Thu Apr 23 2026

Logo

લેન્સકાર્ટને મોંધો પડ્યો બિંદી-તિલક વિવાદ, માર્કેટ વેલ્યૂમાં 4500 કરોડનો ઘટાડો

2 days ago
Author: Chandrakant Kanoja
Article Image

મુંબઈ : ભારતની અગ્રણી આઇવેર કંપની લેન્સકાર્ટમાં બિંદી અને તિલકને મુદ્દે સર્જાયેલો વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેની અસર શેરબજારમાં તેના શેર પર પડી છે. આ વિવાદના લીધે લેન્સકાર્ટના શેરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. એક જ દિવસમાં કંપનીની માર્કેટ વેલ્યૂમાં રૂપિયા 4500 કરોડનો ઘટાડો થયો છે. 

શેરના ભાવમાં લગભગ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો

મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં આજે ટ્રેડિંગ સેશન દરમિયાન લેન્સકાર્ટ સોલ્યુશન્સના શેરના ભાવમાં  લગભગ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના લીધે  કંપનીનો શેર ₹508.70 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જેમા સવારે શેર ₹530.05 પર ખુલ્યો હતો. જ્યારે પાછલા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે તે ₹534.85 પર બંધ થયો હતો. લગભગ 3:00 વાગ્યા સુધીમાં  કંપનીના શેર ₹530.60 પર ટ્રેડ થઈ રહ્યા હતા. જે લગભગ 1 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સૂચવે છે કે શેરમાં રિકવરી આવી હતી. 

કંપનીના શેરનો ભાવ ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો

આંકડાઓ પર નજર કરીએ તો કંપનીના શેરનો ભાવ ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો.ત્યારે કંપનીનું મૂલ્યાંકન ₹88,331.48 કરોડ હતું. તેનાથી વિપરીત  પાછલા અઠવાડિયાના ટ્રેડિંગ સત્ર દરમિયાન, કંપનીનું મૂલ્યાંકન ₹92,872.20 કરોડ હતું. આનો અર્થ એ થાય કે ટ્રેડિંગ સત્ર દરમિયાન કંપનીના મૂલ્યાંકનમાં ₹4,540.72 કરોડનો ઘટાડો જોવા મળ્યો.

લેન્સકાર્ટ દ્વારા કર્મચારીઓ માટે  જાહેર કરાયેલી ગાઈડ લાઇન વિવાદનું મૂળ 

લેન્સકાર્ટ દ્વારા  સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓ તિલક, સિંદૂર, મંગળસૂત્ર, કડું, પાઘડી અને હિજાબ જેવી ધાર્મિક અથવા સાંસ્કૃતિક ઓળખ ધરાવતી વસ્તુઓ પહેરીને કામ કરી નહિ કરી શકે તેવી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જે અંગેની વિગતો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ વિવાદ વકર્યો હતો. તેમજ તેના અનેક સ્ટોરમાં 
જઇને હિંદુ સંગઠનોએ વિરોધ પણ વ્યક્ત કર્યો  હતો.