નવી દિલ્હીઃ મૂળ ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના બાવીસ વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન સમીર રિઝવીને 2024ની આઇપીએલ (IPL) માટે ચેન્નઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયાના વિક્રમજનક ભાવે ખરીદ્યો ત્યારે સૌ કોઈને નવાઈ લાગી હતી અને ત્યારથી માંડીને આ વખતની આઇપીએલ સુધીમાં સમીર રિઝવીએ કોઈ જ અસાધારણ દેખાવ નહોતો કર્યો, પરંતુ આ વખતે તેણે (દિલ્હી કૅપિટલ્સ વતી) ધમાકેદાર પર્ફોર્મ કરીને સૌને ચોંકાવી દીધા છે. સમીર રિઝવીએ મૅન ઑફ ધ મૅચ (MOM) પુરસ્કાર જીતવાની હૅટ-ટ્રિક કરી છે અને દિગ્ગજોની હરોળમાં આવી ગયો છે. હવે જો તે બુધવારે દિલ્હી (Delhi)માં ગુજરાત ટાઇટન્સ સામે પણ આ પુરસ્કાર જીતશે તો તેના નામે નવો વિક્રમ લખાશે. તે ઉપરાપરી ચાર મૅચમાં આ અવૉર્ડ જીતનાર પહેલો ખેલાડી કહેવાશે.
સમીરને દિલ્હીએ 95 લાખમાં ખરીદ્યો છે
અત્યાર સુધીમાં સમીર રિઝવી સહિત કુલ સાત ખેલાડીએ લાગલગાટ ત્રણ મૅચમાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો છે. સમીર એમાં સાતમો પ્લેયર છે. તેને દિલ્હી કૅપિટલ્સે 95 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
સમીર રિઝવી 2025ની સીઝનમાં પંજાબ કિંગ્સ સામે દિલ્હી વતી જે છેલ્લી મૅચ રમ્યો હતો એમાં તેણે પચીસ બૉલમાં પાંચ સિક્સર તથા ત્રણ ફોરની મદદથી અણનમ 58 રન કર્યા હતા અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. ત્યાર બાદ એ આઇપીએલમાં દિલ્હીની એકેય મૅચ નહોતી રમાઈ. આ વખતે દિલ્હીની પહેલી મૅચમાં સમીરે લખનઊ સામે 47 બૉલમાં 70 રન અને પછી શનિવારે મુંબઈ સામે 51 બૉલમાં 90 રન કર્યા. આ બન્ને મુકાબલામાં પણ તે મૅન ઑફ ધ મૅચ બન્યો એટલે એની હૅટ-ટ્રિક કરી લીધી.
અવૉર્ડની હૅટ-ટ્રિક કોના નામે છે?
આઇપીએલમાં સતત ત્રણ મૅચમાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતનાર ખેલાડીઓના નામ આ મુજબ છેઃ (1) જૅક કૅલિસઃ 2010માં (2) વીરેન્દર સેહવાગઃ 2012માં (3) આરૉન ફિન્ચઃ 2016માં (4) વિરાટ કોહલીઃ 2016માં (5) જૉસ બટલરઃ 2018માં (6) ઋતુરાજ ગાયકવાડઃ 2020માં અને (7) સમીર રિઝવીઃ 2025-'26માં