકાણકારોનો વિશ્વાસ મેળવવા માટે, કંપની શરૂઆતમાં નિયમિતપણે વળતર ચૂકવતી હતી. જોકે, લગભગ બે મહિના પહેલા ચૂકવણી અચાનક બંધ થઈ ગઈ હોવાના અહેવાલ છે, જેના પછી કંપનીના અધિકારીઓએ કથિત રીતે તમામ સંપર્કો કાપી નાખ્યા હતા. 

પ્રારંભિક માહિતી અનુસાર લગભગ 33,000 જેટલા રોકાણકાર આ કથિત કૌભાંડનો શિકાર બન્યા છે, જેમાં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીર સહિત અન્ય રાજ્યોના રોકાણકારોનો પણ સમાવેશ થાય છે. મધ્યમવર્ગીય અને ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારના રોકાણકારોએ રૂ. 5 લાખથી 3 કરોડ સુધીનું રોકાણ આ ફર્મમાં કર્યું હોવાનું અહેવાલો જણાવે છે. કંપનીએ ખૂબ પ્રતિષ્ઠિત એવા ગિફ્ટ સિટીમાં ઓફિસ ખોલવા સમયે ભારે તામજામ કરી રોકાણકારોને આકર્ષવાની શરૂઆત કરી હતી, તેવું ભોગ બનેલાઓએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું. 

બુધવારે મોટી સંખ્યામાં રોકાણકારો કંપનીની ઓફિસની બહાર એકઠા થયા હતા. ત્યારબાદ તણાવ વધી ગયો હતો. વિસ્તારમાં અશાંતિ સર્જાતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડભોડા પોલીસ સ્ટેશનની ટીમ દોડી આવી હતી અને મામલો સંભાળ્યો હતો. હાલમાં અહીં પોલીસ બંદોબંસ્ત રાખવામાં આવ્યો છે. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે રોકાણકારો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં કંપનીના સંચાલકોને શોધવામાં આવી રહ્યા છે. જો તપાસમાં ગુનાહિત ગેરરીતિના પુરાવા મળશે તો જવાબદાર તમામ લોકો સામે ઔપચારિક કેસ નોંધવામાં આવશે.

દરમિયાન અહેવાલો અનુસાર કંપનીના ડિરેક્ટરનું નામ ઉત્પલ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ઉત્પલ પટેલ સાબરકાંઠાના ઈસરી ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તેણે રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં મોટીવેશનલ સ્પીચ આપી રોકાણકારોને આકર્ષતો હતો. હાલમાં તો તે અને અન્ય બે ડિરેક્ટર ફરાર હોવાનું જાણવા મળ્યું છે.