લાતુર: લાતુર જિલ્લામાં ઘરેલું વિવાદને લઇ પચીસ વર્ષની મહિલાએ તેના બે સંતાન સાથે કૂવામાં ઝંપલાવીને આયખું ટૂંકાવ્યું હતું.જિલ્લાના ઔસા તહેસીલના ખારોસા ગામમાં રવિવારે મોડી રાતે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા ત્રણેયની ઓળખ નિકિતા અમરદીપ ભુરે, તેની પાંચ વર્ષની પુત્રી શિવાની અને ત્રણ વર્ષના પુત્ર શિવાંશનો સમાવેશ થાય છે.
પોલીસ ઇન્સ્પેક્ટર ડો. વિશાલ શહાણેએ જણાવ્યું હતું કે નિકિતા ભુરેએ તેના ઘર નજીક આવેલા કૂવામાં મોડી રાતે તેના બંને સંતાન સાથે ઝંપલાવ્યું હતું.સોમવારે સવારે ત્રણેયના મૃતદેહ કૂવામાં નજરે પડ્યા બાદ ગામવાસીઓએ તેની જાણ પોલીસને કરી હતી. આથી કિલ્લારી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ત્રણેય મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં મોકલાયા હતા. પોલીસે આ મામલાની નોંધ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)